
ઉના ગીરગઢડા પંથકમાં વન્ય પ્રાણી સિંહ-દીપડાના આંટાફેરા સામાન્ય બની ગયા હોય ત્યારે ઉનાના તપોવન રોડ પર વાડી વિસ્તારમાં એક સાથે 4 સિંહ પરીવાર બચ્ચા સાથે આરામ ફરમાવતા નજરે પડ્યા હતા. તો બીજી તરફ ઉમેજમાં ગત મોડી રાત્રીનાં સમયે ગામમાં ચાર સિંહ ઘુસી એક સાથે અલગ અલગ 8 જેટલા પશુઓનાં મારણ કર્યાં હતાં. આ ઘટનાથી ગામમાં રહેતાં લોકોમાં તેમજ વાડી વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો..

તપોવન રોડ પર આવેલ વાડી વિસ્તારમાં એક સાથે 4 સિંહ પરીવાર બચ્ચા સાથે આવી ખેડુતના મકાન પાસે બહારના ઢોરવાડીયામાં ખીલે બાંધેલી ગાય પર હુમલો કરતા ગળાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. સિંહે હુમલો કરેલ ત્યારે ગાય ભાંભરવા લાગેલ ત્યારે વાડી માલિક જાગી જતાં સિંહો ત્યાંથી નાશી ગયા હતા. તેમજ એજ રાત્રીના ઉમેજ ગામમાં રહેણાંક વિસ્તારમાં ચાર સિંહો ઘુસી અલગ અલગ શેરીમા એકા એક 8 પશુના મારણ કરી મિજબાની માણી હતી. જેથી ગામ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું. જોકે સિંહ પશુના મારણ બાદ આરામથી રહેણાંક વિસ્તારમાંથી જતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.
તપોવન રોડ પર આવેલ વાડી વિસ્તારમાં સુગર ફેકટરીની પડતર જમીનમાં ખુલ્લાં સમી સાંજના સમયે એક સાથે 4 સિંહ પરીવાર બચ્ચાં સાથે આરામ ફરમાવતા નજરે પડ્યા હતા. જોકે આ વિસ્તારમાં કલાકો સુધી સિંહ, સિંહણ બચ્ચાં સાથે પોતાની મસ્તીમાં ખુલ્લામાં આરામ કરતા જોવા મળેલ ત્યારે વાયુવેગે લોકોમાં વાત ફેલાતા સિંહ જોવા ઉમટ્યા હતા. અને મોડી રાત્રીનાં અંધારૂ થતા આ ચારેય સિંહો ત્યાંથી શિકારની શોધમાં ચાલ્યા ગયા હતા
