
- વિદ્યાર્થિની મૂળ પંચમહાલ જિલ્લાની રહેવાસી છે
- માણેજામાં મામાને ત્યાં રહી ભણતી ગોધરાની તૃષા રાત્રે વોરા ગામડી રોડ પરથી પસાર થતી હતી ત્યારે હત્યારો ત્રાટક્યો
- પોણાઆઠ વાગ્યાના અરસામાં યુવતીની ચીસો સાંભળીને દોડી આવેલા મજૂરોએ એક શખસને ભાગતો જોયો, યુવતીનો મોબાઇલ ગુમ
વડોદરા શહેરના છેવાડે નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ નજીક 19 વર્ષીય વિદ્યાર્થિનીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં લોહીથી લથબથ વિદ્યાર્થિનીની લાશ મળી હતી. હત્યારાઓએ યુવતીનો એક હાથ કાપી નાખી હત્યા કરી લાશ ફેંકી ફરાર થઈ ગયા હતા.

યુવતી મામાના ઘરે અભ્યાસ કરતી હતી
પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી અનુસાર, શહેરના માણેજામાં મામાના ઘરે રહી અભ્યાસ કરતી તૃષા સોલંકીની અજાણ્યા શખસોએ ક્રૂર હત્યા કરી લાશ હાઇવે પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી મળેલા આધારકાર્ડમાં યુવતી મૂળ પંચમહાલ જિલ્લાની હોવાનું ખૂલ્યું છે.

માથા-મોઢાના ભાગે ઘાનાં નિશાન
પોલીસસૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ, શહેર નજીકના નેશનલ હાઇવે નં-48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઇડ પાસે એક યુવતીની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હોવાની વિગતો પોલીસને મળી હતી. આ માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. યુવતીનાં માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હોય એવાં નિશાનો મળ્યાં હતાં
પોલીસે આગળની તપાસ હાથ ધરી
આ ઉપરાંત હત્યારાઓએ યુવતીનો જમણો હાથ કાપીને તેના શરીરથી દૂર ફેંકી દીધો હતો, જે પોલીસને મળી આવ્યો હતો. યુવતીને માથા અને મોઢાના ભાગે ખૂબ જ ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ હત્યારાઓ અને કયા કારણસર હત્યા કરવામાં આવી છે એ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ-તપાસમાં યુવતી પોતાનું એક્ટિવા લઈ ટ્યૂશન જવા માટે નીકળી હતી. ત્યાર બાદ તેની લાશ મકરપુરા પોલીસ મથકની હદમાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. મકરપુરા પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
એ લોકો બહુ ઝાટકા મારતા હોવાથી યુવતી ચીસો પાડતી હતી
હું મારા રોજિંદા ઘરકામમાં પરોવાયેલી હતી ત્યારે ઓચિંતી રાતના 8 વાગવામાં 15 મિનિટ બાકી હતી ત્યારે યુવતીની ચીસો સંભળાઇ હતી, પણ લાઇટો જતી રહી હોવાથી અંધારું વધુ હતું, એટલે ત્યાં જવાની મારી હિંમત ચાલી ન હતી. એ લોકો બહુ ઝાટકા મારતા હોવાથી યુવતી ચીસો પાડતી હતી. તરત મેં મારા જમાઇને જાણ કરી હતી. જેથી તેમણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. મારા ખેતરથી 200 મીટર દૂર આ ઘટના બની હતી. (હત્યાના સ્થળ નજીક ખેતરમાં રહેતાં ગીતાબેન પાટણવાડિયાના જણાવ્યાનુસાર).
ક્લાસમાં જતી તૃષા હાઈવે પર કેવી રીતે પહોંચી?
એકેડમીમાં કોચિંગ માટે જતી તૃષા હાઈવે પર કેવી રીતે પહોંચી એ તપાસનો વિષય છે. અમે એ બાબતે ઊંડી તપાસ કરી રહ્યા છે. – કરણરાજ વાઘેલા, ડીસીપી.
અમારા પરિવારમાં એકની એક દીકરી હતી: મામા
યુવતીના મામા સજ્જનસિંહે જણાવ્યું હતું કે અમારા પરિવારમાં એકની એક દીકરી હતી. અલકાપુરી કોચિંગ માટે જતી હતી. સાંજે જે સમયે ઘરે પરત ફરતી હતી એ સમયે પરત આવી ના હતી. બાદમાં તેની હત્યાની જાણ થઇ હતી.
એકથી વધુ શખસો હોવાની અને અજુગતું થયાની શંકા
તુષાનું મોપેડ હાઇવે પર હતું. જ્યારે હત્યા ત્યાંથી દૂર ઝાડીમાં થઇ હતી, જેથી હત્યામાં એકથી વધુ લોકો હોવાની અને તેની સાથે અજુગતું બન્યું હોવાની તપાસ શરૂ કરાઇ છે.
રાજ્યમાં દીકરીઓ પર થતા હુમલા ચિંતાનો વિષય
થોડાક દિવસો પહેલાં સુરત ખાતે ફેનિલે એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા નામની યુવતીનું જાહેરમાં ગળું કાપી નાખી હત્યા કરી હતી. ત્યાર બાદ રાધનપુરમાં વિધર્મી યુવકે એકતરફી પ્રેમમાં યુવતીના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો.

