
- ડ્રેનેજ લાઈનમાં ખામી સર્જાતાં ધીમે ધીમે માટી ખસી રોડ બેસી ગયો
- છૂટા છવાયા વરસાદ વચ્ચે પણ શહેરભરમાં ભૂવા પડવાની ઘટના જારી
શહેરમાં ચોમાસા પહેલાંથી જ ભુવા પડવાની ઘટના હજુ પણ જારી જ છે. રસ્તાઓની ઘનોતપનોત નીકળી ગઈ છે. નવા રોડ પણ તૂટી ગયા છે ત્યારે કાપોદ્રામાં બીઆરટીએસ રૂટ પર 20 ફૂટ જેટલો ખાડો પડી ગયો હતો. સવારે 7 વાગ્યાના સુમારે અચાનક રોડ બેસતો જોતાં રાહદારીએ ફાયરને જાણ કરી હતી અને વરાછા ઝોનની ટીમે રૂટ બંધ કરાવી મરામત શરૂ કરી હતી.
કાપોદ્રામાં આર્દશ નગર પાસે બીઆરટીએસ રૂટમાં 20 ફૂટ ઊંડો અને 8 ફૂટ પહોળો ભૂવો પડ્યો હતો. ઝોનની ટીમે રૂટ બંધ કરાવ્યો અને મરામત કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટના વહેલી સવારે બની હોવાથી સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. હાલ છુટોછવાયા વરસાદ વચ્ચે પણ ભૂવા પડવાની ઘટના થઈ રહી છે.
ડ્રેનેજ લાઇનમાં ખામી સર્જાતાં સેટલમેન્ટ થઈ ભૂવો પડ્યો
વરાછા ઝોનના અધિકારીએ જણાવ્યું કે, ટીમે ઘટના સ્થળે પહોંચી ડ્રેનેજ વિભાગને પણ જાણ કરી હતી. લાઈનમાં ખામી થતાં સેટલમેન્ટ થઈ ભૂવો પડ્યો હતો. આજે મરામત પૂર્ણ કરી દેવાશે.’
