
- સ્મીમેર મેડિકલ કોલેજની ઘટના, સુપરવાઇઝરે રંગેહાથ ઝડપી પાડ્યા
- યુનિવર્સિટીમાં હિયરિંગ બાદ જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ મૂકી દેવાયા
નર્મદ યુનિવર્સિટીની એમડી-એમએસની ફાઇનલ યરની પરીક્ષામાં બે મુન્નાભાઈ પકડાયા છે. ચાલુ પરીક્ષાએ બંને વિદ્યાર્થી વોશરૂમમાં ગયા હતા, જ્યાં જુનિયર વિદ્યાર્થીના ફોનમાંથી જવાબ શોધતા હતા. યુનિવર્સિટીએ બંનેને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપી રૂ. 500નો દંડ કર્યો હતો.
બંને વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયા
સૂત્રો કહે છે કે, આ પરીક્ષા જૂલાઈમાં યોજી હતી. જેમાં સ્મીમેર મેડિકલ કોલેજમાં બે વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ એક સાથે વોશરૂમ જતા સુપરવાઇઝરને શંકા ગઈ હતી. જેથી તે પણ પાછળ ગયા હતા. જ્યાં બંને વિદ્યાર્થી મોબાઇલ પર ઇન્ટરનેટથી પ્રશ્નના જવાબ શોધતા હતા. આ બંને વિદ્યાર્થીએ જુનિયરનો ફોન લીધો હોવાનું કબૂલ્યું હતું. જેથી ગેરરીતિનો કેસ બનાવીને યુનિવર્સિટીમાં મોકલી અપાયો હતો. જ્યાં બંને વિદ્યાર્થીનું હિયરિંગ કરાયું હતું. જો કે, બંને વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયા હોવા છતાં તેમના ભાવિને જોઈને યુનિવર્સિટીએ આગામી પરીક્ષામાં બેસવા માટેની તક આપી છે.
અગાઉ ચોરી કરતા પકડાયેલા 450માંથી 40% વિદ્યાર્થિની
યુનિવર્સિટીએ જૂન-જૂલાઇમાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સોની પરીક્ષા લીધી હતી. જે પરીક્ષામાં 450 વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયા છે. જેમાં 60% વિદ્યાર્થી છે તો 40% વિદ્યાર્થિની છે. યુનિવર્સિટીએ 450 વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપવા સાથે સાથે રૂ. 500થી રૂ. 1,000 સુધીનો દંડ કર્યો છે. જે વાત યુનિવર્સિટીના અધિકારી સૂત્રોએ જણાવી હતી.
75% વિદ્યાર્થીઓ માઇક્રો ઝેરોક્ષ લઇને આવ્યા હતા
પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ માઇક્રો ઝેરોક્ષ લઇને આવ્યા હતા. 20% મોબાઇલ, 6% હાથથી લખેલી કાપલી, હોલ ટિકિટ પાછળ કે પછી પાટીયા પાછળ લખાણ લખી આવ્યા હતા. 4% છાત્રના હાથ-પગ પર લખાણ હતા.
એક છાત્રે ટેટનું તો બીજાએ એટીકેટીનું બહાનુ બતાવ્યું
સુનાવણીમાં એક વિદ્યાર્થીએ કબૂલ્યું હતું કે ટેટની તૈયારી કરતો હોવાથી ટેટની તૈયારી કરી શકયો ન હોવાનું, જ્યારે બીજા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે એટીકેટી સોલ્વ થતી ન હતી. જેને કારણે માઇક્રો ઝેરોક્ષ લઈને આવ્યો હતો.

