
- ભારે પવન સાથે 24 કલાકમાં એકથી ત્રણ અને 10 જુલાઈ સુધીમાં 3થી 5 ઈંચ વરસાદ પડી શકે
રાજ્યમાં એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય છે, જેની અસરથી 4 દિવસ સુધી અમદાવાદમાં હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ 4 દિવસ મોટેભાગે બપોરથી લઇને રાત સુધી વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. 24 કલાકમાં અમદાવાદમાં 1થી 3 ઇંચ, 10 જુલાઇ સુધીમાં 3થી 5 ઇંચ વરસાદ જ્યારે મોટાભાગના વિસ્તારોમાં 30થી 50 કિલોમીટરની ઝડપના પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠાથી કેરાલાના દરિયાકાંઠા વિસ્તારમાં ઓફ શોર ટ્રફ, મોન્સુન ટ્રફ (ભેજની પટ્ટી) તેની સામાન્ય સ્થિતિ કરતાં નીચો આવીને રાજસ્થાનના જોધપુર-બિકાનેર સુધી લંબાયો છે, જેને લીધે વાદળોનું પ્રમાણ વધુ રહે છે. તેમજ દક્ષિણ ગુજરાતની આજુબાજુ શેર ઝોન અને સાયક્લોનિક સરક્યુલેશન રચાયું છે, જે આગામી 72 કલાકમાં આગળ વધશે. જેની અસરોથી અમદાવાદમાં 10 જુલાઇ સુધી હળવોથી ભારે વરસાદ પડતાં 3થી 5 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે. 7 જુલાઈએ અમદાવાદમાં 1થી 2 ઇંચ વરસાદ પડી શકે છે. તેમજ 10 જુલાઇ સુધી એક દિવસ ધારણા કરતાં વધુ ભારે વરસાદ થઈ શકે છે. જયારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, ભરૂચ જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ચાંદલોડિયામાં પોણા 2, રાણીપમાં 1, ઉસ્માનપુરામાં 1 ઈંચ વરસાદ પડ્યો
શહેરમાં બુધવારે રાત્રે 12 વાગ્યા પછી ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ચાંદલોડિયા-રામોલમાં પોણા બે ઈંચ, રાણીપ-ઉસ્માનપુરામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે 4 વિસ્તારમાં પાણી ભરાયાની ફરિયાદો મળી હતી. પૂર્વ ઝોનમાં 1, પશ્ચિમ ઝોનમાં 1 અને દક્ષિણ ઝોનમાં 2 વિસ્તારમાં પાણી ભરાયાની ફરિયાદો સામે આવી હતી. સાબરમતી નદીમાં રાત્રે પડેલા વરસાદને કારણે 508 ક્યુસેક પાણીની આવક થઇ હતી.
