
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 440 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કચ્છમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે.
બીજી તરફ, દ્વારકા, જામનગર અને કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જ્યારે પોરબંદરમાં નવ નંબરનું અતિભયસૂચક સિગ્નલ લગાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. ત્યારે ગઈકાલે જૂનાગઢના માંગરોળના દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. ભારે તોફાનને કારણે દરિયાકાંઠા પરના પથ્થરો ઊછળીને બહાર આવ્યા હતા અને માછીમારોના દંગામાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. તો યાત્રાધામ હર્ષદમાં પણ બજારમાં દરિયાનાં પાણી ફરી વળ્યાં હતાં.

નલિયાના જખૌ બંદર પર SDRFની ટીમે સમીક્ષા કરી.
ભાવનગરમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો
ભાવનગરના ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ દરિયા કિનારે ‘બિપરજોય’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભાવનગરના દરિયા પર 5 થી 6 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડાંની અસરથી 30 થી 35ની ગતિથી પવન ફુકાવાની શરૂઆત થઈ ચુકી છે. દરિયામાં ભારે કરંટ જોવા મળતા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાવનગરના દરિયાકાંઠે આવેલા ઘોઘા અને કોળિયાક ગામોમાં સરકારી શાળાઓમાં લોકોને રહેવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કચ્છમાં બચાવ કામગીરી માટે 4 ટીમ ફાળવાઈ
સંભવિત વાવાઝોડાંને લઈને કચ્છને બચાવ કામગીરી માટે 4 ટીમ ફાળવવામાં આવી છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRFની ટીમ ફાળવાઇ છે. SDRFની એક અને NDRFની એક ટીમ નલિયા ખાતે તહેનાત કરાઈ છે, જ્યારે NDRFની એક ટીમ માંડવી ખાતે તહેનાત કરાઈ છે. SDRFની 25 લોકોની એક ટીમ આજે સવારે ભુજ આવી પહોંચી છે. ભુજમાં SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. SDRF અને NDRFની ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી રહી છે. આ ઉપરાંત કચ્છમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે.
કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ
નલિયાના પિંગ્લેશ્વર દરિયાકિનારે સમુદ્રી પાણી મર્યાદા ઓળંગી બહાર ધકેલાયું હતું. નલિયા મરીન કમાન્ડો ટાસ્કફોર્સ આસપાસના કાંઠાળપટ્ટીના લોકોની મદદ માટે સાધનસામગ્રી સાથે સજ્જ બની છે. નલિયાના જખૌ બંદર પર SDRFની ટીમે સમીક્ષા કરી હતી તેમજ નલિયા ખાતે લાગેલાં મોટા ભાગનાં બોર્ડ દૂર કરાયાં છે. કચ્છના મુન્દ્રા, કંડલા, માંડવી અને જખૌ પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હાલ કચ્છના કાંઠાળ વિસ્તારમાં 40થી 50ની ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
જામનગરમાં NDRFની એક ટીમ આવી પહોંચી
વાવાઝોડાંના સંભવિત ખતરાને પગલે આજે જામનગરમાં NDRFની એક ટીમ આવી પહોંચી છે. ત્યારે હજુ વધુ એક એનડીઆરએફની ટીમ જામનગર આવશે તેમજ SDRFની બે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડાંને પગલે જામનગરના બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જે અતિભયાનક વાવાઝોડાંની ચેતવણી આપે છે.
મંત્રી જગદીશ પંચાલ સહિતનાઓએ માંગરોળ બંદરની મુલાકાત લીધી
રાજ્ય સરકાર દ્વારા વિવિધ મંત્રીને દરિયાઈ પટ્ટીની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની જવાબદારી મંત્રી જગદીશ પંચાલને સોપવામાં આવી છે. ત્યારે માંગરોળ સર્કિટ હાઉસથી અધિકારીઓ અને ધારાસભ્યો સાથે બેઠક પૂર્ણ કરી મંત્રી જગદીશ પંચાલ, ધારાસભ્ય ભગવાનજી, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢના જિલ્લા કલેક્ટર, જૂનાગઢ એસપી, સાંસદ રાજેશ ચૂડાસમાં સહિતનો કાફલો માંગરોળ બંદર પર પહોંચ્યો હતો. માછીમારો અને ખારવા સમાજ સાથે મિટિંગ કર્યા બાદ માંગરોળ બંદરની મુલાકાત લીધી હતી.
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો
‘બિપરજોય’ વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે. એમ તેની સીધી અસર દરિયાકાંઠે જોવા મળી રહી છે, વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ઓટના સમયે પણ દરિયાના મોજાઓ ઊછળતા જોવા મળ્યા હતા. બિપરજોય વાવાઝોડાને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. જિલ્લામાં એક એન.ડી.આર.એફ ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સતત વહીવટી તંત્ર દ્વારા દરિયા ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પલેલે કેનેડાથી વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં રહેલા લોકોને વાવાઝોડાંની સ્થાતિમાં વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ જરૂરિયાતની સુચનાનું પાલન કરવા અપીલ કરી છે.

પોરબંદર પોર્ટ પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું.
પોરબંદર પોર્ટ પર ભયાનક 9 નંબરનું સિગ્નલ
પોરબંદર પોર્ટ પર ભયાનક 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલ બંદર વિસ્તાર તરફ વાવાઝોડું આવતું હોવાનું સૂચવે છે, પોરબંદર જિલ્લામાં લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ‘બિપરજોય’ વાવાઝોડાંને પગલે ગઈકાલે પોરબંદરના વાતવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ થોડીવાર માટે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. NDRFની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાના પગલે પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે. ચોપાટી નજીક દરિયામાં ઉંચા મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં. પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્થાનિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. વાવાઝોડું પોરબંદરથી હાલ 340 કિલોમીટર દૂર છે.
વાવાઝોડાંની શક્યતાને પગલે હવે પ્રાર્થનાઓનો દોર શરૂ
અમરેલી જિલ્લાના જાફરાબાદ સહિતના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયો ગાંડોતૂર થયો છે. જાફરાબાદના કિનારે 20 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જેથી દરિયા કિનારે વસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો બીજી તરફ ‘બિપોરજોય’ વાવાઝોડાંની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આવા સમયે હવે પ્રાર્થનાઓનો દોર શરૂ થયો છે. ધારાસભ્ય હિરા સોલંકીએ માછીમાર આગેવાનો સાથે દરિયા દેવને શાંત કરવા માટે વિધીવત પૂજા કરી હતી. ઘૂઘવાતા કરતા સમુદ્રની સામે ઉભા રહીને હિરા સોલંકીએ સમુદ્રમાં શ્રીફળ અને દુધ ચડાવી સમુદ્ર દેવને શાંત થવા માટે વિનંતી કરી હતી.

નવસારીના દરિયામાં 4-5 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે
નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારા પર 16 જેટલા ગામો વસેલા છે. જેમને બિપરજોય વાવાઝોડાની શક્યતાઓને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. દાંડી અને ઉભરાટના દરિયા કિનારે વાવાઝોડાની અસરના ભાગરૂપે દરિયામાં કરંટ દેખાઈ રહ્યો છે. 4 ફૂટથી લઈને 5 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછડી રહ્યા છે. સમગ્ર દરિયાની સ્થિતિ પર જિલ્લા તંત્ર નજર રાખીને બેઠું છે અને દરિયાકાંઠા પર લાયઝનિંગ ઓફિસરોની નિમણૂક કરીને તંત્ર વાવાઝોડા પર નજર રાખી રહ્યું છે. વહેલી સવારે ઉમરાટ દરિયા કિનારે પણ દરિયા કિનારા પર આવેલી દુકાને ઓના પત્રરા પણ દુકાનદારો દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા.સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા હતા. નવસારી જિલ્લા વહીવટી તંત્રે દરિયાકાંઠાનાં ગામોને અલર્ટ કર્યાં છે, સાથે જ સહેલાણીઓને પણ બીજ પર જવાની મનાઈ ફરમાવી છે.
લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થાનાંતર કરવાની તૈયારી શરૂ
વાવાઝોડાંના પગલે માંડવી અને અબડાસાના કાંઠાળ પટ્ટીના 67 ગામોના 8300 લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થાનાંતર કરવાની તૈયારી હાલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આશ્રિત લોકો માટે માંડવી તાલુકાના મેરાઉ ગામે 2000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સેવ બૂંદી અને ગાંઠિયાનો નાસ્તો પેક કરી મામતદાર કચેરી ખાતે આપવામાં આવશે. ગામનાં કાંતિલાલ રાજગોર દ્વારા વિનામૂલ્યે વાનગી બનાવી દેવામાં આવી હોવાનું કરછ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંચાલક અરવિંદ જોશીએ કહ્યું હતું.

ગુજરાતમાં વાવાઝોડાંની સ્થિતિનું PMOથી નિરીક્ષણ
બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે વડાપ્રધાન કાર્યાલય (PMO) પણ સક્રિય બન્યું છે. એક અહેવાલ અનુસાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે કચ્છ જિલ્લામાં આવે તેવી સંભાવના છે. વાવાઝોડાંથી કચ્છના કાંઠાળ વિસ્તારોને ખતરો છે ત્યારે માંડવિયા કચ્છ પહોંચીને તંત્ર દ્વારા કરાયેલી સ્થિતિની સમીક્ષા કરશે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાંનો ખતરો જોવા મળી રહ્યો છે. 7 જૂનના રોજ વાવાઝોડું બિપરજોય દ્વારકાથી આશરે 1200 કિલોમીટર દૂર હતું. જે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે. ત્યારે આજે હાલ આ વાવાઝોડું દ્વારકાથી 400 કિલોમીટર જ્યારે પોરબંદરથી માત્ર 360 કિલોમીટર દૂર છે. વાવાઝોડાને પગલે વહિવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. દરિયાકાંઠાના તમામ ગામડાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે પણ દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. ખાસ કરીને હર્ષદ અને માંગરોળના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો હતો. હર્ષદમાં તો દરિયાના પાણી ભરબજારમાં પહોંચી ગયા હતા. જ્યારે માંગરોળમાં પણ દરિયાકાંઠા પરના પથ્થરો ઉછળીને બહાર આવ્યાં હતા.
સતત ત્રીજા દિવસે રોપ-વે બંધ
ગીરનાર પર ભારે પવનના કારણે સતત ત્રીજા દિવસે રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાંને લઈ ગુજરાતભરના દરિયાકાંઠાના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢ ગિરનાર પર ભારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપ-વે સતત ત્રીજા દિવસે બંધ રાખવામાં આવ્યો છે. ગીરનાર પર્વત પર સીડી ચડીને જતા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

