
- કળશ-3 ફ્લેટના વોચમેનને કમર પર બચકું ભરી લીધું
- હોસ્પિટલે આવેલા એક કિશોર અને એક વૃદ્ધને લાફા માર્યા
પાલડી વિસ્તારમાં આવેલા પરિમલ સુવિધા વિસ્તારમાં વાંદરાના ઝૂંડે આતંક મચાવ્યો છે. કેટલાક લોકોને લાફા મારી બચકાં ભરી લીધા છે. કળશ-3 ફ્લેટના વોચમેન પર વાંદરાએ હુમલો કરી કમરના ભાગે બચકું ભરી લીધું છે. જ્યારે હોસ્પિટલમાં આવેલા એક કિશોર અને એક વૃદ્ધને લાફા માર્યા છે. આ ઉપરાંત બોપલમાં પણ છેલ્લા કેટલાક દિવસથી વાંદરાઓના બે ઝુંડે લોકોને હેરાન કરતાં વન વિભાગને જાણ કરવામાં આવી છે.
લોકો વાંદરાઓના આંતકથી ત્રસ્ત થઇ ગયા
પાલડી પરિમલ સુવિધા વિસ્તાર અને બોપલમાં લોકો વાંદરાઓના આંતકથી ત્રસ્ત થઇ ગયા છે. સુવિધા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં વાંદરાએ નાના બાળકો સહિત 5 લોકો ઉપર હુમલો કર્યો હોવાની માહિતી છે. મોટા ભાગે ખોરાકની શોધમાં માનવ વસ્તી આવી ચડતા વાંદરાઓ હુમલો કરી દેતા હોય છે.

વન વિભાગ વાંદરાઓના ત્રાસમાંથી મુક્તિ નથી અપાવી રહ્યાં
સુવિધા વિસ્તારમાં આવેલા કલશ-3ના વોચમેન ઉપર હુમલો કરીને પેટના ભાગે બચકુ ભરી લીધું હતું. આ ઉપરાંત બાજુના દવાખાનામાં સારવાર અર્થે આવેલા એક 16 વર્ષના કિશોરને વાંદરાએ લાફો માર્યો હતો. જ્યારે ત્યાંથી થોડે દૂર એક વૃદ્ધને પણ લાફો મારીને ઉત્પાત મચાવ્યો હતો. આ વિસ્તારના લોકો વાંદરાના આંતકથી ત્રસ્ત થઇ ગયા છે. વન વિભાગને અનેક વખત રજૂઆત કરવા છતાં તેઓ કોઇ કાર્યવાહી કરતા નથી. સરકારી ગાડીમાં આવીને સ્થાનિકોને સાંભળીને જતા રહે છે. અનેક વખત રજૂઆત છતાં વન વિભાગ વાંદરાઓના ત્રાસમાંથી મુક્તિ નથી અપાવી રહ્યાં. વન વિભાગને જાણ કરવામાં આવે તો તેઓ કલાકો સુધી રાહ જોવી પડતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.
કાંકરિયા ઝૂના લોકો પણ વાંદરા પકડવાનું કામ કરે છે
બોડકદેવ વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરના એક કર્મચારીએ જણાવ્યું કે, અમારે ત્યાં રોજના 50 વાઈલ્ડ લાઈફના કેસ આવે છે. જેથી પ્રાથમિકતા ઘાયલ પશુ અને પક્ષીને આપવાની હોવાથી વાંદરાને પકડવાનું કામ ફ્રી સમયમાં કરીએ છીએ. કાંકરિયા ઝૂના લોકો પણ વાંદરા પકડવાનું કામ કરે છે.
વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ તોફાની વાંદરાને પકડી પાડ્યો
ઉલ્લેખનીય છે કે, થોડાંક સમય પહેલાં માણેકચોક અને મણિનગર વિસ્તારમાં વાંદરાઓએ આતંક મચાવ્યો હતો. અનેક લોકોને વાંદરાઓએ બચકાં ભરવા સાથે લાફા માર્યા હતા. કેટલાક દિવસ સુધી લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ તોફાની વાંદરાને પકડી પાડ્યો હતો. મણિનગરમાં તો બેથી ત્રણ સોસાયટીમાં ધાબા પર સૂઈ રહેલા 5થી વધુ લોકોને વાંદરાએ બચકાં ભરી લીધા હતા.
બોપલમાં પણ વાંદરાના ત્રાસની ફરિયાદ
પાલડી વિસ્તારમાં વાંદરાના ઝૂંડના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે. કળશ-3 ફ્લેટના વોચમેનને કમરના ભાગે બચકું ભરી લીધું હતું.

