
- બે કૂવા ખોદ્યા પણ પાણી ન નીકળતાં નસવાડીના આ ‘માંઝી’એ રીતસર શ્રમ યજ્ઞ શરૂ કર્યો
- પાણી ન આવે તો કઇ નહીં, વરસાદનું પાણી તો સંગ્રહ થશે: ખેડૂત ખુશાલ ભીલ
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારના કડુલી મહુડી ગામમાં રહેતા ખેડૂત ખુશાલ ભીલ અહીં પરિવાર સાથે ખેતી કરીને ગુજરાન ચલાવે છે. અહીં ખેતીની થોડી જમીન તેમના ઘરની બાજુમાં જ છે, પરંતુ હાલ તેઓ પાણી માટે હાલ ડુંગર ખોદી રહ્યા છે. ખુશાલ ભીલે પોતાના ઘરની સામેની જમીનમાં બે મહિનામાં 30 ફૂટ ઊંડો અને 40 ફૂટ પહોળો કૂવો ખોદી કાઢ્યો છે. હજુ પણ તેઓ પાણી માટે કૂવો ખોદી રહ્યા છે.
ખેડૂત પાણી માટે હાલ ડુંગર ખોદી રહ્યા
જોકે, તેઓ શાંત સ્વરે કહે છે કે, જો પાણી ના પણ મળે તો આ સ્થળ નાના તળાવ તરીકે પણ કામ લાગશે. કંઇ નહીં તો વરસાદી પાણીનો સંગ્રહ થશે અને જળસ્તર ઊંચું આવશે, જેથી પશુ-પક્ષીઓ અને અમારા ગાય, બળદોને પાણી મળશે.સામાન્ય રીતે કૂવો ખોદવા એકથી વધુ લોકોની જરૂર પડે છે, પરંતુ ખુશાલ ભીલ એકલપંડે પાવડા, તગારા, ત્રિકમ, પરાઇ, ખીલો, હથોડો લઇને કામ કરી રહ્યા છે. છેલ્લા બે મહિનાથી તેઓ એકલા હાથે કૂવો ખોદી રહ્યા છે. કૂવાની અંદરની માટી બહાર કાઢવા પણ તેમણે અંદર પગથિયાં બનાવ્યા છે.

પાણી ના પણ મળે તો આ સ્થળ નાના તળાવ તરીકે કામ લાગશે
ખુશાલ ભીલ આદિવાસી ખેડૂત છે. તેમના ઘરની બાજુમાં જ હેન્ડપંપ છે, પરંતુ ત્યાં ડહોળું પાણી આવે છે. હાલ તેઓ એ જ પાણીનો ઉપયોગ કરે છે. સરકાર પાણી સંગ્રહનું અભિયાન ચલાવે છે. કરોડોના ખર્ચે ચેકડેમ બનાવે છે, પરંતુ તે ચોમાસામાં ધોવાઇ જાય છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લા તંત્રને પણ કડુલી મહુડી ગામે પહોંચીને ખુશાલ ભીલની પાણી સંગ્રહ માટેની કામગીરી જોઇને સાનંદાશ્ચર્ય થયું હતું.

પાણી ન મળે તો તળાવ બનાવી દઈશ…
હું મારા ઘર સામે આ ત્રીજો કૂવો ખોદી રહ્યો છુ. અગાઉ મારા પિતાના ઘરના આંગણે અને એક મારા ઘર નજીક એમ બે કૂવા ખોદ્યા હતા, જેમાં મને પૂરેપૂરી સફળતા નહોતી મળી. એ પણ 30 ફૂટના હતા. હાલ આ મોટું ખોદકામ કરી રહ્યો છું, એટલે એક નાનકડું તળાવ બની શકે. ઉપરવાળો પાણી આપે તો ઠીક છે, નહીં તો વરસાદી પાણી રોકાશે એ જ મારો આશય છે. સરકાર પાસે મદદ નથી માગી. પાણી રહેશે તો ખેતી પણ કરીશ અને પીવાના કામમાં પણ આવશે. અત્યારે તો હું એકલો જ કૂવો ખોદું છું. મારી પત્ની, છોકરી કોઇની મદદ નથી લીધી. ચોમાસામાં જોજો પાણી પાણી જ હશે. – ખુશાલ નાનજી ભીલ, ખેડૂત, કડુલી મહુડી

ડાંગના ખેડૂતે પાણીના અભાવે કૂવાઓ ખોદી નાખ્યા હતા
ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લામાં પુષ્કળ વરસાદ પડે છે. પરંતુ ડુંગરાળ અને પથરાળ પ્રદેશ હોવાના કારણે સરકારની બધી યોજનાઓ અહીં કામ આવતી નથી અને છેવટે લોકો કોતરોમાં માઇલો દૂર પાણી શોધે છે.ડાંગની મહત્તમ પ્રજાને પાણીના અભાવે ખેતી કરવી દુષ્કર બને છે. પરંતુ વાસુર્ણાના એક કિસાને જાતે 32 ફૂટનો કૂવો ખોદી પાણીની વ્યવસ્થા કરી હતી.

ખેડૂતે જાતે પોતાની ખેતરમાં કૂવો ખોદ્યો
ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવાથી 17 કિ.મી.ના અંતરે આવેલા વાસુર્ણા ગામમાં વસતા 60 વર્ષીય ખેડૂત ગંગાભાઈ જીવલ્યાભાઈ પવાર જેમને ખેતી માટે કુવાની જરૂર હોય 20 વર્ષ સુધી સરપંચને રજૂઆત કરી. અવારનવાર સરકારી કુવાની માંગણી કરી હતી, પરંતુ તેમની માંગણી નહી સ્વીકારાતા જાત મહેનત જિંદાબાદમા માનનારા ખેડૂત જાતે જ તેમના ખેતરમાં એકલા હાથે કૂવો ખોદવાનું શરુ કર્યું. પહેલો કુવો 10 ફૂટ ખોદયા બાદ ખડક નીકળતા તેનું કામ પડતું મૂકી બીજો કૂવો ખોદવાની શરૂઆત કરી. તેનું પણ આઠ નવ ફૂટ ખોદકામ કરતા તેમાં પણ ખડક લાગતા ત્રીજા કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું.

ત્રીજા કુવામાં 15 ફૂટ એ પાણી નીકળ્યું હતું.પરંતુ તે પણ સિંચાઈ યોજનામાં અન્ય ખેડૂતોને ફાળવી દેતાં ગંગાભાઈએ ચોથો કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું .ચોથા કૂવામાં પણ 15 ફૂટ એ ખડક લાગતા ચોથા કુવાનું ખોદકામ પણ પડતું મૂકી થાક્યા વગર વર્ષ પહેલા પાંચમા કુવાનું ખોદકામ શરૂ કર્યુ હતુ.રાત દિવસ જ્યારે પણ આંખ ખુલે એટલે ખેડૂત કુવાના ખોદકામમાં જોતરાઈ જતો હતો. એકલા હાથે 14 મહિના સુધી સખત મહેનત 32 ફૂટ કૂવાનું ખોદકામ કર્યા બાદ ખેડૂતની મહેનત રંગ લાવી ખેડૂતના કૂવામાં પાણી નીકળતા ખેડૂતની 14 મહિનાનો થાક પાણીને સ્પર્શતાજ જ પળમાં ઓગળી ગયો હતો.
આ અંગેની જાણ તેમના પરિવારજનોને થતા તેમના આનંદનો પાર રહ્યો ન હતો. ગ્રામજનો તેમજ તેમના કૂવાને જોવા માટે લોકોના ટોળેટોળા ધસી આવી જાતે કૂવામાં ઉતરી ખાતરી કરી ખેડૂતની મહેનતને બિરદાવી હતી. ગામના સરપંચ ગીતાબેનમ ગાવિતને આ બાબતની જાણ થતા તેઓ પણ તેમના કુવા પાસે દોડી આવી તેમની મહેનતને બિરદાવી હતી.

