
- પોલીસે વેક્સિન ગ્રાઉન્ડની આસપાસની 19 સોસાયટીઓમાં તપાસ કરી પણ વોચમેન ન મળ્યો
વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડમાં યુવતી પર ગેંગરેપ બાદ થયા બાદ ઘટના સ્થળે જોવા મળેલો વોચમેન હજી સુધી પોલીસના હાથે લાગ્યો નથી. જેથી વોચમેન શંકાના ઘેરામાં આવ્યો છે. રેલવે પોલીસે ઘટના સ્થળની આસપાસના 2 કિ.મી. વિસ્તારની 19 સોસાયટીઓના સિક્યુરિટી ગાર્ડની તપાસ કરી હતી, પરંતુ ગેંગરેની રાતે વેક્સિન ગ્રાઉન્ડમાં હાજર વોચમેન પોલીસને મળ્યો નહોતો.
બસ ચાલકે પોલીસને બોલાવવાની વાત કરતા વોચમેને નીકળી ગયો
ઉલ્લેખનિય છે કે, ગેંગરેપ બાદ બસ ચાલકે શું થયું છે બેટા, તેમ કહેતાં પીડિતાએ જણાવ્યું કે, 2 જણાએ મને રિક્ષામાં બેસાડી મારા હાથ-મેં બાંધી અહીં લાવી દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ વોચમેન કાકા આવ્યા હતા અને છોકરીને કહ્યું કે, તું અહીં શું કરે છે ત્યારે છોકરીએ કંઇ જવાબ આપ્યો ન હતો. જેથી બસ ચાલકે વોચમેનને રેપની વાત કરી પોલીસને બોલાવું છું તેમ કહેતાં વોચમેન જતો રહ્યો હતો. ત્યારબાદ ભરવાડ આવતાં તેને પણ વાત કરી હતી.

300થી વધુ રિક્ષાચાલકો અને 19 શકમંદોની પૂછપરછ
પોલીસે બે દિવસમાં વેક્સિન મેદાનની આસપાસ 300થી વધુ રિક્ષાચાલકોની પૂછપરછ કરી હતી. 10 દિવસમાં અમદાવાદ-વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા રેલવે પોલીસે 19થી વધુ શકમંદની પૂછતાછ કરી હતી. પોલીસે ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, પીડિતા જે સાઇકલનો ઉપયોગ કરતી હતી તેના વિશે, સાઇકલ ક્યાં છે અને કઈ સાઇકલ છે, તે વિશે સંસ્થાના ટ્રસ્ટીઓ અથવા સંસ્થાની હિત ધરાવતા વ્યક્તિઓ સ્પષ્ટ જણાવતા નથી અને સંભવિત રીતે પુરાવાનો નાશ કર્યો છે. આ સાઇકલ ગુમ કરવામાં વોચમેનનો હાથ હોવાની શંકા સેવાઇ રહી છે.
પોલીસ ફરી ઓએસિસની ઓફિસમાં પહોંચી
છેલ્લા 18 દિવસથી વેક્સિન ગેંગ રેપ કેસમાં પોલીસની ટીમ રોજ રેસકોર્સ વિસ્તારની ઓએસિસની ઓફિસ અને પીડિતાના ઘેર જઇને તપાસ કરી રહી છે અને પુરાવા એકત્ર કરી રહી છે. રવિવારે પણ રેલવે પોલીસની ટીમ તથા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઓએસિસ સંસ્થામાં પહોંચી હતી અને તપાસ કરી ત્યાં હાજર કાર્યકરોના નિવેદનો લઇને પૂછપરછ કરી હતી.

18 દિવસ પછી પણ પોલીસ અંધારામાં ફાંફાં મારી રહી છે
નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાતની ઘટનાના 18 દિવસ પછી પણ પોલીસ હજુ અંધારામાં ફાંફાં મારી રહી છે. પોલીસને કોઇ જ નક્કર કડી મળતી નથી. બીજી તરફ ગેંગરેપની ઘટનામાં પરિચિતોની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે મેદાનની આસપાસ સાઇકલની દુકાન ધરાવતા વેપારીઓ સહિતના લોકોની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમે ઓએસિસની અન્ય સ્થળે આવેલી ઓફિસમાં પહોંચી પૂછપરછ કરી દસ્તાવેજો કબજે કર્યા હતા.
સંસ્થાએ કેમ અમને વાત ન કરી ? પરિવારનો પોલીસને ફોન
સૂત્રોએ જણાવ્યું હતું કે પીડિતાના પરિવારે એક ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કરીને રજુઆત કરી હતી કે, તેમની પુત્રી સાથે થયેલા દુષ્કર્મની વાત સંસ્થાએ તેમની સાથે છુપાવી છે. ત્યારે તે બાબતે પણ તપાસ થવી જોઇએ. ઉચ્ચ પોલીસ અધિકારી સાથેની વાતમાં યુવતીના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે સંસ્થાને જાણ હતી કે, મારી પુત્રીએ ડાયરીમાં તમામ માહિતી લખેલી છે અને 29 તારીખે બનાવ બન્યો છે ત્યારે સંસ્થાએ પરિવારને જાણ કેમ ના કરી તે મોટો પ્રશ્ન છે.
યુવતીની બેગમાં અંગ્રેજીમાં લખેલી ઓરેન્જ ડાયરી મળી હતી
પીડિતાએ 4 તારીખે વલસાડમાં ગુજરાત ક્વીન ટ્રેનમાં આપઘાત કર્યો હતો. બનાવની તપાસમાં પીડિતા ઓએસિસ(શાલીન એપા.-2, રેસકોર્સ)માં 2 વર્ષથી ફેલોશિપ ટ્રેનિંગ લેતી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી પાસેથી મળેલી બેગમાં અંગ્રેજીમાં લખેલી ઓરેન્જ ડાયરી મળી હતી, જેમાં 29 ઓક્ટોબરના બનાવની વિગતો હતી. ડાયરી મુજબ 29 તારીખે યુવતી જગદીશ ફરસાણની ગલીમાંથી જતી હતી ત્યારે બે વ્યક્તિઓએ સાઇકલને ધક્કો મારી ઓઢણીથી હાથ-પગ-મોં બાંધી દુષ્કર્મ કર્યું હોવાનું અને મરનારને ઓળખતી હોવાનું અને હિન્દીમાં બોલતા હોવાનું જાણવા મળ્યું હતુ.


