
- ચોરીને ભાગતા ટ્રકચાલક પાસેથી 26 બોટલ મળી
- ટ્રક ચાલક સહિત ચાર શખસની પોલીસે ધરપકડ કરી
જેતપુરના મોટા ગુંદાળાના નેશનલ હાઇવેના પુલ પર ગઇકાલે બપોરના સમયે હાઈવે ઓથોરિટીની એક ટ્રક રોડના સફાઈની કામગીરી કરતી હોવાથી ધીમે ધીમે ચાલતી હતી. દરમિયાન જેતપુર બાજુથી પૂરપાટ ઝડપે આવતી એક કાર નંબર જીજે-03-ડી-7119 ધડાકાભેર અથડાતા ચાલકે ટ્રક ઉભી રાખી હતી. પાછળ જોતા કારનો આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હતો અને કારમાં અંગ્રેજી દારૂની પેટીઓ ભરેલી હતી. દારૂની બોટલો જોતા જ રાહદારીઓ અને રોડ પરથી પસાર થતા વાહનચાલકોએ બોટલો લેવા પડાપડી કરી હતી. હાથમાં સમાય તેટલી દારૂની બોટલો લઇ લોકો ભાગી રહ્યા હતા. જેના લાઇવ દૃશ્યો કેમેરામાં કેદ થયા છે.
ધોરાજી પોલીસને જાણ કરતા વાહનોનું ચેકિંગ કર્યું
અકસ્માતની જેતપુર તાલુકા પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ પોલીસને બે જ પેટી દારૂ મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કરીને દારૂ ચોરી જનાર વાહન ચાલકો તેમજ રાહદારીઓ સામે તપાસ હાથ ધરી હતી. જેમાં દારૂ ચોરી ગયા હોવાની જાણ ધોરાજી પોલીસને કરતા હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ટ્રકમાં ચેકિંગ કરતા 26 બોટલ મળી આવી
ચેકિંગ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીનો મેન્ટેનન્સ વિભાગના કોન્ટ્રાકટરનો ટ્રક ત્યાંથી પસાર થતા તેને થોભાવી તલાશી લેતા તેમાંથી 26 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ ચોરી જનાર ઉપલેટાના ટ્રક ચાલક દિનેશ મિયાત્રા, મયુર દેગામા, ભુપત કુળેચા અને પ્રફુલ ડાભીની ધરપકડ કરી હતી.



