
અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી પૂર્વ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ સાથે સ્થાનિક લોકોએ બોલાચાલી કરી હતી. વસ્ત્રાલ વિસ્તારમાં શ્રેયા એક્ઝોકિટા રેસિડેન્સીની દીવાલ પાસે નાનો ચબૂતરો અને મંદિર બનાવવામાં આવ્યો હતો. જેને આજે સવારે એસ્ટેટ વિભાગની ટીમે તોડી પાડ્યો હતો. જેને લઈ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. મંદિર અને ચબૂતરો તોડવા મામલે વિરોધ કર્યો હતો. જ્યારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગાડી જવા દેવામાં આવતી હતી ત્યારે મહિલાઓ આગળ આવીને ઊભી રહી ગઈ હતી. સ્થાનિક લોકો અને એસ્ટેટ વિભાગની ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ સમગ્ર મામલે પોલીસને બોલાવવાની ફરજ પણ પડી હતી.

સ્થાનિક રહેવાસીઓ ભેગા થઈ ગયા
મળતી માહિતી મુજબ અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ ટોલબુથ સામે આવેલા શ્રેયા એક્ઝોકિટા રેસિડેન્સીની દીવાલ પાસે બનાવવામાં આવેલા નાનકડા મંદિર અને ચબૂતરો આજે પૂર્વ ઝોનની એસ્ટેટની ટીમે તોડી પાડ્યું હતું. જેને લઈ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા અને મંદિર તેમજ ચબૂતરો તોડવા મામલે વિરોધ કર્યો હતો. રોડ ઉપર ખડકાયેલા દબાણો તોડતા નથી, પરંતુ આવા નાના મંદિરોને તોડવામાં આવે છે તેવો આક્ષેપ ટીમ પર કરવામાં આવ્યો હતો.

અધિકારીઓ સાથે ઝપાઝપી થઈ
દબાણની ગાડીઓના કર્મચારીઓ અને ફરજ પરના અધિકારીઓ સાથે ઝપાઝપી થઈ હતી. મહિલાઓ સાથે રકઝક થતા સ્થાનિકોએ તેનો વિરોધ કરીને AMCની દબાણ વિભાગના કર્મચારીઓને ધક્કે ચડાવ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ ગઈ હતી અને દબાણ વિભાગની ગાડીની આગળ ઉભી રહી ગઈ હતી. વિભાગના કર્મચારીઓ અને સ્ટાફ સાથે સ્થાનિકોનું ઘર્ષણ સર્જાતા આમને સામને બંને દ્વારા મોબાઈલ લઈ અને વીડિયો રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું હતું. આક્ષેપબાજી અને વિરોધના પગલે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેથી સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી હતી.



