
- શહેરના 5 ફલડ ગેટ બંધ અડાજણ-ચોક કિનારેથી 158 લોકોનું સ્થળાંતર
- મોડીરાતે ડેમ ભયજનકથી સપાટી 1.40 ફૂટ દૂર હોવાથી જાવક 3.10 લાખ ક્યુસેક કરવી પડી હતી
- ઉકાઈમાં ઇનફલો 1 લાખ થઈ જતાં ડિસ્ચાર્જ ઘટાડીને 1.92 લાખ ક્યુસેક કરાયો: સપાટી 343 ફૂટ
મોડીરાતે ઉકાઇ ડેમની સપાટી ભયજનક લેવલ 345 ફૂટથી માત્ર 1.40 ફૂટ જ દૂર હોય ડિસ્ચાર્જ વધારીને 3.10 લાખ ક્યુસેક કરાયો હતો. જો કે, સોમવારે આવક ઘટીને સાંજ સુધીમાં 1 લાખ ક્યુસેક થઇ જતાં તંત્રે જાવક ઘટાડીને 1.92 લાખ ક્યુસેક કરી હતી. રાતે 8 કલાકે ડેમની સપાટી 343.08 ફૂટ નોંધાઇ હતી.

શહેરનો કોઝવે ભયજનક 6 મીટરથી 5 મીટર ઉપર 10.98 મીટરે ઓવરફલો થયો હતો. શહેરમાં પાણી ન પ્રવેશે તે માટે પાલિકા દ્વારા સેન્ટ્રલ અને રાંદેર ઝોન વિસ્તારના કુલ 5 ફલડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા. તાપી કિનારે આવેલા અડાજણના રેવાનગરમાં રહેતા 11 પરિવારના ઘરોમાં પાણી ભરાતા 48 વ્યકતિઓને અને સેન્ટ્રલ ઝોનમાં ડક્કા-નાવડી કિનારેથી 110 વ્યકતિઓને સલામત સ્થળે શિફ્ટ કરી દેવાયા હતા. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, મેયર દક્ષેશ માવાણી, સ્થાયી ચેરમેન રાજન પટેલ સહિતનાઓએ હનુમાન ટેકરી, રેવાનગર, ઘાસ્તીપુરા ખાતે સ્થળ મુલાકાત લઇને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
4 વર્ષનો રેકોર્ડ તોડી કૉઝવે 10.95 મી. પર છલકાયો
ડેમમાંથી ડિસ્ચાર્જ થયેલાં 3.10 લાખ ક્યૂસેક પાણીની અસર સોમવારે સવારે 9 વાગ્યે તાપીમાં વર્તાતા જ કૉઝવે 4 વર્ષની ઓલ ટાઇમ હાઇ સપાટી સાથે છલકાયો હતો. વર્ષ 2019માં કૉઝવે પરથી 9 મીટર સપાટીએ પાણી વહ્યાં હતાં, જે સ્તર સોમવારે સવારે 9 વાગ્યે 10.95 મીટર નોંધાયું હતું. જો કે, 23-09-2013ના રોજ ઉકાઇ ડેમમાંથી 4.40 લાખ ક્યૂસેક પાણીના ડિસ્ચાર્જના લીધે કોઝવેનું લેવલ 11.73 મીટરની હાઇએસ્ટ સપાટી પર છલકાયો હતો.
શહેર-જિલ્લામાં વરસાદી માહોલ: આગામી બે દિવસ વરસાદ રહેશે
સોમવારે ઓલપાડમાં 32 મીમી, માંગરોળમાં 19 મીમી, ઉમરપાડામાં 31 મીમી, માંડવીમાં 29 મીમી, કામરેજમાં 15 મીમી, શહેરમાં 4 મીમી, ચોર્યાસીમાં 13 મીમી, પલસાણામાં 60 મીમી, બારડોલીમાં 26 મીમી વરસાદ હતો. 2 દિવસ શહેરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.
ડક્કા ઓવારા પાસે 10 ફૂટ પાણી
રવિવારે રાત્રે ઉકાઈ ડેમમાંથી 3.10 લાખ ક્યુસેકના પ્રવાહ સાથે પાણી છોડવામાં આવ્યું હતું. જેને કારણે ડેમની સાથે તાપી નદીનું સ્વરૂપ રૌદ્ર જણાયું હતું.સોમવારે રાતથી શહેરના નાવડી ઓવારા તેમજ ડક્કા ઓવારા વિસ્તારમાં 10 ફૂટ સુધી પાણી ફરી વળ્યા હતા, જેમાં નાના-મોટા ઝૂંપડા તથા મંદિર પણ ચપેટમાં આવી ગયા હતા.બે દિવસથી ઉકાઇના કેચમેન્ટ એરિયામાં વરસાદ સતત ઘટી રહ્યો છે.
ઉપરવાસમાં વરસાદ ઘટ્યો: હથનુર ડેમનો ડિસ્ચાર્જ 38 હજાર કરાયો
છેલ્લા 24 કલાકમાં 21 રેઇન ગેજ સ્ટેશનમાં સરેરાશ 2.95 મીમી અને કુલ 62 મીમી વરસાદ નોંધાયો હતો. સાંજે 6 કલાકે હથનુર ડેમની સપાટી 212.46 મીટર અને ડિસ્ચાર્જ ઘટાડી 38 હજાર ક્યુસેક નોંધાયો હતો.
નાવડી ઓવારા પાસે મંદિરની આજુ બાજુ પાણી ફરી વળ્યાં
નાવડી ઓવારા ખાતે મંદિરમાં 3 પુજારી પાણી ફરી વળતાં ફસાઈ ગયા હતા. સવારે ફાયરબ્રિગેડે ત્રણેને રેસ્ક્યુ કર્યા હતા. તપ્તેશ્વર હનુમાન મંદિરમાં મયન ઓમકાર મહંત (60) કૈલાસનાથ પાંડે (80) અને સુનિલ તિવારી (43) પૂજા-પાઠ કરી મંદિરમાં જ રહે છે. રવિવારે રાત્રે તાપીનું જળસ્તર વધી મંદિરની ચારેય બાજુ પાણી ફરી વળ્યા હતા. આ વાતથી અજાણ ત્રણે પૂજારી મંદિરમાં સૂતેલા હતા. શહેરમાં પૂરના પાણી ન પ્રવેશે તે માટે મક્કાઇપુલ ખાતેનો ફલડગેટ બંધ કરાયો હતો. જેથી સવારથી સગરામપુરા-કાદરશાની નાળમાં મેટ્રોના કામ અને ગેરકાયદે ગટર જોડાણના કારણે પાણી બેક મારતા લોકો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા હતા.

