
અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ડિગો અને અકાશા એરની ડોમેસ્ટિક ફ્લાઈટના પેસેન્જરો ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (FRT) પર આધારિત ડીજી યાત્રાથી પેપરલેસ યાત્રા કરી શકશે. અસલ આઈડી પ્રૂફની જરૂર પડશે નહીં. પ્રથમ સપ્તાહમાં 4000થી વધુ પેસેન્જરોએ ડીજી યાત્રા એપનો ઉપયોગ કર્યો છે.

ડીજી યાત્રાનો ઉપયોગ કરતા મુસાફરોને ટિકિટ કે બોર્ડિંગ પાસની પ્રિન્ટઆઉટ લેવાની જરૂર રહેતી નથી. અમદાવાદ એરપોર્ટ પર અમલી નવી બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમથી ચેક-ઇન, સુરક્ષા અને બોર્ડિંગ પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. જેની મદદથી પેસેન્જરોનો 10થી 15 મિનિટ જેટલો સમય બચશે. અમદાવાદ એરપોર્ટે ગત 3 મેના રોજ ટર્મિનલ 1થી આ ટેક્નોલોજીનો ટ્રાયલ શરૂ થયો હતો. ટ્રાયલ બાદ અકાશા અને ઇન્ડિગો એરલાઇન્સના પેસેન્જર ડીજી યાત્રાની સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. આગામી સપ્ટેમ્બર સુધીમાં તમામ એરલાઈન્સ તેમાં ઓનબોર્ડ થઈ જશે.

એપથી પેસેન્જરનો ચહેરો સ્કેન થશે અને સરળ રીતે પ્રવેશ મળશે
- IOS અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ડીજી યાત્રા મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
- નોંધણી બાદ પેસેન્જરને હવાઈ મુસાફરી માટે યુનિક ડીજી યાત્રા આઇડી પ્રાપ્ત થશે.
- જનરેટેડ આઇડી પેસેન્જરના પીએનઆર નંબર સાથે લિંક કરાશે અને તે પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.
- ડીજી યાત્રા પેસેન્જરના ચહેરાના બાયોમેટ્રિક્સને ફક્ત સ્કેન કરીને પ્રવેશ, સિક્યોરિટી ચેકપોઇન્ટ્સ અને બોર્ડિંગ ગેટમાંથી એન્ટ્રી જેવા અનેક લાભો મળશે.
- { બાયોમેટ્રિક સિસ્ટમ ઈ-ટિકિટ અને બોર્ડિંગ પાસને પણ માન્ય કરી શકે છે. આ એપ રિઅલ-ટાઇમ ફ્લાઈટ્સમાં વિલંબ કે એરપોર્ટ પર ભીડની માહિતી આપશે.
- એપ એરલાઈન્સની મદદથી શહેર, એરપોર્ટ અને એરલાઈન જેવી વિગતોને પેસેન્જર સાથે ઓળખી મેચ કરશે.
- ફ્લાઈટ ઉપડવાના 6 કલાક પહેલા સુરક્ષા કર્મચારીઓને વિગતો મોકલાતી હોવાથી મુસાફરી સરળ બને છે.
