
કેન્દ્ર સરકારે ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રે ઇ-વે બિલ લાગુ કરવાની સિસ્ટમને લીલીઝંડી આપ્યા બાદ લાગુ થાય તે પહેલાં જ વિરોધનો વંટોળ ઊભો થઈ રહ્યો છે. ખાસ કરીને ડાયમંડ જગતમાં ભારે નારાજગી છે. જાણકારો કહે છે કે પ્રેક્ટિકલી ઇ-વે બિલ સિસ્ટમ લાગુ કરી જ ન શકાય. કેમકે વરાછા-મહિધરપુરામાં તો દલાલો કે વેપારીઓ હીરાનાં પડીકાં લઇને ગલીએ ગલીએ ફરતા હોય છે, એક જ માલ અનેક વેપારીઓને બતાવાતો હોવાથી દરેક તબક્કે ઇ-વે બિલ અપગ્રેડ કરવું શક્ય નથી. જો તેમને અધિકારીઓ પકડે અને ઇ-વે બિલ માંગે તો તેઓ ચોક્કસ મુશ્કેલીમાં આવી શકે છે.
નોંધનીય છે કે, ઇ-વે બિલ એકવાર ઇશ્યુ થયા બાદ તેને 24 કલાકમાં જ કેન્સલ કરવું પડે છે, પછી થતું નથી. એ પણ ત્યારે જ લાગુ પડે જ્યારે માલની ડિલિવરી બાકી હોય. એક સી.એ.એ કહ્યું કે ડિલિવરી બાદ અનેકવાર જો માલ ચેક નહીં કરાય અને ઇ-વે બિલ ઇશ્યુ થયું હોય તો બેનંબરનો ધંધો કરતા અનેક વેપારીઓ ઇ-વે બિલ ફાડી નાંખે છે. જો માલ ચેક થાય તો ઇ-વે બિલ રાખવામાં આવે છે.
નાના વેપારીઓ માટે સ્ટાફનું ભારણ પણ વધી જશે
ડાયમંડ જગતના સૂત્રો કહે છે કે, સુરતમાં નાની ઘંટી ચલાવનારાઓ પણ છે, જેની ત્રણ કે તેથી ઓછી ઘંટી છે. આ નાના વેપારીઓ કમ્પયુટર કે તેના સ્ટાફનું ભારણ ઉઠાવી શકશે નહીં. ઉપરાંત દલાલ જે હીરાના પડીકાં લઇને કોઈ વેપારીને બતાવવા જાય તો ઇ-વે બિલમાં તેનું નામ લખવું પડે. એક વેપારીને બતાવ્યા બાદ તે બીજા વેપારીને બતાવી શકશે નહીં. જો બતાવવું હોય તો ઇ-વે બિલ અપડેટ કરવું પડે. હીરા બજારમાં અનેક લોકો પાસે પડીકાં હોય છે. દરેક જણ કેવી રીતે ઇ-વે બિલ રાખી શકશે.
ઉદ્યોગકારો અને સંગઠનોની સંયુક્ત બેઠક બોલાવાશે
ઉદ્યોગ અગ્રણી દિનેશ નાવડિયાએ કહ્યું કે, કેન્દ્ર સરકારના નિર્ણય પછી રાજ્ય સરકાર હવે શું સ્ટેન્ડ લે છે અને રાજ્ય સરકાર કોઈ નિર્ણય લે એ પહેલાં સ્થાનિક ઉદ્યોગકારો, ડાયમંડ એસો., જીજીઇપીસી, જ્વેલરી એસો.વગેરેની સંયુક્ત મિટિંગ બોલાવાશે. આ મીટિંગમાં ઇ-વે બિલના લીધે જે પરિસ્થિતિ ઊભી થનાર છે તેની માહિતી આપવામાં આવશે.

