
કેનેડાના વિઝા અને બાયોમેટ્રિકનું કામ કરતી કંપનીનો પૂર્વ કર્મચારી તેના મળતિયા સાથે મળીને બાયોમેટ્રિકની પ્રક્રિયાથી કૌભાંડ કરનાર ત્રણેય કર્મીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. તે બાયોમેટ્રિક દીઠ રૂ.20 હજાર વસૂલતો અને મળતિયાને રૂ.7 હજાર આપતો હતો. આરોપીઓએ કંપની સાથે જ નહીં પરંતુ કેનેડા હાઈકમિશન સાથે પણ છેતરપિંડી કરી હતી. ક્રાઈમ બ્રાંચે બાયોમેટ્રિક કરાવનાર 28 યુવક-યુવતીઓના નિવેદન લેવાની પ્રક્રિયા પણ આદરી છે.
બાયોમેટ્રિક દીઠ કર્મચારી પાસેથી રુ.20 હજાર લેતો
આશ્રમ રોડની વીએફએસ ગ્લોબલ લિમિટિકના ડેપ્યુટી જનરલ મેનેજર વ્યોમેશ ઠાકોરે ક્રાઈમ બ્રાંચમાં વિઝા ફેસિલિટેશન સર્વિસ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓએ એપોઈન્ટમેન્ટ લેટર વિના 28 લોકોના બાયોમેટ્રિક કરાવી કંપની મેનેજરની જાણ બહાર કેનેડા હાઈકમિશનની સાઈટ પર અપલોડ કરી ઠગાઈ આચર્યાની ફરિયાદ કરી હતી. જેમાં તેમણે કંપનીના મેલ્વી ક્રિસ્ટી, સોહિલ દીવાન તેમજ અન્ય કર્મીઓની તથા તેમના પૂર્વકર્મી મેહુલ ભરવાડની સંડોવણીનું જણાવ્યું હતું. જેના આધારે ક્રાઈમ બ્રાંચે મેલ્વી ક્રિસ્ટી, સોહિલ દીવાન અને મેહુલ ભરવાડની ધરપકડ કરી પૂછપરછ કરતા મેહુલ ભરવાડ એજન્ટોની મદદથી બાયોમેટ્રિક દીઠ કર્મચારી પાસેથી રુ.20 હજાર લેતો અને મેલ્વી તથા સોહિલને બાયોમેટ્રિક કરાવવા રુ.7 હજાર ચૂકવતો હતો. ક્રાઈમ બ્રાંચે આરોપીઓના મોબાઈલ, કોમ્પ્યુટર અને લેપટોપ જપ્ત કરી તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. અગાઉ આવા કેટલાના બાયોમેટ્રિક કરાવ્યા?28 લોકોની ફાઇલમાં ક્વેરી હતી. જન્મના દાખલાની, કોઈમાં માર્કશીટની તો કોઈમાં વર્ક એક્સપિરિયન્સની ક્વેરી હોવાથી ફાઇલ રોકાઈ હતી તેમ છતાં આ બાયોમેટ્રિકની પ્રક્રિયા પૂરી કરાવી દીધી હતી.
ખોટી રીતે બાયોમેટ્રિક કરાવનારાનાં નિવેદન લેવાશે
ક્રાઈમ બ્રાંચની ટીમ ગેરકાયદે બાયોમેટ્રિક કરાવનાર 28 લોકોના ડેટા મગાવ્યા છે, તેની સાથે જ તેમના નિવેદન પણ લેવાશે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરાશે. આ લોકોના એજન્ટો કોણ છે? તેની વિગતો મેળવી એજન્ટોની પૂછપરછ કરાશે અને જો તેમની ભૂમિકા હશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
