
ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે… જ્યાં સડક એમ્બ્યુલન્સની સાથે બોટ અને એર એમ્બ્યુલન્સની પણ સુવિધા. રાજ્યમાં એમ્બ્યુલન્સ કાફલામાં 800 સડક, બે બોટ અને એક એર એમ્બ્યુલન્સ છે. આ એમ્બ્યુલન્સમાં ચાર હજારથી વધુ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા માર્ચ 2022થી એર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાયો
ગુજરાત એર એમ્બ્યુલન્સની સેવા પૂરું પાડતું દેશનું પ્રથમ રાજ્ય છે. ગુજરાત સરકાર દ્વારા માર્ચ 2022થી એર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાયો છે. ત્યારથી લઈ આજ દિન સુધી 30 વખત એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાયો છે, જેમાંથી કુલ 13 દર્દીને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઉપરાંત કુલ 18 માનવ અંગ પણ એર એમ્બ્યુલન્સની મદદથી જ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ સેવા અંતર્ગત અમદાવાદ, રાજકોટ, ભુજ, કેશોદથી ચેન્નાઇ, મુંબઇ, દિલ્હી સુધી પણ દર્દીઓને સારવાર માટે એર લિફ્ટ કરાયા હતા. તો કેટલાક કેસમાં અન્ય રાજ્યોમાંથી દર્દીઓને ગુજરાત સુધી પણ લવાયા હતા. આકસ્મિક સ્થિતિમાં ઉપયોગી થતી એર એમ્બ્યુલન્સમાં ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ તેમજ આઈ.સી.યુ, વેન્ટિલેટર-મોનિટર, ઓક્સિજન અને ઇન્ફયુઝન પમ્પ જેવા મેડિકલ સાધનો સહિતની તમામ સુવિધા હોય છે.
એર એમ્બ્યુલન્સની જરૂર હોય તો, આ છે પ્રક્રિયા…
1. દર્દીના કુટુંબીજનોએ એર એમ્બ્યુલન્સ માટે 108ને જાણ કરવી પડે.
2. 108 તબીબી અધિકારીની મંજૂરી લઇ, ઉડ્ડયન વિભાગ થકી દર્દીના ટ્રાન્સફરની વિગતો આપશે.
3. આઈ.સી.યુથી સજ્જ એર એમ્બ્યુલન્સ એરપોર્ટ,એરફિલ્ડ,એરસ્ટ્રીપ્સથી દર્દીને એર લિફ્ટ કરશેે.
4. સારવારના સ્થળે પહોંચવા માટે નજીકમાં રોડ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાશે.
5. દર્દીને પરત એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ એરપોર્ટ લવાશે.
એર એમ્બ્યુલન્સનું ભાડું ઉડ્ડયનના કલાકો મુજબ ચૂકવવાનું હોય છે. પ્રતિ કલાકનો દર અમદાવાદ એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ સુધી ગણાય છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતી નાગરિકો અને ગુજરાતમાં સારવાર લેતા અન્ય રાજ્યના નાગરિકો માટે કલાક દીઠ રૂ.50 હજાર (અને GST) ભાડું છે. અન્ય નાગરિકો માટે કલાક દીઠ રૂ. 65 હજાર (અને GST) છે.
