
- ઉત્રાણ પોલીસની ઢીલી કામગીરી સ્થાનીક લોકોમાં ચર્ચાસ્પદ બની
- કરૂણેશ ટોળકી પોલીસની હાથવેંતમાં, ધરપકડના ચક્રો ગતિમાન
ઉત્રાણ પોલીસની ઢીલી કામગીરીને કારણે સ્થાનીક લોકોમાં ગણગણાટ શરૂ થયા બાદ કૌભાંડી કરૂણેશ રાણપરીયા અને તેની ટોળકી સામે નોંધાયેલા હત્યાના પ્રયાસની તપાસને અમરોલી પોલીસને સોંપવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. બીજી તરફ છેલ્લા બે દિવસથી રાંદેર અને અમરોલી પોલીસના સંયુકત્ ટીમવર્કના કારણે કરૂણેશ અને તેની ટોળકી હાથવેંતમાં આવી ગઇ હોવાનું જાણવા મળે છે. ખૂબ ટૂંકા ગાળામાં આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા હોવાનું જાણવા મળે છે.
મારૂતિ વીર જવાન ટ્રસ્ટની શરૂઆત બાદ ભૂખ્યાને ભોજન, સંઘર્ષના સાથી અને તેજસ સંગઠનના નામે કરૂણેશ રાણપરીયા અને તેની ટોળકીએ લાખો-કરોડો રૂપિયાના ઉઘરાણા કરી લીધા હતા. ટ્રસ્ટના નામે લીધેલા રૂપિયા પૈકી 57 લાખના બાકી હિસાબના મુદ્દે ગ્રૂપના સભ્યો વચ્ચે જ માથાકૂટ થતા કરૂણેશે તેના જીગરજાન મિત્ર ગણાતા હિતેશ ગોયાણી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
આ હુમલા બાદ કરૂણેશ અને તેની સાથે બીજા ઇસમો ભાગી છૂટ્યા હતા. આ ઘટનાને છ દિવસ થયા છે પરંતુ ઉત્રાણ પોલીસ કરૂણેશ કે બીજા આરોપીને પકડી શકી ન હતી, ઉત્રાણ પોલીસની કામગીરી ઉપર પણ ઘણા આક્ષેપો થયા બાદ તપાસ કરતા અમરોલી પોલીસ અને રાંદેર પોલીસે સંયુક્ત રીતે આરોપીઓના ઘરે જઇને મોડી રાત્રે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
કરૂણેશ રાણપરીયા, જીતુ સેલડીયા, પ્રદિપ લાખાણી, રાજુ નાકરાણી સહિતના આરોપીઓના ઘરે તેઓના પરિવારજનોની કડક પુછપરછ કરવામાં આવી હતી. પોલીસને મોબાઇલ મારફતે આરોપીઓ સુધી પહોંચવાની કેટલીક કડીઓ પણ મળી છે. એક-બે દિવસમાં પોલીસ આરોપીની ધરપકડ કરે તેવી પણ શક્યતા જોવાઇ રહી હોવાનું વિશ્વસનીંય સૂત્રો દ્વારા જાણવા મળે છે.

