
અમદાવાદ શહેરના નાગરિકો હવે ટેક્સ ભરવા માટે જાગૃત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં દર વર્ષે ટેક્સની જે આવક થાય છે, તેની 40 ટકા જેટલી આવક છેલ્લા બે મહિનામાં થઈ છે. ચાલુ વર્ષ 2023-24ના એપ્રિલ અને મે મહિનામાં કુલ 754 કરોડ રૂપિયા જેટલી આવક ટેક્સ પેટે થઈ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા 70 ટકા જેટલી ટેક્સ ભરવામાં આવ્યો છે. પાલડી, વાસણા, નવરંગપુરા, નારણપુરા, નવાવાડજ, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સેટેલાઈટ, બોડકદેવ, થલતેજ, બોપલ-ઘુમા, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા સૌથી વધુ ટેક્સ ભરવામાં આવ્યો છે.
54 ટકા લોકોએ ઓનલાઇન પેમેન્ટ કર્યું
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં કોર્પોરેશનની ટેક્સની આવક રૂ. 754 કરોડ જેટલી થઈ છે. જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક 682.81 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 35.50 કરોડ, વ્હીકલ ટેક્સની 32.39 કરોડ અને ટ્રાન્સફર ફીની રૂ. 3.71 કરોડની આવક થઈ છે. લોકો વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના કોન્સેપ્ટને પ્રાધાન્ય આપી અને 54 ટકા લોકોએ ઓનલાઇન પેમેન્ટ કર્યું છે. જેમાં મોટી કંપનીઓ દ્વારા ઓનલાઇન જ પેમેન્ટ કરવામાં આવ્યું છે. 38 ટકા લોકોએ એડવાન્સ ટેક્સ ભરી દીધો છે. હવે નાગરિકો AMCમાં ઓનલાઈન પેમેન્ટ કરવા પર વધુ ભાર મૂકી રહ્યા છે. નાગરિકોની ટેક્સ ભરવા પ્રત્યેની આ જાગૃતતાથી કોર્પોરેશનના કાર્યોને હવે ઝડપથી ગતિ મળશે અને આર્થિક ભારણ પણ ઓછું થશે.

વ્યાજ માફી અને રિબેટ યોજના
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના નાગરિકો પોતાનો ટેક્સ સમયસર ભરે અને બાકી ટેક્સ ધારકો પોતાનો ટેક્સ ભરી દે તેના માટે અનેક સ્કીમો મૂકવામાં આવી હતી. જેમાં 100 ટકા વ્યાજ માફીની સ્કીમ, એડવાન્સ ટેક્સ રિબેટ યોજના, જેમાં 15 ટકા સુધી લોકોને રિબેટ આપવામાં આવ્યું છે. જે બાકી ટેક્સ ધારકો વર્ષોથી પોતાનો ટેક્સ નથી ભરતા તેમને વારંવાર નોટિસો આપી અને ટેક્સ ભરવા જાણકારી આપી, છતાં પણ ટેક્સ ન ભરતા મિલકત હરાજીની નોટિસ સહિતની કાર્યવાહી કરતા નાગરિકો પોતાનો ટેકસ ભરવા પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો છે. શહેરીજનો દ્વારા હવે પોતાનો ટેક્સ એડવાન્સ અને સમયસર ભરવામાં આવે છે જે ખૂબ જ આવકારદાયક છે.
20 વર્ષ ટેક્સ ન ભરનારે પણ વ્યાજમાફી સ્કીમનો લાભ લીધો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સની આવકમાં વધારો કરવા માટે કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. 100 ટકા વ્યાજ માફીની સ્કીમ કરવામાં આવી હતી. જેમાં છેલ્લા 20 વર્ષથી જે લોકોએ ટેક્સ ન ભર્યો હોય તેઓએ સ્કીમનો લાભ લીધો હતો અને તેના કારણે ત્રણ લાખ જેટલી મિલકતો મળી હતી. જે ટેક્સ સ્લેબમાં આવી ગઈ હતી અને ટેક્સ ભરતા કોર્પોરેશનને આવક થઈ છે. માત્ર બે મહિનામાં જ રૂ. 754 કરોડ જેટલી આવક મળતા આગામી દિવસોમાં પણ ટેક્સની આવક વધે તેને લઈ ટેક્સ વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવશે. રૂ. 754 કરોડ જેટલી આવક થતાં હવે અમદાવાદ શહેરના નાગરિકોના પ્રાથમિક સુવિધાના કામો ઝડપથી થશે. જે ટેક્સ ધારકો વર્ષોથી ટેક્સ નથી ભર્યો તેમની મિલકતોને હરાજી કરવાની અને રેવન્યુ રેકોર્ડમાં બોજો નોંધાવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
બે મહિનામાં ક્યાં ઝોનમાં કેટલો ટેક્સ
| ઝોન | રકમ (કરોડમાં) |
| મધ્ય | 111.36 |
| ઉત્તર | 56.74 |
| દક્ષિણ | 56.62 |
| પૂર્વ | 56.77 |
| પશ્ચિમ | 196.74 |
| ઉત્તર પશ્ચિમ | 140.85 |
| દક્ષિણ પશ્ચિમ | 99.18 |

