
- અમદાવાદની ENT ટીમે સુરતના 2 બાળકમાં કોક્લિયર ઇમ્પ્લાટેશન કર્યું
1000 બાળકો પૈકી એક બાળકમાં દેખાતી બહેરા-મુંગાની બિમારીનું નિદાન હવે સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે શક્ય બનશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે સૌપ્રથમવાર અમદાવાદના ઇએનટી ડોક્ટરોની ટીમ દ્વારા બે બાળકોના સફળ ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ ઓપરેશન કરાયા છે. ઉધનાના પાટિલ પરિવારની જન્મજાત મૂકબધિર 3 વર્ષની બાળકી વૈષ્ણવી અને બોળીયા પરિવારના 4 વર્ષીય રૂદ્રને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ થકી શ્રવણશક્તિ સાથે વાચાશક્તિનું સુખ મળ્યું છે. ખાનગીમાં આશરે 8થી 10 લાખ ખર્ચ થતો હોવાનું તેઓને જાણવા મળ્યું હતું.
ત્યારે ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ તેમના માટે આશીર્વાદરૂપ બન્યો હતો અને સુરતની નવી સિવિલ અને અમદાવાદ સિવિલના તજજ્ઞ તબીબોએ આ બંને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે. અમદાવાદની સોલા હોસ્પિટલમાં કોક્લિયર સર્જરી કરતા અમદાવાદ ENT વડા ડૉ.નીના ભાલોડિયાએ કરી હતી. સિવિલમાં બંને સફળ સર્જરી થતા આરએમઓ ડો. કેતન નાયક, સુપ્રિ. ગણેશ ગોવેકર, નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા સહિતના ડોક્ટરોએ અભિનંદન પાઠવ્યા હતા.
એકવાર સર્જરી થયા બાદ 468 ટ્રેનિંગ વર્ગ
ડો. નીનાના જણાવ્યા પ્રમાણે, આ સર્જરી ત્રણથી ચાર કલાકની હોય છે. એકવાર સર્જરી થઇ ગયા બાદ બાળકને વહેલીતકે સાંભળવા તેમજ બોલવા માટે અલગ-અલગ ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે. જેમાં કુલ 468 ટ્રેનિંગ વર્ગ હોય છે. 3 વર્ષ સુધી આ ટ્રેનિંગ ચાલે છે. જો સમયસર બાળકને આ સર્જરી માટે લાવવામાં આવે તો બાળક વહેલી તકે બોલી અને સાંભળી શકે છે.
પ્રાઇવેટમાં આ ઓપરેશનનો ખર્ચ રૂ.6થી 7 લાખ
સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) અંતર્ગત નવી સિવિલમાં ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની વિનામૂલ્યે સફળ સર્જરી થઇ છે. પ્રાઇવેટમાં આ ઓપરેશનનો ખર્ચો 6થી 7 લાખ હોય છે, જ્યારે આ જ સર્જરી સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે થાય છે.

