
- ક્રાઈમ બ્રાન્ચની ટીમ મહાઠગને આજે તેના ઘોડાસર ખાતેના ઘરે લઈ જશે
મહાઠગ કિરણ પટેલના યુનિયન બેંક, અલ્હાબાદ બેંક અને એચડીએફસી બેંકમાં 3 એકાઉન્ટ મળ્યાં છે, જેમાંથી અલ્હાબાદ બેંકનું એકાઉન્ટ કિરણ પટેલનું એકલાનું છે. જ્યારે બાકીના બંને એકાઉન્ટ પત્ની માલિની સાથે જોઈન્ટમાં છે. સોમવારે તે ત્રણેય એકાઉન્ટની માહિતી મેળવાશે. કિરણ પટેલને લઈને સોમવારે ક્રાઈમ બ્રાંચની ટીમ તેના ઘરે જશે. જ્યાં તેની કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી તેમજ પીએમ ઓફિસના અધિકારી તરીકેના ડોક્યુમેન્ટ શોધવા તપાસ કરાશે.
3 બેન્ક એકાઉન્ટ પણ પકડાયાં, પતિ-પત્નીને સાથે રાખી પૂછપરછ કરાશે
ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડકિલે જણાવ્યું હતું કે, કિરણ પટેલ અને માલિની વિરુદ્ધ હાલમાં છેતરપિંડીની એક જ ફરિયાદ છે. જેમાં માજી મંત્રીના ભાઈ જગદીશભાઈ ચાવડાનો સિંધુ ભવન રોડ ઉપર આવેલો નીલકંઠ ગ્રીન બંગલોઝ રૂ.35 લાખમાં રિનોવેશન કરવા માટે રાખ્યો હતો. ત્યારબાદ રૂ.15 કરોડની કિંમતનો તે જ બંગલો પચાવી પાડવા માટે કોર્ટમાં ખોટી એફિડેવિટ કરીને દાવો કર્યો હતો.
પોલીસે સૌથી પહેલા કિરણ પટેલના બેંક એકાઉન્ટની તપાસ કરી
આ સિવાય કિરણ પટેલ દ્વારા અન્ય વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હોવાની રજૂઆતો પોલીસને મળી છે. જેથી પોલીસે સૌથી પહેલા કિરણ પટેલના બેંક એકાઉન્ટની તપાસ કરી હતી. જેમાં 3 એકાઉન્ટ મળી આવ્યા છે. તે ત્રણેય એકાઉન્ટનું સ્ટેટમેન્ટ સહિતની માહિતી મેળવવા ક્રાઈમ બ્રાંચની ટીમ સોમવારે જ ત્રણેય બેંકમાં જશે. આ ઉપરાંત કિરણ પટેલની ડિગ્રી, પૈસા, દાગીના તેમજ અન્ય રોકાણની માહિતી જાણવા માટે તેના ઘરની તિજોરી તેમજ બેંક લોકર પણ ચેક કરવામાં આવશે. જ્યારે જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવાના ષડયંત્રમાં કિરણ પટેલ જોડે તેની પત્ની માલિની પણ સહ આરોપી હતી. જેની થોડા દિવસ પહેલા જ ક્રાઇમ બ્રાંચ ધરપકડ કરી હતી. પોલીસે માલિનીના નિવેદન લીધા હતા અને જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવા તેણે અને કિરણે કયા કયા નકલી ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરાવ્યા હતા તેની માહિતી એકત્રિત કરી હતી.
ક્રાઇમ બ્રાંચ કિરણને લઈને તે પ્રિન્ટિંગ પ્રેસમાં પણ તપાસ કરવા જશે
જ્યારે કિરણ પટેલની પણ તેજ બાબતે ક્રાઇમ બ્રાંચ દ્વારા ઊલટ પૂછપરછ કરવામાં આવી હતી. સોમવારે કિરણ પટેલને તેના ઘરે લઈ ગયા બાદ માલિનીને સાથે રાખી બંનેની પૂછપરછ કરવામાં આવશે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, કિરણ પટેલ વિરુદ્ધ હજુ પણ કેટલાક વેપારીઓ દ્વારા અરજી કરવામાં આવી રહી છે. જેના આધારે કિરણ પટેલ વિરુદ્ધ વધુ ગુના નોંધાઈ શકે છે. જ્યારે કિરણ પટેલે મણિનગરના એક પ્રિન્ટિંગ પ્રેસમાં પીએમ ઓફિસના અધિકારી તરીકેના વિઝિટિંગ કાર્ડ છપાવ્યા હતા. જેથી ક્રાઇમ બ્રાંચ કિરણને લઈને તે પ્રિન્ટિંગ પ્રેસમાં પણ તપાસ કરવા જશે.
ખોટી એફિડેવિટ ક્યાંથી કરાવી તેની પણ તપાસ
જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવા માટે કિરણ પટેલે કોર્ટમાં દાવો કર્યો હતો. જેમાં તેણે ખોટી એફિડેવિટ રજૂ કરી હતી. જેથી તે એફિડેવિટ કિરણ પટેલે ક્યાં તૈયાર કરાવી હતી, કયા નોટરી પાસે સહી સિક્કા કરાવ્યા હતા તેમજ કયા વકીલ મારફતે ખોટી એફિડેવિટ તૈયાર કરાવી હતી, તે દિશામાં ક્રાઈમ બ્રાંચની એક ટીમે તપાસ શરૂ કરી છે.
પૂછપરછમાં વટાણા વેરવાનું શરૂ કર્યું
ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરતા જ કિરણ ઘૂંટણિયે પડી ગયો હતો. જ્યારે પોલીસને તપાસમાં પણ તે સાથ સહકાર આપી રહ્યો છે. બેંક એકાઉન્ટ, રોકાણ સહિતની તમામ માહિતી તેણે પોલીસને આપી દીધી છે. જ્યારે ક્રાઈમ બ્રાંચમાં તેને અન્ય ગુનાગારોની સાથે જ હાથકડી પહેરાવીને રાખવામાં આવ્યો છે.

