
- હલકા મટીરિયલને લીધે બ્રિજનો સ્પાન તૂટી પડ્યાની જાણ છતાં રણજિત બિલ્ડકોનને ફરી કોન્ટ્રાક્ટનો શીરપાવ
સાઉથ બોપલ નજીકનો મુમતપુરા બ્રિજનો સ્પાન હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું હોવાને કારણે તૂટી પડ્યો હતો. આ ખુલાસો સરકારે જ નિમેલી કમિટીમાં થયો હતો. જેને પગલે ઓગસ્ટ 2022માં બ્રિજ બનાવનારી કંપની રણજિત બિલ્ડકોન પાસેથી આંચકી લેવામાં આવી હતી. ઔડાએ આ અંગે 5 ઓગસ્ટે રણજિત બિલ્ડકોનને પત્ર લખી જણાવ્યું હતું કે, હવે પછી બ્રિજની કામગીરી તમારે સ્થગિત કરવી અને અન્ય એજન્સી દ્વારા આ બ્રિજ બનાવાશે. તે જ સમયે રણજિત બિલ્ડકોનને ટેન્ડરમાંથી પણ છૂટા કરી દેવામાં આવ્યા હતા.
જો કે, આ પછી અચાનક જ સરકારમાં બેઠેલા કેટલાક અધિકારીઓએ સરકારને ગેરમાર્ગે દોરી હતી અને રિપોર્ટ પર સવાલો કરી રણજિત બિલ્ડકોનને બચાવવા પ્રયાસ થયો હતો. આ પછી 21 ઓક્ટોબરે ઔડાએ ફરીથી બ્રિજનું કામ રણજિત બિલ્ડકોનને જ સોંપી દીધું હતું. જેટલું કામ થયું છે તે આ જ કોન્ટ્રાક્ટરે કર્યું છે ત્યારે બ્રિજ શરૂ થશે પછી કેટલો ટકશે તે એક સવાલ છે.

બ્રિજના વિવાદો ચાલતા હોવાથી મુખ્યમંત્રીએ હાલ બની રહેલા ખોડિયાર બ્રિજનું નિરીક્ષણ કર્યું
શહેરમાં હાટકેશ્વર બ્રિજનો વિવાદ ચાલી રહ્યો છે. અજય એન્જિનિયરિંગ દ્વારા નબળુ કામ કરાયું હોવાનો ખુલાસો થઈ ગયો છે. જેને પગલે વિવાદ ચાલી રહ્યો છે. બ્રિજના વિવાદો ચાલી રહ્યા હોવાથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરખેજ-ગાંધીનગર હાઈવે પર ખોડિયાર જંકશન પર બની રહેલા બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું.
