
- બાલાસિનોરની તળાવ દરવાજા પ્રાથમિક શાળાનો વિવાદ
- બીટ નિરીક્ષણ તપાસ માટે પહોંચતા આચાર્યને સસ્પેન્ડ કરવા વિદ્યાર્થીઓની નારેબાજી
બાલાસિનોરની તળાવ દરવાજા પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. મંગળવારે અહી સાવરણી આપવા જેવી બાબતે આચાર્યએ શિક્ષકને ચપ્પલ વડે માર માર્યા બાબતે વિવાદ થયો હતો. જે અંગે બુધવારે બીટ નીરીક્ષક ઘટનાની તપાસ કરવા શાળા પર પહોંચ્યા હતા. જ્યા વિદ્યાર્થીઓ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવા નારેબાજી કરી હતી.
બાલાસિનોરની તળાવ દરવાજા પ્રા.શાળામાં સાવરણી વિવાદ મામલે તાલુકા શિક્ષણ અધિકારી કચેરી તરફથી બીટ નીરીક્ષક હિતેદ્ર પટેલ તપાસ કરવા પહોંચ્યા હતા. જ્યા વાલીઓ અને વિદ્યાર્થીઓએ આચાર્ય વિરૂ્ધ્ધ આક્ષેપો કર્યા હતા. આચાર્ય એ.યુ.શેખ તાનાસાહી ચલાવતા હોવાની ફરિયાદ કરી જણાવ્યું હતુ કે અમારા બાળકો આ શાળામાં ભણવા આવે છે. આ આચાર્ય 12 વાગ્યાની રિશેષ પાડતા નથી. બાળકો પાસે વર્ગરૂમ અને ચોગાન સાફ કરાવે છે. આચાર્યએ વિદ્યાર્થીઓના સ્કૂલ ડ્રેસ માટે વિદ્યાર્થી દીઠ રૂ.650 ઉઘરાવ્યા છે.
તેમજ બાળકોને શાૈચ ક્રિયા કરવો હોય તો જવા દેતા નથી. એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે અમે જ્યારે આચાર્યને બાથરૂમ જવું છે શૌચાલય ખોલો તેમ કહ્યું, ત્યારે આચાર્યએ કહ્યું, `બહાર જાવ હું જોડે આવું. વાલીઓએ ફરિયાદ કરી હતી કે આચાર્યને કોઈપણ બાબતે ફરિયાદ કરીયે તો તમારા બાળકને જ્યાં ભણાવું હોય ત્યાં લઈ જાવ. અહીંયા તો આવુજ ચાલશે તેવો ઉધ્ધત જવાબ આપતા હોય છે. બીટનીરીક્ષક દ્વારા અરજી કરનાર શિક્ષક પ્રદીપભાઈ પટેલ સહિત સ્ટાફ અને આચાર્યનું નિવેદન લેવામાં આવ્યું હતું.
મારું બાળક પાંચમા ધોરણમાં છે તેને બીજા ધોરણમાં બેસાડે છે
મારું બાળક પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે, જેને આચાર્ય દ્વારા બીજા ધોરણમાં બેસાડવામાં આવ્યું છે. આગળ પરીક્ષાઓ આવે છે તો શું કરવાનું. પાંચમા ધોરણના સાહેબને વર્ગ લેવા દેવો જોઈએ. > અનિષાબેન મીરજા, વાલી
અમારી શાળામાં બધું ઓન પેપર ચાલે છે કશું કામ થતું નથી
અમારી શાળામાં આવેલી કોઈ ગ્રાન્ટ વપરાતી નથી. સફાઈ માટે આખા વર્ષમાં એક કે બે સાવરણી આચાર્ય આપે છે. અમારે સ્વ ખર્ચે સાવરણી લાવવી પડે છે. કુમાર અને કન્યા ના શૌચાલયને પણ તાળા મારી દેવામાં આવ્યા છે.> દર્શીતા પટેલ, શિક્ષક
હું મારા ઉપલા અધિકારીને જાણ કરીશનું રટણ
સમગ્ર મુદ્દે વાલીઓના સળગતા સવાલો અને વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓના આક્ષેપો મામલે આચાર્ય એ.યુ.શેખને પૂછતા હું મારા ઉપલા અધિકારીને જવાબ આપીશ તેવું રટણ કર્યા રાખ્યું હતું.
અહેવાલ તૈયાર કરી તાલુકા કક્ષાઅેથી જિલ્લા કક્ષાઅે મોકલી અપાશે
અહેવાલ તૈયાર કરી તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ મોકલાશે. ત્યારબાદ ઉચ્ચ કક્ષાએથી જે આદેશ થશે તે મુજબ ઉચ્ચ તાલુકા કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવશે. > હિતેન્દ્ર પટેલ, બીટ નીરીક્ષક, બાલાસિનોર
છેલ્લા સાત વર્ષથી શાળામાં 12 વાગ્યાની રિશેષ પાડતા નથી
શાળાના વિદ્યાર્થીઅે નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતુ કે, સાત વર્ષથી 12 વાગ્યાની રીસેસ પાડતા નથી. મેદાન માંથી કચરો બધું અમારે વાળવાનું. ચોપડીના પુઠાથી કચરો ભરીને નાખીએ છીએ. અમને સવારે 11 થી 2 વાગ્યા સુધી બેસાડી રાખે છે. અને વોશરૂમ પણ જવાદેતા નથી. આચાર્ય સાહેબને કઈ રજુઆત કરવા જાઈએતો ઓકારા પાડે ગાળો બોલે છે, વાલીઓને જાણ કરીએ તો અમને ધમકાવે છે.

