
- દરિયાઇ સપાટી પર વધતા જતા તાપમાનને કારણે બદલાઈ રહી છે પરિસ્થિતિ
ભારતમાં હાલ ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી રહી હોવાને કારણે હાહાકાર મચેલો છે, ત્યાં ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા સહિત ગુજરાતના દરિયાની વધતી જતી દરિયાઇ સપાટી અંગે ઇસરોના સંશોધકોએ ચેતવણી ઉચ્ચારી છે.
ધોવાણને કારણે રાજ્યએ 313 હેક્ટરનો વિસ્તાર ગુમાવ્યો
ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના 2021ના સંશોધન ‘શોરલાઈન ચેન્જ એટલાસ ઓફ ધ ઈન્ડિયન કોસ્ટ- ગુજરાત- દીવ અને દમણ’ પર સંશોધનકર્તા રતીશ રામક્રિષ્નન અને અન્ય સંશોધકોએ ધ્યાન દોર્યું છે કે વધતી જતી દરિયાઈ સપાટી અને આબોહવા પરિવર્તનને કારણે, “ગુજરાત રાજ્યએ કાંપના જમા થવાને કારણે 208 હેક્ટર જમીનનો વિસ્તાર મેળવ્યો હોવાનો અંદાજ છે, જ્યારે ધોવાણને કારણે રાજ્યએ 313 હેક્ટરનો વિસ્તાર ગુમાવ્યો છે.આ સંશોધન મુજબ, “16 દરિયાકાંઠાના જિલ્લાઓમાં, 10 જિલ્લા ધોવાણથી પીડિત હોવાનું નોંધાયું છે, આનું કારણ દરિયાની સપાટીનું તાપમાન (SST) વધવાનું છે.
દરિયાઇ સપાટી પર વધતા તાપમાનને કારણે દરિયાઇ સપાટી વધે
ખંભાતના અખાતમાં છેલ્લા 160 વર્ષોમાં સૌથી વધુ 1.50 સે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 સે. તાપમાન વધ્યુ છે. દરિયાઇ સપાટી પર વધતા તાપમાનને કારણે દરિયાઇ સપાટી વધે છે. વધતા જતા દરિયાઇ સપાટી પરના તાપમાનને કારણે દરિયાઇ મોજાની અસામાન્ય ગતિવીધિઓ રહે છે. પૂનમ અને અમાસની દરિયાઇ ભરતી દરમિયાન ઘોઘાના દરિયાકાંઠા નજીકની માનવ વસાહતોમાં દરિયાના પાણી પહોંચી જાય છે. 20 વર્ષ અગાઉ આવી ભરતીના પાણીને દરિયાઇ રક્ષક દિવાલ રોકી રાખવાનું કામ કરતી હતી.
મોટી ભરતીમાં દરિયાના પાણી ઘોઘા ગામમાં ઘૂસી જવાનો ખતરો
ભાવનગર જિલ્લામાં દરિયાકાંઠે આવેલું ઘોઘા ગામ દરિયાઇ પાણીની રક્ષક દિવાલ છેલ્લા 20 વર્ષથી ધ્વસ્ત થઇ જવાને કારણે સતત ભયના ઓથાર તળે જીવન વ્યતિત કરી રહ્યું છે. દરિયાના પાણીની રક્ષક દિવાલ ધ્વસ્ત થઇ જવાને કારણે મોટી દરિયાઇ ભરતી દરમિયાન રહેણાંકી વિસ્તારો સુધી દરિયાના પાણી ઘૂસી જાય છે.
ઘોઘાની માનવ વસ્તી દરિયાના પાણીથી સતત ભયના ઓથાર તળે
ઘોઘાના દરિયાકાંઠે ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ભાવનગર જિલ્લા પંચાયત અને માર્ગ-મકાન વિભાગ એમ ત્રણ સરકારી વિભાગોના આધિપત્યતળે આવેલી દરિયાઇ પાણીની રક્ષક દિવાલ ધ્વસ્ત થઇ ગયા બાદ પુન:નિર્માણ કરવવા માટે તમામ સરકારી વિભાગો કુંભકર્ણ નિંદ્રામાં પોઢી ગયા છે. અને ઘોઘાની 16000ની માનવ વસ્તી દરિયાના પાણીથી સતત ભયના ઓથાર તળે જીવી રહ્યા છે.
મોટી દરિયાઇ ભરતી વખતે ઘોઘામાં દરિયાના પાણી ઘૂસી જાય
ખંભાતનો અખાત તેના અસમાન્ય દરિયાઇ કરન્ટને કારણે સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ છે. મોટી દરિયાઇ ભરતી વખતે ઘોઘામાં દરિયાના પાણી ઘૂસી જાય છે. અગાઉ દરિયાના પાણીથી ઘોઘા ગામને બચાવવા માટે દરિયાકાંઠે જે દિવાલ બનાવવામાં આવી હતી, તે વર્ષોથી ધ્વસ્ત થઇ ગઇ છે, પરંતુ આ વિસ્તારના ધારાસભ્યથી લઇ અને વખતો વખત સરકારમાં મંત્રીપદ ભોગવતા અને ભાવનગરનું પ્રતિનિધિત્વ કરતા રાજકીય લોકોએ પણ ઘોઘા પ્રત્યે દુર્લક્ષ સેવવાની કામગીરી કરી છે.
ઘણી રજૂઆતો કરી, કોઇ સાંભળતુ નથી
ઘોઘાની દરિયાઇ દિવાલનું અસ્તિત્વ રહ્યું નથી, તેથી મોટી દરિયાઇ ભરતીમાં દરિયાના પાણી ગામમાં ઘૂસી આવે છે. ઘોઘાના પૂર્વ સરપંચ અનસારભાઇ રાઠોડના જણાવ્યા પ્રમાણે સંબંધિત સરકારી વિભાગો અને સરકારમાં અનેક વખત દિવાલ બનાવવા માટે રજૂઆતો કરી છે પરંતુ કોઇને પડી નથી, કોઇ ઘોઘાનો પ્રશ્ન ઉકેલવા માટે તત્પરતા દાખવી રહ્યું નથી.
સરકારમાંથી ફંડ લાવવાની પ્રક્રિયાઓ શરૂ છે
ઘોઘાની દરિયાના પાણીના રક્ષણ માટેની દિવાલ માટે થોડું ફંડ આવ્યુ છે, પરંતુ તેનાથી દિવાલનું કામ થઇ શકે તેમ નથી. દિવાલ બનાવવા માટેના પર્યાપ્ત ફંડ સરકારમાંથી મેળવવાની પ્રક્રિયાઓ શરૂ છે, ટુંક સમયમાં થઇ જશે. – ભરતસિંહ ગોહિલ, પ્રમુખ, જિલ્લા પંચાયત, ભાવનગર.

