
આજે સવાર સવારમાં જ રાજકોટમાં ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. માધાપર ચોકડીથી અમદાવાદ અને મોરબી જવાના રસ્તા પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. માધાપર ચોકડીથી બેડી ચોકડી સુધી ટ્રાફિકજામ થતા હાઈવે હોર્નના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. આ હાઈવે પર મોટા વાહનોની અવરજવર વધુ રહે છે. જેમાં બસ, ડમ્પર, ટ્રક, મોટા કન્ટેનર જેવા વાહનોનો સમાવેશ થાય છે. સાથોસાથ રિક્ષા, કાર સહિતના વાહનો પણ પસાર થાય છે. પરંતુ આજે સવારે લાંબો ટ્રાફિકજામ થતા લોકો પરેશાન બન્યા હતા.

માધાપર ચોકડીએ બનતા બ્રિજનું કામ ગોકળગતિએ થાય છે
રાજકોટની માધાપર ચોકડીથી બેડી ચોકડી સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. દોઢ કલાકથી વધારે સમયથી ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. માધાપર ચોકડીથી લઈ મોરબી રોડ સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. 3 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારીના કારણે અવારનવાર માધાપર ચોકડી પાસે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય મહિનાથી માધાપર ચોકડી ખાતે બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. જો કે, બ્રિજના નિર્માણ કાર્યમાં ઢીલ જોવા મળી રહી છે.

બ્રિજ જલ્દી બનાવવા લોકોની માગ
માધાપર ચોકડીએ બની રહેલા બ્રિજની કામગીરી ગોકળગતિએ થતી હોવાથી અવારનવાર ટ્રાફિકજામ થઈ જાય છે. આથી વાહનચાલકોને ક્યારેક ક્યારેક તો અડધી કલાક સુધી ઉભું રહેવું પડે છે. જ્યારે આ જ સ્થિતિ બેડી ચોકડીએ પણ જોવા મળે છે. રોજ સવારે એકાદ કિલોમીટરનો તો ચારેય બાજુના રસ્તા પર ટ્રાફિકજામ થાય છે. તેમજ સાંજના સમયે બેડી ચોકડીએ ક્યારેક તો બે-બે કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થઈ જાય છે. જેના કારણે લોકોને પરેશાની ભોગવવાનો વારો આવે છે.

શહેરમાં ત્રણ ઓવરબ્રિજ બનતા ટ્રાફિક હળવો થયો
બીજી તરફ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડીએ ઓવરબ્રિજ, સિવિલ હોસ્પિટલ ચોકમાં ટ્રાય એંગલ બ્રિજ અને નાનામવા રોડ પર ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતા ટ્રાફિકમાં ઘણી રાહત મળી છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલ ચોકનો બ્રિજ ખુલ્લો મૂકાતા હવે ટ્રાફિકની સમસ્યા ઘણી હળવી બની ગઈ છે. બીજી તરફ માધાપર ચોકડી અને બેડી ચોકડીએ રોજ ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળે છે.


