
- હાર્દિક પટેલ પ્રમુખ બનશે તો 20 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપશે
- કોંગ્રેસના 15 જેટલા નેતાઓ સાથે રાહુલ ગાંધીની વન ટુ વન બેઠક
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ નક્કી કરવા માટે દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસ સ્થાને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની ચાલી રહેલી વન ટુ વન બેઠકમાં મોટા ભાગના નેતાઓએ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો ફરી એક વાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડી શકે છે. પ્રદેશના સિનિયર નેતાઓની ચીમકીના કારણે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અવઢવમાં પડી ગયું છે અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પાસે હાર્દિક સિવાયના પ્રદેશ પ્રમુખ માટેના નામોની ચર્ચા ચાલી રહી છે. આ બેઠકમાંથી હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી બિહાર જવા રવાના થયાં છે. આ અંગે હાર્દિકે કહ્યું હતું કે રાહુલજી સાથે મારે અને જિજ્ઞેશને મિટિંગ પુરી થઇ ગઈ છે માટે અમે એરપોર્ટ જવા રવાના થયા છીએ.

કોંગ્રેસના 15 જેટલા નેતાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ નોંધારી બની ગઈ છે. આ સંજોગોમાં હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રસને ફરીથી બેઠી કરવા માટે તથા સંગઠનમાં નવી નિમણૂંકો સાથે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટેની ગતિવિધિઓ શરૂ કરી છે જેના ભાગરૂપે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાત આવીને પ્રદેશના સિનિયર આગેવાનો સાથે બેઠકો કરી નવા પ્રમુખ સહિતના સંગઠનની નવરચના અંગે ચર્ચાઓ કરી હતી. જેમાં એક મત ન સધાતા અંતે આ મામલો દિલ્હીમાં રાહુલ ગાંધી સુધી પહોંચ્યો હતો. જ્યાં આજે સવારથી ગુજરાત કોંગ્રેસના 15 જેટલા નેતાઓ સાથે રાહુલ ગાંધીની વન ટુ વન બેઠક ચાલી રહી છે.
હાર્દિકને પ્રમુખ બનાવવા સામે સિનિયરોનો વિરોધ
આ બેઠકમાં હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવા અંગેનો એક મત પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ તેની સામે કોંગ્રેસના સિનિયર આગેવાનો ભરતસિંહ સોલંકી, નરેશ રાવલ, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા સહિતનાએ હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રસનું સુકાન નહીં સોંપવા માટેની ભાર પૂર્વક રજુઆતો કરી હતી. એટલું જ નહીં. હાર્દિકને પ્રમુખ બનાવવામાં આવે તો ગુજરાત કોંગ્રેસમાં વધુ એક મોટું ભંગાણ થઈ શકે છે તેવા ભય સાથેની ચીમકી ઉચ્ચારી હતી. રાહુલ ગાંધી સાથેની હાલની બેઠકમાં હાર્દિક સિવાયના બીજા કયા નેતાને પ્રમુખ પદ સોંપવામાં આવે તે અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. એવું કહેવાય છે કે, હાર્દિકને પ્રમુખ બનાવવા માટે ખુદ રાહુલ ગાંધી તૈયાર છે પરંતુ પ્રભારી રઘુ શર્મા સહિતના ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ વિરોધ કરતાં હોવાથી બેઠકમાં અન્ય નામોની ગંભીર ચર્ચા ચાલી રહી છે.

ગુજરાત કોંગ્રેસના 15 નેતાઓ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં હાજર
પ્રભારી દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસના કેમ્પ દરમિયાન તમામ નેતાઓ-ધારાસભ્યો સાથે બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો અને એના આધારે રાષ્ટ્રીય નેતાગીરીને રિપોર્ટ સોંપવાની સાથોસાથ રૂબરૂ મીટિંગ પણ કરવામાં આવી હતી. એના આધારે હાઈકમાન્ડે પ્રદેશ નેતાઓને તેડાવ્યા છે. રાહુલ ગાંધી સાથેની બેઠકમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, નરેશ રાવલ, કનુ કલસરિયા, બિમલ શાહ, જગદીશ ઠાકોર, અમીબહેન યાજ્ઞિક, મધુસુદન મિસ્ત્રી, દીપક બાબરિયા સહિત 15 જેટલા નેતાઓ હાજર છે.

અગાઉ હાર્દિક અને જિજ્ઞેશને હાઇકમાન્ડે દિલ્હી બોલાવ્યા હતા
તાજેતરમાં જ હાર્દિક અને જિજ્ઞેશને કોંગ્રેસ હાઇકમાન્ડે દિલ્હી બોલાવી લીધા હતા. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં પક્ષના તમામ રાષ્ટ્રીય સ્તરે વરિષ્ઠ નેતાઓ હાજર રહીને પક્ષની બાબતે ચર્ચા કરતા હોય છે. આ બેઠકમાં જ આ નિર્ણય લેવાયો હોય અને હવે આ અંગેની સત્તાવાર જાહેરાત થઇ શકે છે, એવું પક્ષનાં સૂ્ત્રોએ જણાવ્યું હતું. જિજ્ઞેશને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાઇ શકે એવું પાર્ટીનાં સૂત્રો જણાવે છે. કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ માને છે કે ભરતસિંહ સોલંકીને જ કોંગ્રેસપ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો હોય અને હાર્દિક તથા જિજ્ઞેશને આ નિર્ણયની જાણ કરવા માટે બોલાવાયા હોય એવી શક્યતા છે.

