ર્મદા જિલ્લાનું વડું મથક રાજપીપળા જનરલ હોસ્પિટલમાં ઘણા સમયથી તબીબોની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે જિલ્લાના દર્દીઓ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલને ભલામણ કરી છે.
ધારાસભ્યની રજુઆતમાં જણાવ્યા મુજબ, રાજપીપળાની જનરલ હોસ્પીટલ નર્મદા જિલ્લાની એક માત્ર આશીર્વાદરૂપ હોસ્પીટલ છે. જે નર્મદા જિલ્લાની 90 કિ.મી સુધીનાં વિસ્તારને આવરી લે છે. રાજપીપળા જનરલ હોસ્પીટલનાં દર્દીઓને સારી સારવાર મળી રહે અને અન્ય કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી સુપ્રિટેડન્ટ-1, મુ.જી.ત. અધિકારી-1, ફીજીશીયન-1, સર્જન-1, રેડીયોલોજિસ્ટ-1, ગાયનેકોલોજીસ્ટ-4, ફોરેન્સિક એક્સપર્ટ-1, નેત્રસર્જન-1, તબીબી અધિકારી-3 લાંબા સમયથી ખાલી હોય આ જગ્યાઓ સત્વરે ભરીને અહી ડોક્ટર્સ ન હોવાને કારણે પડતી અગવડતાઓનું નિરાકરણ આવે તે માટે રજૂઆત કરી છે.
જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજપીપળા નગર પાલિકાનાં પ્રશ્નોને લઇને રજુઆત કરી છે. જેમાં ગુજરાતની 15 નગરપાલિકાઓ સ્ટાફનાં પેંન્શનની ભરપાઇ કરે છે. નગરપાલિકા દ્વારા થતો માસિક 28થી 30 લાખનો ખર્ચ રાજ્ય સરકારમાં લેવામાં આવે જેથી નગરપાલિકા પરનું ભારણ ઓછું થઇ શકે અને વિકાસની હરોળમાં નગર પાલિકા પોતાનું યોગદાન આપી શકે.
તેમજ ઉર્જા મંત્રી કનુ દેસાઇને કરેલી રજુઆતમાં રાજપીપળા નગર પાલિકાનાં વર્ષોનાં જી.ઇ.બીનાં નાણાં બાકી પડતાં હોય આ વર્ષે પણ તેનું ચુંકવણુ કરવાની વાત આવી હોવાથી રૂ. 11 કરોડ જેટલા બાકી પડતા વીજ બીલનાં નાણાં અંગે ઘટતું કરવા નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે રજૂઆત કરતા આવનારા સમયમાં આ તકલીફો માંથી છુટકારો મળશે તેમ જણાઈ રહ્યું છે.
