
અમદાવાદમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણીમાં આધેડની હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ખાનપુરમાં રહેતા સાબિર હુસેન ઉર્ફે બેન્જરે 5 વર્ષ અગાઉ એક વ્યક્તિને ઉછીના 20 હજાર રૂપિયા આપ્યા હતા. જે પરત લેવા માટે ઉઘરાણી કરતો હતો. ત્યારે જે વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હતા તે વ્યક્તિએ સાબિર હુસેનને પૈસા લેવા માટે બોલાવ્યા અને મોટી છરી વડે પાંચ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સાબિર હુસેનના મોત મામલે શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ છે.

સીસીટીવીમાં શું દેખાય છે?
હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. સીસીટીવી કેમેરા મુજબ સાબિર હુસેન એક્ટિવા લઈને આવ્યા હતા, ત્યારે શાહનવાઝ તેમની પાસે આવ્યો અને મારવા લાગ્યો હતો. ત્યારે સાબિર હુસેન એક્ટિવા પરથી ઊતર્યા હતા અને શાહનવાઝ પાછળ દોડ્યો હતો. ત્યારે શાહનવાઝે જાહેરમાં છરીના એક બાદ એક પાંચ ઘા માર્યા હતા. ઘા વાગતા જ સાબિર હુસેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. સમગ્ર મામલે શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બંને હાથ, પીઠના ભાગે ઈજાનાં નિશાન
શાહપુરમાં રહેતા નાવેદ હુસેને શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે, ગઈકાલે રાતે સાડા અગિયાર વાગે તે ખાનપુર બહાઈ સેન્ટર પાસે આવ્યો ત્યારે તેનો મિત્ર કહેવા લાગ્યો કે, ખાનપુરમાં કોઈને છરી વાગી છે, આપણે જોઈને આવીએ. આથી બંને મિત્રો એક્ટિવા લઈને છરી વાગેલા વ્યક્તિને જોવા ગયા ત્યારે નાવેદના જ કાકા સાબિર હુસેન ઉર્ફે બેન્જર જ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. બંને હાથ તથા પીઠના ભાગે ઈજાનાં નિશાન પણ હતાં. જેથી નાવેદ તાત્કાલિક કાકાને રિક્ષામાં બેસાડીને વી.એસ. હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો.

સારવાર દરમિયાન સાબિરનું મોત થયું
આ દરમિયાન ઈજાગ્રસ્ત સાબિર હુસેને નાવેદને જણાવ્યું હતું કે, ખાનપુરમાં ભીમ દરવાજા પાસે રહેતા શાહનવાઝ ઉર્ફે સાનુબાપુ સૈયદને પાંચ વર્ષ અગાઉ લગ્નમાં મટન લાવવા માટે 20 હજાર ઉછીના આપ્યા હતા. જે પરત લેવા તેઓ ઉઘરાણી કરતા હતા. પરંતુ શાહનવાઝ પૈસા પરત આપતો નહતો. આજે શાહનવાઝે ફોન કરીને સાબિર હુસેનને પૈસા લેવા માટે બોલાવ્યા હતા. સાબિર હુસેન ત્યાં પહોંચતા જ તેમને શાહનવાઝે છરીના ઘા માર્યા હતા. સાબિર હુસેનને સારવાર માટે વી.એસ. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.





