2019થી હાથ ધરેલ સફાઈ અભિયાન અવિરત:અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા; ABVPના કાર્યકરો યાત્રાના રુટ પર સ્વેચ્છાએ સાફ-સફાઈ કરશે

By Abhishek Raghuvanshi
2 Min Read

અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવવાની છે, ત્યારે લાખો ભક્તો રથયાત્રામાં જોડાશે. રથયાત્રા પસાર થયા બાદ ભક્તોની ભીડના કારણે રસ્તા પર કચરો જોવા મળતો હોય છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રથયાત્રાના રુટ પર સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે. જે રૂટ પરથી રથ પસાર થયો હશે, તે રૂટ પર વિદ્યાર્થી પરિષદના કાર્યકરો સ્વેચ્છાએ સાફ-સફાઈ કરશે.

ABVPના કાર્યકરો સાફ-સફાઈ માટે તૈયાર
વર્ષ 2019થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા રથયાત્રા દરમિયાન સાફ-સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. દર વર્ષે જ્યારે રથયાત્રા પસાર થાય તે રૂટ ઉપર જે પણ કચરો થાય તે કચરો વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા સાફ કરવામાં આવે છે. વર્ષ 2019, 2022માં સાફ-સફાઈ અભિયાન ચાલ્યું હતું. તો 2020 અને 2021માં કોરોનાના કારણે રથયાત્રા નીકળી શકી ન હતી. જેથી તે દરમિયાન સાફ-સફાઈ અભિયાન કરવામાં આવ્યું ન હતું. આ વર્ષે અત્યારથી કાર્યકરો સાફ-સફાઈ માટે તૈયાર છે.

સફાઈ કરવી આપડી નૈતિક જવાબદારીઃ ઉમંગ મોજીદ્રા
આ અંગે ABVPના નેતા ઉમંગ મોજીદ્રાએ જણાવ્યું હતું કે, કચરો સાફ કરવો નૈતિક જવાબદારી છે, જેથી વિદ્યાર્થી પરિષદના કાર્યકરો 2019થી અભિયાન ચલાવી રહ્યા છે. કોઈપણ શરમ વિના અમે રોડ પર ઝાડું લઈને કચરો સાફ કરીએ છીએ. આ વર્ષે પણ 150થી વધુ કાર્યકરો રથયાત્રાના રુટ પર ઝાડું સાથે રોડ પર ઉતરશે. જેમ-જેમ રથ આગળ વધશે, તેમ પાછળની ખાલી પડેલ જગ્યા પર સફાઈ કરવામાં આવશે.

Exit mobile version