સુરતમાં પતિની નજર સામે પત્નીનું મોત:સચિનમાં બાઈકસવાર દંપતીને પૂરપાટ જતાં ડમ્પરે અડફેટે લીધું, પત્નીનું કચડાઈ જતાં મોત, ડમ્પરચાલક ફરાર

By Abhishek Raghuvanshi
2 Min Read

સુરતના સચિન વિસ્તારમાં પૂરપાટ જતા ડમ્પરે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું હતું. જેમાં પત્ની પર ડમ્પર ફરી વળતા કચડાઈ મોત થયું હતું. જ્યારે પતિને ઇજા પહોંચી હતી. પતિની નજર સામે જ પત્નીનું મોત થતાં પતિ આઘાતમાં સરી પડ્યો હતો. અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો.

પત્નીનું કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું
સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ કનકપુર દમણ ગંગા બિલ્ડિંગમાં રહેતા રાકેશ મિશ્રા કાપડ માર્કેટમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ રાકેશ મિશ્રા તેમની પત્ની માધુરી મિશ્રા સાથે ઘરેથી બાઈક પર કોસંબા ખાતે જવા નીકળ્યા હતા. દરમિયાન સચિન ખાતે આવેલી એપ્રલ પાર્ક રોડ પાસે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં રાકેશભાઈની પત્ની માધુરી મિશ્રાનું કચડાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રાકેશભાઈને ઇજાઓ તેમને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પત્ની સાથે ઘરેથી કોસંબા ખાતે જવા નીકળ્યા હતા
મૃતક મહિલાના પતિ રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે હું મારી પત્ની સાથે ઘરેથી કોસંબા ખાતે જવા નીકળ્યા હતા. દરમિયાન પૂર ઝડપે પાછળથી આવી રહેલા ડમ્પરે પાછળથી અડફેટે લેતા મને મારી પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108ને ફોન કરતા 15 મિનિટ સુધી 108 ઘટના સ્થળે પહોંચી ન હતી.જયારે 15 મિનિટ બાદ મને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનામાં મારી પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
રાકેશ મિશ્રા મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. છેલ્લા 15 વર્ષથી પત્ની, બે પુત્ર, એક દીકરી સાથે સચિન વિસ્તારમાં રહેતા આવ્યા છે. ગત રોજ પત્ની સાથે બાઈક પર જતાં ટ્રક ચાલકે અડફેટે લેતા પત્નીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અકસ્માતની ઘટનાને લઇ ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તો સમગ્ર મામલે સચિન પોલીસે ડમ્પર ચાલકની વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
Exit mobile version