શિષ્ય (વિરોધી) વૃત્તિ:ધો.1થી 8માં અભ્યાસ કરતી રાજ્યની હજારો બાળકીઓને બંનેમાંથી એક પણ યોજનાનો લાભ મળતો નથી

By Abhishek Raghuvanshi
5 Min Read
  • બેટી પઢાવોનાં બણગાં વચ્ચે દીકરીઓ શિષ્યવૃત્તિથી વંચિત
  • કારણ કે, 19 વર્ષથી ચાલતી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ કરી દીધી તેના બદલે નવી શરૂ કરેલી ‘વહાલી દીકરી યોજના’ માત્ર દોઢ વર્ષ જ ચાલુ રાખી!
  • વહાલી દીકરી યોજનામાં 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી અને દોઢ વર્ષ દરમિયાન નોંધણી કરાવનારને જ લાભ મળે છે

રાજ્ય સરકાર બેટી પઢાવોના ગુણગાન ગાઈ રહી છે, પરંતુ બેટી પઢાવવા માટેની જે શિષ્યવૃત્તિ યોજના ચાલતી હતી તે બંધ કરીને રાજ્યની હજારો દીકરીઓ અને તેમના વાલીઓનો આર્થિક ટેકો છીનવી લીધો છે. આ ઉપરાંત બે યોજના એકબીજીથી તદન જુદી હોવા છતાં બંને યોજના બેવડાતી હોવાનું બહાનું ધરીને છેલ્લા 19 વર્ષથી ચાલતી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ કરી દીધી છે.

ધો.1માં દીકરી શાળામાં પ્રવેશ લે ત્યારે તેના નામના રૂ.2000ના બોન્ડ મુકવામાં આવતા હતા અને આ દીકરી જ્યારે ધો.8 પાસ કરે ત્યારે વ્યાજ સહિતની રકમ તેના પરિવારના ખાતામાં જમા કરવામાં આવી હતી, પરંતુ વર્ષ 2021માં આ યોજના બંધ કરી દીધી. બીજીબાજુ વિદ્યાલક્ષ્મી યોજના બંધ કરીને સરકારે વહાલી દીકરી યોજના શરૂ કરી જેમાં તારીખ 2 ઓગસ્ટ, 2019 બાદ જન્મેલી દીકરીઓને આ યોજનાનો લાભ મળે પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે ઓગસ્ટ-2019થી એક વર્ષ દરમિયાન જે વાલીઓએ અરજી કરી હોય તેમને જ લાભ આપવાનો હતો.

બાદમાં કોરોનાને કારણે આ યોજનાની અરજી કરવાની મુદત છ મહિના વધારી હતી. એટલે એકંદરે 2 ઓગસ્ટ, 2019 બાદ જન્મેલી દીકરીના જે વાલીઓએ દોઢ વર્ષ દરમિયાન અરજી કરી છે તેવા જ વાલીઓને આ યોજનાનો લાભ મળે છે. આ બંને યોજનાનું પરિણામ એ આવ્યું કે વિદ્યાલક્ષ્મી યોજના જે ધો.1થી 8 સુધી મળતી હતી જે બંધ કરી દીધી અને નવી યોજનાનો લાભ માત્ર દોઢ વર્ષ માટે જ લાગુ કરાયો. આજની સ્થિતિએ ધો.1થી 8ની રાજ્યની હજારો દીકરીઓને આ બંનેમાંથી એકપણ યોજનાનો લાભ મળતો નહીં હોવાથી શિષ્યવૃત્તિ પ્રકારની આ યોજના શિષ્ય વિરોધી યોજના સાબિત થઇ છે.

RTIના જવાબમાં કહ્યું…
BPL પરિવારને વહાલી દીકરી યોજનાનો લાભ મળી શકે નહીં

- Advertisement -

મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરીમાં RTI કરવામાં આવી હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે, ધો.1માં દાખલ થતી ગરીબ (BPL) પરિવારની કેટલી દીકરીઓને વહાલી દીકરી યોજનાનો લાભ મળ્યો છે? તેના જવાબમાં જણાવાયું છે કે, વહાલી દીકરી યોજનાનો લાભ 2 ઓગસ્ટ, 2019 બાદ જન્મેલી દીકરીઓના પાંચ વર્ષ પૂર્ણ થયે આપવાનો હોય વર્ષ 2020-21માં ધો.1માં પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવેલ (BPL) ગરીબ પરિવારોની દીકરીઓને આ યોજના લાગુ પડતી નથી.

15 લાખથી વધુ બાળકીઓને વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ મળ્યો, હવે બંધ
વર્ષ 2002-03 વિદ્યાલક્ષ્મી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં અંદાજિત 15 લાખથી વધુ દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. ધો.1માં પ્રવેશ લે ત્યારે રૂ. 2000ના બોન્ડ અપાય છે અને ધો.8 પાસ કરે ત્યારે તેના પરિવારના ખાતામાં વ્યાજ સાથેની રકમ જમા કરવામાં આવે છે. દર વર્ષે હજારો દીકરીઓને લાભાન્વિત થતી આ યોજના તાજેતરમાં જ સરકારે બંધ કરી દેતા હાલ ધો.1થી 8ની દીકરીઓને આ યોજનાનો લાભ મળતો બંધ થયો છે.

શું છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના

કન્યાઓના સાક્ષરતા દર વધારવા વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના શરૂ કરાઈ હતી. ધો.1માં પ્રવેશ મેળવનાર કન્યાને રૂ. 2 હજારના નર્મદા નિધિના બોન્ડ સહાયરૂપે આપવામાં આવે છે. આ બોન્ડની રકમ કન્યા જ્યારે ધો.8માં અભ્યાસ પૂર્ણ કરે ત્યારે આ રકમ વ્યાજ સહિત કન્યાને ચૂકવવામાં આવતી હતી.

વિદ્યા લક્ષ્મીબોન્ડ યોજના : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર કરીને જણાવ્યું હતું કે 1-4-2021થી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ કરવામાં આવે છે.

શું છે વહાલી દીકરી યોજના
2 ઓગસ્ટ, 2019 પછી જન્મ હોય અને પરિવારની વાર્ષિક આવક રૂપિયા 2 લાખ હોય તેવી દીકરીઓને લાભ મળે છે. દીકરી ધોરણ-1માં પ્રવેશ મેળવે ત્યારે રૂપિયા 6000, ધોરણ-9માં પ્રવેશ વખતે 4000 અને લગ્ન સહાય તરીકે 1.10 લાખ રૂપિયા મળે છે.

વહાલી દીકરી યોજના
રાજ્ય સરકાર દ્વારા વાલી દિકરી યોજના લોન્ચ કરવામાં આવી ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી દીકરીઓના વાલી જન્મના 1 વર્ષ દરમિયાન જ અરજી કરી શકશે, પરંતુ કોરોનાને કારણે આ યોજના 6 મહિના લંબાવવામાં આવી હતી. એટલે વાલીઓને દોઢ વર્ષ આ યોજનાનો લાભ મળ્યો.

Exit mobile version