- ચીખલીમાં 47 આંગણવાડી મંજૂર, 6 નું કામ પૂરજોશમાં
ચીખલી ચીખલી તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષના ટર્મની યોજાયેલી છેલ્લી સામાન્ય સભામાં વિકાસ કામોની ફેરદરખાસ્ત ઉપરાંત શાળાના જર્જરિત ઓરડાઓ, આંગણવાડીઓ અંગે ચર્ચા વિચારણા કરાઇ હતી. તાલુકા પંચાયતમાં પ્રમુખ કલ્પનાબેન ગાવિત ટીડીઓ ચેતનભાઈ દેસાઈ, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ, ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવભાઈ બારોટ, નાયબ ટીડીઓ દિગ્વિજયસિંહ દોડીયા, વિસ્તરણ અધિકારી ભારતીબેન સહિતની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઇ હતી. ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપી નાણાંપંચ તેમજ સ્ટેમ્પ ડ્યૂટીની ગ્રાન્ટના કેટલાક કામોની ફેર દરખાસ્ત કરાઇ હતી. સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ દ્વારા કેટલ શેડની મંજૂરી સહિત વિકાસના કામો અંગે ચર્ચા કરી હતી. વિરોધપક્ષના નેતા ભીખુભાઇ ગરાસિયાના જર્જરિત ઓરડાઓના પ્રશ્ન બાબતે પ્રમુખ કલ્પનાબેને જણાવ્યું હતું કે નવા ઓરડાઓની મંજૂરી આવે તે મુજબ જર્જરિત ઓરડાઓ તોડવાની મંજૂરી આપવામાં આવે છે અને હાલ તાલુકાની 42 પ્રાથમિક શાળામાં ઓરડાઓનું બાંધકામ પ્રગતિમાં છે. જ્યારે આંગણાવાડીમાં ઘટક-1 અને 3માં 47 નવી આંગણવાડીઓને મંજૂરી મળી છે, જે પૈકી 6 જેટલી પ્રગતિમાં છે. જ્યારે ઘટક-2માં નવી-17 પૈકી 2ના બાંધકામ પૂર્ણ થઈ ગયા છે અને બે પ્રગતિમાં છે. આ ઉપરાંત તાલુકામાં ચોમાસાની સિઝનના કારણે વિકાસના કામો અટકેલા છે પરંતુ મોટાભાગના કામો પૂર્ણતાના આરે છે. તાલુકા પંચાયત સભ્ય જશુભાઇ ગાંગોર્ડે ઉપરાંત વિરોધ પક્ષના ભીખુભાઇ સહિતના સભ્યોએ પ્રમુખપદે કલ્પનાબેન કાર્યકાળને કામગીરીને બિરદાવી હતી.
