
કોંગ્રેસે મંગળવારે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદીમાં 43 ઉમેદવારોના નામ સામેલ છે, જેમાંથી પાર્ટીએ ગુજરાત માટે 7, આસામ માટે 12, મધ્યપ્રદેશ માટે 10, રાજસ્થાન માટે 10, ઉત્તરાખંડ માટે 3 અને દમણ અને દીવ માટે એક ઉમેદવારની જાહેરાત કરી છે.
પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે રાજધાની દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોની જાહેરાત કરી. કોંગ્રેસે ગુજરાતના કચ્છમાંથી નીતિશભાઈ લાલન, બનાસકાંઠામાંથી જેનીબેન ઠાકોર, અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમમાંથી ભરત મકવાણા, પોરબંદરમાંથી લલિતભાઈ વસોવા, બારડોલીમાંથી સિદ્ધાર્થ ચૌધરી અને વલસાડમાંથી અનંતભાઈ પટેલને ટિકિટ આપી છે.
60થી વધુ ઉમેદવારોના નામ પર ચર્ચા
જણાવી દઈએ કે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) એ સોમવારે લોકસભા ચૂંટણીને લઈને 60 થી વધુ ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી. જેમાંથી 40 થી વધુ નામોને CEC દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કોંગ્રેસની બીજી યાદીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથનું નામ પણ સામેલ છે.
જોરહાટ, આસામથી ગૌરવ ગોગોઈની ટિકિટ
કોંગ્રેસે અગાઉ 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આસામના જોરહાટથી કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈને ટિકિટ આપવામાં આવી છે. રાહુલ કાસવાને રાજસ્થાનના ચુરુ અને ફૂલસિંહ બરૈયાને મધ્યપ્રદેશના ભીંડથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
13 ઓબીસી ઉમેદવારો
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું, “આ યાદીમાં 43 ઉમેદવારોમાંથી 10 સામાન્ય ઉમેદવારો, 13 OBC ઉમેદવારો, 10 SC ઉમેદવારો, 9 ST ઉમેદવારો અને 1 મુસ્લિમ ઉમેદવાર છે.”

