
- ગરબા રમતાં હૃદય પર ભાર વધુ આવે છે, ક્ષમતા મુજબ જ રમવું હિતાવહ: નિષ્ણાતો
- PMમાં પ્રાથમિક કારણ હાર્ટએટેક, FSL રિપોર્ટ બાદ કારણ સ્પષ્ટ થશે
- પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્યો માસ્ટર કરવા વિદેશ જવાનો હતો.
પાલ કમ્યુનિટી હોલમાં ગરબા ક્લાસમાં પ્રેક્ટિસ કરતી વખતે અચાનક અડાજણનો યુવક ઢળી પડ્યો હતો. તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પાલનપુર રાજહંસ એપલ ખાતે રહેતો રાજ ધર્મેશભાઈ મોદી (26) વેસુમાં ટોયોટોના શોરૂમમાં સુપરવાઈઝર હતો. રાજ હાલ પાલ કમ્યુનિટી હોલના ગરબા ક્લાસમાં શીખવા જતો હતો. ગુરૂવારે સાંજે તે પ્રેક્ટિસ વખતે એકાએક બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
રાજના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવાયું હતું, જેમાં હૃદયમાં લોહી જામી ગયું હોવાથી હાર્ટએટેકના કારણે તેનું મોત થયું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ કરનાર ડો. આરતી પટેલે જણાવ્યું કે તેના હૃદયમાં બ્લડ ક્લોટ હતું. સેમ્પલ FSLમાં મોકલ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કારણ સ્પષ્ટ થશે. રાજ પરિવારનો એકનો એક દીકરો હતો અને ડિસેમ્બરમાં મિકેનિકલમાં માસ્ટર કરવા વિદેશ જવાનો હતો.
‘ગરબામાં હૃદય પર ભાર વધુ આવે છે, ક્ષમતા મુજબ જ રમો’ ; એક્સપર્ટ: એક્ષપર્ટ પેનલ; ડો. અતુલ અભ્યંકર, ડો. અશોક શાહ, ડો. વિનોદ શાહ
યુવાઓમાં હાર્ટએટેકથી મોતનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ગરબા કે કસરત કરતી વખતે, લગ્ન પ્રસંગમાં નાચતી વખતે આવી ઘટના સામે આવી રહી છે. નવરાત્રિમાં ગરબા રમવા જતી વખતે શું તકેદારી રાખવી જોઈએ તે અંગે હૃદયરોગના નિષ્ણાંત, તબીબોએ જણાવ્યું કે ગરબા રમતી વખતે હૃદય પર ભાર વધુ આવે છે ત્યારે પોતાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને રમવું હિતાવહ છે.
ગરબા વખતે ધબકારા 180 સુધી પહોંચી જાય છે
રેગ્યુલર કસરત કરનારના ધબકારા સામાન્ય રીતે 60-70 હોય છે અને તે ગરબા રમે ત્યારે ધબકારા 110 સુધી પહોંચી જાય છે. જ્યારે એક્સરસાઈઝ ન કરતી વ્યક્તિના સામાન્ય રીતે ધબકારા 90-100 જેટલા હોય છે અને આવી વ્યક્તિ જ્યારે ગરબા રમે ત્યારે તેના ધબકારા 180 સુધી પહોંચી જતા હોય છે. રેગ્યુલર કસરત કરતી વ્યક્તિ પણ તેની નિયમીત એક્સરસાઈઝની કેપિસિટી કરતા વધુ અને સતત ગરબા રમે તો તેના ધબકારા પણ 180 સુધી પહોંચી શકે છે અને તેવા સંજોગોમાં હાર્ટએટેકનું જોખમ વધી જતું હોય છે.
ગરબા આયોજકો CPRના જાણકારને હાજર રાખે તે જરૂરી
CPRની ટ્રેનિંગ ધરાવતી 2 વ્યક્તિને આયોજનના સ્થળે હાજર રાખવી જોઈએ. ઉપરાંત ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર મશીન વસાવી સ્થળ પર રાખવું જોઈએ અને પ્રશિક્ષિત વ્યક્તિને સાથે રાખવી જોઈએ જેનાથી એટેકની સ્થિતીમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો સમય મળે. આ ઉપરાંત એસ્પિરીન 300 મી.ગ્રામ, ક્લોપિડેગોરલ 300 મી.ગ્રામ અને સ્ટેટીન 80 મી.ગ્રામ ટેબલેટ રાખવી જોઈએ અને જો કોઈને અચાનક હૃદયમાં દુખાવો, ગભરામણ થાય તો તેને તાત્કાલિક આ દવાઓ આપી હોસ્પિટલ લઈ જવું જોઈએ.
કોરોના બાદ લોડી જાડું થયું હોય તો ફરી તપાસ કરાવવી
ઓબેસિટીવાળી કે 55થી વધુ વયની વ્યક્તિએ લાંબા સ્ટેપથી દૂર રહેવું, ફુલ સ્વીંગના રાઉન્ડ અવોઈડ કરવા. અગાઉ કોરોના થયો હોય તેણે વિરામ લેતા રહેવું. કોરોનામાં લોહી જાડું થવાની ફરિયાદ હોય તો ફરી તપાસ કરાવી લેવી. હેવી ફુડ ખાવું નહીં. બલ્ડ પ્રેશર-ડાયાબીટીસ હોય અને શ્વાસ ચડે કે તકલીફ લાગે તો બેસી જવું. 18થી 35 વર્ષના ઉત્સાહી યુવકો પણ સુગર લેવલ, કોલેસ્ટ્રોલની તપાસ કરાવી લે. ગરબા રમતી વખતે કોઈ પણ સિગ્નલને અવગણવા નહીં. ગરબા રમવા હોય તો પ્રેક્ટિસ સાથે વોર્મઅપ પણ કરવું જોઈએ.

