
ગુજરાતમાં હવે દરેક ગામ આદર્શ બની ગયા છે?
ગુજરાતમાં સાંસદ આદર્શ ગ્રામ યોજનાનું બાળમરણ થઇ ગયુ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સાંસદના મત વિસ્તારમાં આવતા કોઈ એક ગામને આદર્શ ગામ તરીકે પ્રસ્થાપિત કરવાની યોજના અમલી બની છે. જોકે ગુજરાતમાં અવળી પરિસ્થિતિ ઊભી થઈ છે. આદર્શ ગામ બનાવવું તો એક સપનુ જ બની ગયું છે. આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કે છેલ્લા ૩ વર્ષથી કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની રકમ રાજ્ય સરકારને ફાળવી નથી. બીજી તરફ રાજ્ય સરકારે પણ છેલ્લા ૩ વર્ષમાં પોતાના હિસ્સાની એક પણ રૂપિયાની રકમ ફાળવી નથી. આમ લાગે છે કે ગુજરાતમાં હવે દરેક ગામ આદર્શ બની ગયા છે અથવા તો પછી સરકારની આળસને પગલે આદર્શ ગામ બનાવવું સપનું જ બની જશે.
પોલીસ અને મનપાના સંકલનના અભાવે ભાજપના હોદ્દેદારોએ ભોગવવું પડ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ત્રાગડ ખાતે મનપા અને ઔડાના વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મનપા અને પોલીસ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. વાત જાણે એમ છે કે કાર્યક્રમ સ્થળ ઉપર VIP એન્ટ્રીમાં ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટરો પ્રવેશે તે પહેલા ત્યાં DCP પહોંચ્યા હતા. તેઓએ જોયું કે VIP એન્ટ્રીમાં કોઈપણ વ્યક્તિ આઈકાર્ડ વગર એમ જ પ્રવેશ કરી રહ્યો છે. બસ પછી શું DCPએ તાત્કાલિક પોલીસને સૂચના આપી કે કોઇ પણ વ્યક્તિને આઇકાર્ડ વગર પ્રવેશ આપવો નહીં. વગર આઈકાર્ડે કોઈ જશે તો નોટિસ મળશે અને DCP સૂચના આપી રવાના થયા. આ બધા વચ્ચે મનપાએ કે પોલીસે કોઈપણ કાર્ડ ઇશ્યુ કર્યા નહોતા. જેથી જ્યારે ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટરો સહિતના લોકોએ એન્ટ્રી મેળવી ત્યારે પોલીસ સાથે ચકમક ઝરી. આમ પોલીસ અને મનપાના સંકલનના અભાવે ભાજપના હોદ્દેદારોએ ભોગવવું પડ્યું.
હવે પ્રજાકીય કામો કરવા માટે કોઇ ઉત્સાહ જ નથી રહ્યો
અમદાવાદ મનપામાં પદાધિકારીઓની નવી ટીમની નિમણૂકને લઇને ભાજપના કોર્પોરેટરોમાં જ કચવાટ જોવા મળી રહ્યો છે. ગણગણાટ થઇ રહ્યો છે કે હવે મનપામાં ભાજપના નેતાઓ પોતાના માનીતા લોકોને જ પદ ઉપર બેસાડી દે છે. જે વ્યક્તિ ખરેખર ફિલ્ડમાં રહી અને પ્રજાનું કામ કરે છે તેમની કોઇ કિંમત કરાતી નથી. બસ માત્ર તમે કોઇ મોટા નેતાની નજીક છો તો તમને પદ મળી જશે. તમે પ્રજાના રોષનો ભોગ બનો, 24 કલાક કામ કરો એનો કોઇ અર્થ નથી. સાંભળવા તો એ પણ મળ્યું છે કે કેટલાક કોર્પોરેટરો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ટીમ તરીકે કામ કરવા માટે જે રીતે પ્રોત્સાહન મળવુ જોઇએ તે મળતુ જ નથી. જેથી હવે પ્રજાકીય કામો કરવા માટે કોઇ ઉત્સાહ જ નથી રહ્યો.
7 વર્ષ થવા છતાં પણ મંજૂરી મળ્યા બાદ જ કાર્યવાહી કરાશે તેમ સરકાર કહી રહી છે
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા મેસર્સ રીલાયેબલ આર્ટ પ્રિન્ટરી (અમદાવાદ) પ્રાઈવેટ લિમિટેડને રૂપિયા 668.84 લાખ રકમની ખોટી રીતે ચૂકવણી થયેલી રકમ કેગના આખરી રિપોર્ટના આધારે વર્ષ 2014થી પરત લેવાની થાય છે. આ અન્વયે શિક્ષણ વિભાગ હસ્તકની અન્ય કચેરીઓમાં આ કંપની પર બેન મૂકવાની બાબત શિક્ષણ વિભાગ કક્ષાએ વિચારણા હેઠળ હતી. જોકે સાત વર્ષ થવા છતાં આ બાબત હજુ પણ વિચારણા હેઠળ જ છે. આ બાબતે સબંધિત ફાઈલ ઉદ્યોગ અને ખાણ વિભાગમાં મંજૂરી અર્થે રજૂ પણ કરી છે. જોકે સાત સાત વર્ષ થવા છતાં પણ મંજૂરી મળ્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવશે તેમ સરકાર કહી રહી છે.
વોર્ડ કક્ષાએથી લઈને જિલ્લા લેવલના હોદ્દેદારોમાં નારાજગી
ગુજરાત કોંગ્રેસના હાથ સે હાથ જોડો અભિયાનથી કેટલાક કોંગ્રેસીઓ નિરાશ છે. જોજો પાછા આ અભિયાનથી નહીં પરંતુ તેમાં આપવામાં આવેલી જવાબદારીઓથી. વાત જાણે એમ છે કે ગુજરાત કોંગ્રેસના હાથ સે હાથ જોડો અભિયાનની ટીમમાં મૂળ કોંગ્રેસી કરતા અન્ય પાર્ટીમાંથી આવેલા લોકોને હોદ્દાઓ આપવામાં આવ્યા છે. જેને લઇને વોર્ડ કક્ષાએથી લઈને જિલ્લા લેવલના હોદ્દેદારોમાં નારાજગી ફેલાઇ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ચર્ચા ચાલી રહી છે કે હાથ સે હાથ જોડોની ટીમમાં AAP અને NCPમાંથી આવેલા લોકોને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે મૂળ કોંગ્રેસીઓ જેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેવા કેટલાક હોદ્દેદારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
યુવા મોરચાની નિમણૂકમાં આવેલ વિઘ્ન નથી થઇ રહ્યું દૂર
રાજકોટ શહેર ભાજપમાં નવા પ્રમુખની નિમણૂક બાદ અલગ અલગ મોરચાની નવી નિમણૂકમાં આવેલ વિઘ્ન વિઘ્નહર્તાની વિદાય બાદ પણ દૂર નથી થઇ રહ્યું. તેમાં પણ ખાસ કરીને રાજકોટ શહેર યુવા મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રીની નિમણૂક કર્યાની ગણતરીની કલાકોમાં આ યાદી રદ કરી આજ સુધી નવી યાદી જાહેર કરાઇ નથી. જેને લઇ કાર્યકર્તાઓમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓની સાથે નારાજગી પણ જોવા મળી રહી છે. હોદ્દેદાર બનવા માટે લગભગ છેલ્લા અઢી મહિનાથી કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે. પરંતુ પાર્ટી આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અને આ બધા વચ્ચે ટૂંક સમયમાં નવી યાદી જાહેર કરાશે તેવી લોલીપોપ આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
વડોદરા મનપામાં મેયરની નિમણૂક બાદ શહેર ભાજપની આંતરિક જૂથબંધીઓ બહાર આવી
વડોદરા મનપામાં મેયર તરીકે પિન્કીબેન સોનીની નિમણૂક બાદ શહેર ભાજપમાં આંતરિક જૂથબંધીઓ બહાર આવી હોવાની વાતો સંભળાઇ રહી છે. જાણવા મળ્યું છે કે મેયર પદની રેસમાં અનેક મહિલા કોર્પોરેટરો હતી. જેમાં એક મહિલા કોર્પોરેટરે પોતાની તમામ તાકાત લગાવ્યા બાદ પણ તેઓ મેયર બની ન શકતા હવે તેઓ પોતાનો રોષ અને નારાજગી સોશિયલ મીડિયામાં બતાવી રહ્યા છે. જાહેર કાર્યક્રમોમાં પણ આ મહિલા કોર્પોરેટરનું દર્દ છલકાઇ જતુ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. તે કાર્યક્રમમાં આ મહિલા કોર્પોરેટરે એવું ઉચ્ચારણ કર્યું હતું કે, આગામી 6 માસમાં વડોદરા કોર્પોરેશન ભડકે બળશે. જોકે આ મહિલા કોર્પોરેટરનું આ નિવેદન ક્યાં સંદર્ભમાં હતુ તે હજુ ભાજપના કાર્યકરો સમજી શક્યા નથી. આ ઉપરાંત અન્ય કાર્યકરે ભાજપ અગ્રણીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અશોભનીય ટિપ્પણી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ હવે પદાધિકારીઓની નિમણૂક બાદ ભાજપની આંતરિક જૂથબંધી સામે આવી રહી હોય તેમ લાગી રહ્યુ છે.

