
- માત્ર 15 મહિનામાં હૉસ્પિટલનું નિર્માણ કરાશે,
- એર એમ્બ્યુલન્સ સહિતની સુવિધા, ગરીબ દર્દીને નિ:શુલ્ક સારવાર મળશે
- અમદાવાદમાં 10 સહિત રાજ્યમાં 30 ફાર્મસી સ્ટોર્સ શરૂ કરવાની યોજના
મુંબઈની લીલાવતી હોસ્પિટલના પ્રમોટર મહેતા પરિવાર દ્વારા સોમવારથી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં દરેક વર્ગના લોકોને પોષાય તેવા દરે અદ્યતન સુવિધાથી સજ્જ ‘લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ સ્ટોર્સ’ શરૂ કરાયો છે. એટલું જ નહિ, આગામી 15 મહિનામાં ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં રૂ. 300 કરોડના ખર્ચે એર એમ્બ્યુલન્સ સહિત આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલ શરૂ કરશે.
લીલાવતી હોસ્પિટલના મેનેજિંગ ડિરેકટર પ્રશાંત મહેતાએ જણાવ્યું કે મારા પિતા કિશોર મહેતા અને માતા ચારુબેન મહેતાએ 1997માં મુંબઈમાં સુપર સ્પેશિયાલિટી લીલાવતી હોસ્પિટલની સ્થાપના કરી હતી. દરેક વર્ગના લોકોને પોષાય તેવા દરે ઉચ્ચ સ્તરની ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવાના માતા-પિતાના લક્ષ્યને હું આગળ ધપાવી રહ્યો છું, જેના ભાગ રૂપે સોમવારથી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં દરેકને પોષાય તેવા દરે દવા ઉપલબ્ધ કરાવવા ‘લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ સ્ટોર્સ ’ શરૂ કર્યો છે. તેમ જ આગામી પાંચ વર્ષમાં અમદાવાદમાં વધુ 9 સ્ટોર્સ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં 30 મળીને કુલ 40 ફાર્મસી સ્ટોર્સ સાથે દેશમાં 500 ફાર્મસી સ્ટોર્સ શરૂ કરીને ‘લીલાવતી ફાર્મસી ચેઇન કમ્યુનિટી મેમ્બર્સ માટે વેલનેસ પ્રોગ્રામ’ ઓફર કરનારી ભારતની એક માત્ર સર્વિસ બેઝ ફાર્મસી ચેઇન બનશે. એટલું જ નહિ, ડોક્ટર્સના રેફરન્સને આધારે જરૂરિયાતમંદ-ગરીબ દર્દીઓને ફાર્મસી સ્ટોર્સમાં નિ:શુલ્ક દવા અને હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર આપીશું.
24 કલાક ડોક્ટર ઉપલબ્ધ રહેશે
રૂ. 1 કરોડના ખર્ચે 2700 સ્ક્વેર ફૂટમાં નિર્મિત અને 24 કલાક કાર્યરત ફાર્મસી સ્ટોર્સમાં 24 કલાક જનરલ ફિઝિશિયન ઉપલબ્ધ રહેશે. સ્ટોર્સમાં સસ્તા દરે રોગનું નિદાન અને બ્રાન્ડેડ-જેનેરિક બંને સસ્તા દરે દવાઓ, મેડિકલ અને લેબોરેટરી ચેકઅપ ઉપલબ્ધ રહેશે. અઠવાડિયા સુધી સ્ટોર્સમાં દરેક વ્યક્તિનું ફ્રી ચેકઅપ કરાશે. ઉપરાંત દવાની ફ્રી હોમ ડિલિવરી પણ કરાશે. જ્યારે 3, 6 અને 12 મહિનાની મેમ્બરશિપ પણ ઉપલબ્ધ કરાવાશે.
મુંબઈની લીલાવતી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો સારવાર આપશે
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં રૂ. 300 કરોડના ખર્ચે 6 લાખ સુપર બિલ્ડઅપ એરિયામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 13 માળની હોસ્પિટલમાં ત્રણ બેઝમેન્ટ રહેશે. ઉપરાંત દર્દી માટે એર એમ્બ્યુલન્સની સુવિધા, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, રોબોટિક સર્જરી, હાર્ટ, લીવર, કિડની સહિત વિવિધ રોગોની અદ્યતન સારવાર મુંબઈની લીલાવતી હોસ્પિટલના નિષ્ણાત ડોકટર દ્વારા કરાશે. હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિ:શુલ્ક સારવાર આપવા માટે સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે.

