
- મંદિરમાં છત નહીં હોવાથી ચોમાસામાં સતત જલધારા થાય છે
- લંડન, અમેરિકા, આફ્રિકામાં પણ અહીંના બ્રાહ્મણોને બોલાવાય છે!
- મહારુદ્ર, હવન જેવા કાર્યક્રમો માટે શ્રાવણમાં બ્રાહ્મણોનું એડવાન્સ બુકિંગ
ગુજરાતમાં એક એવું શિવ મંદિર આવેલું છે જ્યાં સૂતેલા શિવજી છે. આ મંદિરમાં વરસાદ આવે તો આકાશમાંથી પાણીનો અને બાકીના દિવસોમાં સૂર્ય કિરણનો સીધો અભિષેક શિવલિંગ પર થાય છે. તેની પાછળ એક ચોક્કસ કારણ છે. અનેક લોકવાયકા છે. કહેવાય છે કે આ મંદિરની છત ક્યારેય બની શકી નથી. તેથી આ મંદિરને છત નથી, અને તે બારેમાસ ખુલ્લુ રહે છે. તડકેશ્વર મંદિર વલસાડ નગરનું પ્રખ્યાત મંદિર છે. તડકેશ્વર મહાદેવ મંદિર સૂતેલા શિવલિંગ માટે પ્રખ્યાત છે. 1994માં મંદિરનો જીર્ણોદ્ધાર કરીને 20 ફૂટના ગોળાઈનો ઘુમ્મટ ખુલ્લો બનાવાયો હતો, સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગના દર્શનાર્થે લોકોની ભારે ભીડ રહે છે. શ્રાવણમાસ અને મહાશિવરાત્રિએ તો ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. અબ્રામા ગામે વાંકી નદીના કિનારે તડકેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે. લોકવાયકા અનુસાર 800 વર્ષ પહેલા અહીંના જંગલમાં ગાયો ચરાવતા નિર્દોષ ગોવાળિયાએ એક ગાયને સ્વયંભૂ દૂધની ધારા વહાવતી જોઈ હતી. બાદમાં એ સ્થળેથી પોઢેલા શિવજીના સ્વરૂપે 6થી 7 ફૂટ લાંબુ શિવલિંગ મળી આવ્યું હતું. મંદિર પર કોઈ છત નહીં હોવાનું કારણ એવું જાણવા મળે છે કે શિવલિંગના રક્ષણ માટે અગાઉના વર્ષોમાં કામચલાઉ દિવાલ અને ઉપર ઘાસનું છાપરું બનાવાયું હતું. પરંતુ થોડા દિવસમાં આ છાપરું અચાનક સળગી ગયું હતું. બાદમાં નળિયાવાળું છાપરું બનાવાયું તો તે વાવાઝોડાથી ઉડી ગયું હતું. વારંવાર બનતી આ ઘટના બાદ શિવભક્તને સ્વપ્ન આવ્યું કે ‘હું તડકેશ્વર છું,’ મારા શીરે કોઈ છાપરું બાંધવાનો પ્રયત્ન ન કરશો. ગામલોકોએ ભક્તની વાત સાચી ગણીની ચારેબાજુ દિવાલ કરી દરવાજા બનાવ્યા પણ ઉપરથી ખૂલ્લું જ રાખ્યું હતું.
વિશ્વાસ; ગુજરાતમાં 30 હજારથી વધુ કર્મકાંડી બ્રાહ્મણ, 1 મહિના પહેલા જ પૂજા-અભિષેક બુક
પવિત્ર શ્રાવણ માસનો આજથી આસ્થાભેર પ્રારંભ થઇ રહ્યો છે. શ્રાવણ મહિનો શિવ પૂજા માટે મહત્ત્વનો ગણવામાં આવે છે. ત્યારે આ મહિનામાં શિવભકતો ભગવાન શિવને પ્રસન્ન કરવા પૂજા-અભિષેક, શિવકથા, લઘુરુદ્ર, હવન સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો કરતા હોય છે પરંતુ આ તમામ ધાર્મિક કર્યો વિદ્વાન બ્રાહ્મણ વિના શક્ય નથી. અને તેથી જ શ્રાવણ માસ દરમિયાન વિદ્વાન બ્રાહ્મણોની માંગ ખૂબ વધી જાય છે. વિદ્વાન બ્રાહ્મણો જણાવે છે કે ગુજરાતમાં 30 હજારથી વધુ કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણો છે. શ્રાવણ માસ દરમિયાન શિવપૂજા, શિવ કથા, પૂજા-પાઠ, અભિષેક સહીતના કર્યો કરવા માટે વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણોની માંગ ખુબ વધુ હોવાને કારણે શ્રાવણ માસના એક મહિના અગાઉ જ લોકો પોતાના જાણીતા કે અન્ય વિદ્વાન બ્રાહ્મણોને વિધિ માટે કહી દે છે.
એટલે કે બ્રાહ્મણોનું પણ એડવાન્સ બુકિંગ કરી લે છે એવું કહી શકાય. શ્રાવણ માસમાં એક બ્રાહ્મણ ઓછામાં ઓછી બે જગ્યાએ અને વધુમાં વધુ પાંચ જગ્યાએ એક જ દિવસમાં પૂજા-વિધિ કરાવતા હોય છે. આ ઉપરાંત જયારે શ્રાવણ માસનો સોમવાર હોય, તેરસની તિથી હોય, અમાસ હોય ત્યારે બ્રાહ્મણોની સૌથી વધુ માંગ રહે છે.
વિદ્વાન બ્રાહ્મણોની પૂજા-પાઠ, અભિષેક તથા ચાંદલા કરવા માટે ખુબ માંગ હોય છે, શ્રાવણ માસના તો એક મહિના પહેલા જ બ્રાહ્મણોના કાર્યક્રમો બૂક થઇ જાય છે. શ્રાવણમાં અભિષેક, લઘુરુદ્રની સાથે સાથે શિવમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, નવા મંદિરના નિર્માણ કે મહારુદ્રયજ્ઞ હોય તો 3 દિવસ ચાલે અને 51 બ્રાહ્મણની જરૂર પડે, આથી આ પ્રકારના મોટા આયોજનો હોય તો ત્રણ-ત્રણ મહિના અગાઉ જ લોકો વિદ્વાન બ્રાહ્મણોને બૂક કરી લેતા હોય છે.
શ્રાવણ માસ, નવરાત્રિમાં વિદેશમાં બ્રાહ્મણોની માંગ સૌથી વધુ
શ્રાવણ માસ દરમિયાન અને નવરાત્રિ દરમિયાન વિદેશમાં બ્રાહ્મણોની માંગ સૌથી વધુ હોય છે, આ ઉપરાંત છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગણેશ મહોત્સવ દરમિયાન પણ ભારતથી બ્રાહ્મણોને વિદેશમાં બોલાવાય છે. રાજકોટ, કચ્છ, ભુજ, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાંથી વિદેશમાં યજ્ઞ, પૂજા માટે યજમાનો બ્રાહ્મણને બોલાવતા હોય છે.

