
- કેરટેકરની નોકરી કરતી દક્ષાએ બપોરે બે દીકરીઓની તડપાવીને હત્યા કરી રાત્રે ભાઇના ઘરે જઇ ભત્રીજાને રમાડ્યો
કારેલીબાગ વિસ્તારની અક્ષતા સોસાયટીમાં રહેતી અને વૃદ્ધાની કેરટેકર તરીકેની નોકરી કરતી દક્ષા ચૌહાણે પોતાની 2 દીકરીઓને ઝેરી દવા પીવડાવી હતી. તેનાથી દીકરીઓ ના મરતાં ગળે ટુપો દઈને બન્નેની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દક્ષાએ દિવ્યભાસ્કર સાથે ઘટનાનો ચિતાર આપ્યો હતો. તેણે દીકરીઓની જીંદગી પૂરી કરી નાખી કહીને અફસોસ વ્યક્ત કર્યો હતો. તેણે ત્યાં સુધીની કબૂલાત કરી હતી કે બપોરે દિકરીઓની હત્યા કર્યા બાદ રાત્રે ભાઇના ઘરે જઇને ભત્રીજાને રમાડ્યો હતો, મોડી રાત્રે બહેન સાથે વાત પણ કરી હતી.

બે પુત્રીની હત્યા કરનાર જનેતા દક્ષા ચૌહાણ સાથે સયાજી હોસ્પિટલમાં થયેલી વાતચીતના આધારે…
મને રૂપિયાની ખુબજ તકલીફ હતી, મારા ઘરનું ભાડું, મારી દીકરીઓની ફી, ક્યાંથી કરુ હું બધું? મારા નવ હજારના પગારમાં પુરુ નહોતું પડતું. મેં સોમવારે બપોરે છોલે બનાવ્યા હતા. તેમાં મે એવીલ નામની જે ઉંઘની દવા આવે છે તેના બે પત્તાની ગોળીઓ અને બ્લેક હિટ નાખીને મે મારી બંને છોકરીઓને ખવડાવી દીધું હતું. હું નહોતી જમી. મારી નાની છોકરી ગીતો સાંભળતી-સાંભળતી સુઈ ગઈ અને મે તેનું બપોરે સાડા બાર વાગે ઓઢણીથી ગળુ દબાવી દીધું હતું. તેણે છોડવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. બપોરે અઢી વાગે મારી મોટી દીકરી ઘેનમાંથી ઉઠતાં મે તેનું પણ ગળુ ઓઢણી વડે દબાવી દીધું હતું.મારી બંને દીકરીઓ અલગ-અલગ રૂમમાં પડી હતી. હનીના પગ પહોળા થઈ ગયા હતા એટલે મેં તેના અંગુઠા બાંધી દીધા હતા. આ કર્યા બાદ હું ત્યાંજ બેઠી હતી અને ખુબ રડી હતી. રાત્રે હું મારા ભાઈને મળવા ગઈ હતી. તેના દીકરાને પણ રમાડ્યો હતો. ઘરે આવ્યા બાદ હું પણ એવીલ દવા લઈને સુઈ ગઈ હતી. રાત્રે ઘેનમાં મેં મારી બહેન નિલમને પણ ફોન કર્યો હતો. મારે છેલ્લીવાર બધાની સાથે વાત કરવી હતી. જોકે ગોળીની કંઈ અસર ન થતા મેં દોરી વડે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.પણ ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો અને મને કોઈનું સરનામું પૂછતો હતો અને તેણે બૂમો પાડતા પાડોશી આવી ગયા હતા. મેં થોડા મહિના પહેલા ફિનાઈલ પીને પણ મરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ત્યારે મને વિચાર આવ્યો હતો કે હું નહીં રહું તો મારી દીકરીઓનું કોણ કરશે? મેં મારી દીકરીઓની જીંદગી પૂરી કરી નાખી, મારે જીવવું જ નથી.

મમતાનો માતમ ! – હત્યા પહેલાં માતાએ કાળી બંગડી, કાળી કુર્તી પહેરી કાળી નેલ પોલિશ કરી હતી
દક્ષાબેને સોમવારે જ્યારે દીકરીઓને મારવાનું નક્કી કર્યું ત્યારે તેઓએ કાળી કુર્તી, કાળી નેઈલ પોલીશ અને કાળી બંગડીઓ પહેરી હતી. હોસ્પિટલમાં કાળી બંગડીઓ ટેબલ પર કાઢીને મુકી હતી. આ બાબતે મનોચિકત્સક હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે, કાળો રંગ નકારાત્મકતા દર્શાવે છે. ડિપ્રેશનના દર્દીઓ મોટેભાગે કાળા કપડા પહેરતા હોય છે. પહેલા નાની દીકરીની બપોરે સાડા બાર વાગે હત્યા કરી બપોરે અઢી વાગે મોટી દીકરીની હત્યા કરી, રાત્રે 10 વાગ્યે સુધી દીકરીઓના મૃતદેહ પાસે બેસી રડી રહ્યા હતા. મોટી દીકરી હનીના પગ પહોળા થતાં તેના અંગુઠા બાંધી દીધા હતા. રાત્રે 10 વાગે ભાઈની યાદ આવતા ભાઈના ઘરે ગયા હતા અને રાત્રે અઢી વાગ્યે બહેનને પણ ફોન કર્યો હતો. સવારના 6 વાગે તેઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
‘આ ફોટો રહેવા દેજો, ફ્રેમ કરાવવાના છે’!
દક્ષાબહેને સોમવારે તેમની દીકરીઓની હત્યા કર્યા બાદ તેમના જ એક પરિચિત ફોટો સ્ટુડિયોમાં કામ કરતા યુવકને તેમની બંને દીકરી સહિત તેમના ફોટો વોટ્સએપ પર મોકલ્યા હતા. દક્ષાબહેને મેસેજમાં જણાવ્યું હતું કે, ‘આ ફોટો તમારી પાસે રહેવા દેજો, તેને ફ્રેમ કરાવવાના છે’. ફોટો સ્ટુડિયોમાં કામ કરનાર યુવકને આ બાબત સામાન્ય લાગી હતી. તેને આ હત્યાઓ વિશે જાણ નહોતી. જોકે હત્યાની જાણ થતાંજ તે ચોંકી ઉઠ્યો હતો. બીજી બાજુ પોલીસે દક્ષાબહેનનો ફોન કબ્જે કરી એફએસએલમાં મોકલ્યો હતો. તેમણે છેલ્લા કોની-કોની સાથે ફોન પર વાત કરી, કોને મેસેજ મોકલ્યા હતા તે તમામ બાબતો પોલસ દ્વારા તપાસવામાં આવશે.
દીકરીઓને મારી વિચાર્યું, મારે આ મોત નથી જોઇતું
કારેલીબાગ પીઆઈ મુજબ દક્ષાબેહેને છોકરીઓની હત્યા કરી મૃતદેહ જોયા ત્યારે તેઓના મનમાં થયું કે મારે આવું મોત નથી જોઈતું, તેમનામાં જીવવાની આશા જાગી હતી, જોકે કલાક બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
રૂા.40 હજારની વ્યવસ્થા ના થઈ શકી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, દક્ષાબેને ભાડે લીધેલા મકાન માટે રૂા.10 હજારની ડિપોઝીટ, મોટી પુત્રીની કોલેજની ફી રૂા.22,000 મકાન ભાડાના રૂા.6000 અને નાની પુત્રીની ફી બે હજાર સહિત કુલ રૂા.40 હજારની વ્યવસ્થા કરવાની હતી. આ વ્યવસ્થા ના થતાં દક્ષાબેને બંને પુત્રીઓને મારી આપઘાતનો નિર્ણય કર્યો હતો.

