
ગુજરાત યુનિવર્સિટીમાં હવે IELTS કોચિંગ સેન્ટર શરૂ થયા છે. આ ઉપરાંત યુનિવર્સિટીના અટલ કલાં ઇનોવેશન સેન્ટરના બિલ્ડિંગમાં ખાનગી કંપનીને ઓફિસ ભાડે આપવામાં આવી છે, જે મામલે NSUIએ વિરોધ કર્યો છે. NSUIએ શિક્ષણમંત્રીને પત્ર લખીને IELTS અને ખાનગી કંપનીને આપેલ બિલ્ડિંગના MOU રદ કરવા માગ કરી છે.
યુનિવર્સિટીના બે MOU મામલે NSUIનો વિરોધ
ગુજરાત યુનિવર્સિટીમાં થોડા દિવસ અગાઉ ઠેર ઠેર IELTSના બેનર લાગ્યા હતા. ત્યારબાદ એનિમેશન ડિપાર્ટમેન્ટ ખાનગી કન્સલ્ટન્સી દ્વારા IELTSના કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીમાં આવેલ અટલ ઇનોવેશન સેન્ટરમાં પણ 2 ખાનગી કંપનીને ઓફિસ ભાડે આપવામાં આવી છે. આ તમામ અંગે યુનિવર્સિટીએ MOU કર્યા છે. ખાનગી બિલ્ડિંગ ભાડે આપવા મામલે અગાઉના કુલપતિ એમ. એન પટેલના કાર્યકાળમાં ઠરાવ થયો હતો. આ બિલ્ડિંગ ભાડે આપવાથી યુનિવર્સિટીને લાખો રૂપિયાની આવક શરૂ થઈ છે.
શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત
જો કે, યુનિવર્સિટીના બિલ્ડિંગમાં ખાનગી કંપનીને ઓફિસ ભાડે આપવા બદલ સિન્ડિકેટ સભ્યોએ વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીમાં શરૂ થયેલ IELTS કોચિંગ સેન્ટર શરૂ કરવામાં પણ સિન્ડિકેટ સભ્યોની ભૂમિકા છે. NSUIએ બંને મામલે શિક્ષણમંત્રીને પત્ર લખીને બંને MOU રદ કરવા માંગણી કરી છે.
MOU રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશુંઃ ભાવિક સોલંકી
આ અંગે NSUIના નેતા ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, સરકારી યુનિવર્સિટીનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. એક બાદ એક MOU થતા જાય છે અને યુનિવર્સિટીમાં ખાનગી કંપનીઓની એન્ટ્રી થઈ રહી છે. જેને લઈને અમે વિરોધ કર્યો છે અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. જો આ MOU રદ નહીં થાય તો આગામી સમયમાં યુનિવર્સિટીનું ખાનગીકરણ રોકવા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

