
ગાંધીનગર CBIની ટીમ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ સ્થિત વિદેશ વેપારની કચેરીમાં ફરજ બજાવતા જોઈન્ટ ડાયરેકટરને લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતો. જે બાદ ફરી ગાંધીનગર CBIની ટીમ દ્વારા રાજકોટમાં ઓપરેશન હાથ ધરી EPFOના ડેપ્યુટી રીજીયોનલ કમિશનર ઉપર ટ્રેપ કરવામાં આવી હતી. CBIના છટકામાં રૂ.2 લાખની લાંચ લેતા એજન્ટને શહેરના ગોંડલ રોડ પર આવેલ આંગડીયા પેઢીની બહારથી ઝડપી લઈ પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં ડેપ્યુટી કમિશનરને ત્યાં તપાસ માટે તેના રહેણાંક પર ટીમ પહોચી હતી. જો કે, રહેણાંક મકાન પર તાળા લાગેલ હોવાથી CBI દ્વારા મકાનને સીલ કરવામાં આવ્યું છે.
CBIને લાખો રૂપિયાની ઉઘરાણી મામલે બાતમી મળી
રાજકોટ સ્થિત EPFO કચેરીમાં ડેપ્યુટી કમિશનર EPFO તરીકે ફરજ બજાવતા નિરજસિંઘ દ્વારા વર્ષ 2004માં ઉદ્યોગો અને સરકારી કોન્ટ્રાકટરોને કવેરી કાઢી તે માટેની નોટિસો ઈસ્યુ કરવામાં આવી હતી. આ સાથે જ રીકવરી માટે કાર્યવાહી કરવા માટે નોટિસમાં જણાવવામાં આવતું હતું. ત્યારે રાજકોટના અક્ષર માર્ગ પર કન્સલ્ટિંગની ઓફિસ ધરાવતા ચિરાગ જસાણી દ્વારા ઉદ્યોગગૃહો અને કોન્ટ્રાકરોનો સંપર્ક કરવામાં આવતો હતો અને સેટિંગ કરાવી દેવાનું જણાવી લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી.

એજન્ટ રકમ લેવા આંગડીયા પેઢી પર પહોંચ્યો
ગોંડલ રોડ પર આવેલ સરકારી કોન્ટ્રાકટર દ્વારા આ બાબતે CBI ગાંધીનગરને ફરિયાદ કરવામાં આવતા CBI દ્વારા છેલ્લા એકમાસથી બંનેના મોબાઈલ ફોન ટ્રેસ કરવામાં આવી રહ્યા હતા. જેમાં અંતે ગુરૂવારે સાંજના કોન્ટ્રાકર પાસે પ્રથમ રૂ.20 લાખ બાદમાં 13 અને છેલ્લે 12 લાખ આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. આ રકમ ગોંડલ રોડ પર આવેલ આંગડીયામાં આવી રહેલ હોવાનું જણાવ્યા બાદ એજન્ટ ચિરાગ જસાણી આ રકમ લેવા માટે આંગડીયા પેઢી પર આવ્યો હતો.
એજન્ટને સપડાવવા CBIએ છટકું ગોઠવ્યું
બીજી તરફ બપોરના સમયે ગાંધીનગરથી નીકળેલી CBIની ટીમ પણ ગોંડલ રોડ પર નક્કી થયા મુજબ આંગડીયા પેઢી પર પહોંચી ગઈ હતી, ત્યારે જ ચિરાગને રૂ.2 લાખ લેતા ઝડપી લીધો હતો. કોન્ટ્રાકટર સાથે રૂ.12 લાખમાં નક્કી કરવામાં આવ્યું હતું, ત્યારે બીજી રકમ આંગડીયામાં આવે છે તેમ કહી રૂ.2 લાખ તેની પાસે છે તે સ્વીકારતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. હકીકતમાં આંગડીયામાં બીજા રૂ.10 લાખ આવ્યા પણ ન હતા, પણ એજન્ટને સપડાવવા માટે CBI દ્વારા આ છટકું ગોઠવવામા આવ્યું હતું. તેમાં એજન્ટ સપડાઈ ગયો હતો. બાદમાં આખી રાત CBI દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી.

3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા
રૂપિયા 2 લાખની લાંચ લેતા પકડાયેલ ચિરાગ જસાણીને અમદાવાદ કોર્ટમાં CBI દ્વારા રજૂ કરવામાં આવતા કુલ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કન્સલ્ટન્ટ ચિરાગ જસાણીની ઓફિસ અમીન માર્ગ પર આવેલ છે, જ્યાં પણ CBI દ્વારા તપાસ કરવામાં આવી હતી.

