
નવા શૈક્ષણિક વર્ષથી એન્જિનિયરિંગ અને ટેકનોલોજીકલ કોર્સિસમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ખાસ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે હવે ટેકનિકલ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમના પુસ્તકો ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ થશે. આ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ગુજરાતી માધ્યમના પુસ્તકો લોન્ચ કરવામાં આવ્યા છે.
હાલના તબક્કે પહેલા વર્ષના તમામ પુસ્તકો તૈયાર
ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ડિગ્રી એન્જિનિયરિંગ મળીને કુલ 20 જેટલા પુસ્તકો હાલ પ્રકાશિત થઈ ચૂક્યા છે. જે નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓના હાથમાં હશે. હાલના તબક્કે પહેલા વર્ષના તમામ પુસ્તકો તૈયાર થઈ ચૂક્યા છે, જ્યારે બીજા વર્ષના પુસ્તકો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગના 11 જેટલા પુસ્તકો અને ડિગ્રી એન્જિનિયરિંગના 9 જેટલા પુસ્તકોનું ગુજરાતીમાં અનુવાદ બાદ પ્રકાશિત થઈ ચૂક્યા છે. ગુજરાતની સરકારી ડિપ્લોમા કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજના અંદાજે 50 જેટલા નિષ્ણાંત અધ્યાપકોની ટીમ દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અંગ્રેજીના કોર્સને ગુજરાતીમાં અનુવાદ કર્યા બાદ તેના રિવ્યુ માટે પણ ખાસ ટીમ બનાવવામાં આવી હતી.
માતૃ ભાષામાં અભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો
જુલાઈ 2021માં અંગ્રેજીમાંથી ગુજરાતી માધ્યમમાં પુસ્તક રૂપાંતરિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિમાં જે-તે રાજ્યની સ્થાનિક માતૃ ભાષામાં અભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેને લઈને અત્યારસુધી કુલ 13 જેટલી અલગ અલગ પ્રાદેશિક ભાષાઓમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
હવે ગુજરાતી માધ્યમમાં પ્રવેશ અપાશે
ગત વર્ષે GTU દ્વારા એન્જિનયરિંગનો કોર્ષ ગુજરાતી ભાષામાં શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ GTUનો આ પ્રયોગ નિષ્ફળ થયો હતો તે માટેનું એક કારણ એ પણ હતું કે, GTU પાસે એન્જિનિયરિંગના પુસ્તકો ગુજરાતીમાં નહોતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા પણ મળી નહોતી. આ વર્ષે GTU દ્વારા અગાઉથી તૈયારીના ભાગરૂપે પુસ્તકો ગુજરાતીમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. નવી શિક્ષણ નીતિ અનુસાર આ વર્ષે પણ ગુજરાતી માધ્યમમાં એન્જીનિયરિંગના કોર્ષમાં એડમિશન આપવામાં આવશે.

