
- સુપર-51- પહેલા જ બેચમાં 51 વિદ્યાર્થીને 42 દિવસ ટ્રેનિંગ, મેડિકલનો ખર્ચ પણ ગ્રુપ ઉઠાવશે
ભરત સૂર્યવંશી
સુરતના ઈજનેર-તબીબોના એક ગ્રુપે અંતરિયાળ વિસ્તારનાં તેજસ્વી બાળકોને નીટની ટ્રેનિંગ આપવા સેન્ટર શરૂ કર્યું છે. વ્યારાના આ સેન્ટરમાં પહેલા જ બેચમાં 51 વિદ્યાર્થીને 42 દિવસની ટ્રેનિંગ વિનામૂલ્યે અપાઈ હતી. સફળ થનારા વિદ્યાર્થીઓનો મેડિકલના 4 વર્ષનો સંપૂર્ણ ખર્ચ પણ આ ગ્રુપ ઉઠાવશે.
તેજસ્વી બાળકોને નીટની ટ્રેનિંગ આપવા સેન્ટર શરૂ કર્યું
હવે આ સેન્ટરમાં જેઈઈ, જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષ માટે પણ ટ્રેનિંગ શરૂ કરાશે. ગરીબ પણ અભ્યાસમાં હોશિયાર એવા વિદ્યાર્થીઓને સેન્ટર સુધી પહોંચાડવા શિક્ષક મિત્રોના ગૃપમાં મેસેજ મુક્યો હતો. વિદ્યાર્થીને ચા-નાસ્તો, જમવાની તથા અભ્યાસ માટે હાઈટેક સાધનોની વ્યવસ્થા કરાઈ હતી. સેન્ટરને મદદરૂપ થવા હવે લોકો પણ સામેથી આવી રહ્યા છે.
સોસાયટીએ મકાન ફાળવ્યું
વ્યારા મુશા રોડની શ્યામ વાટિકા સોસાયટીના રહીશોએ એક બંધ મકાન આપતાં તેને રિનોવેટ કરી ત્યાં સ્પર્શ નોલેજ સેન્ટર નામથી શરૂઆત કરવામાં આવી હતી.
તણાવ દૂર કરવા ખાસ સેશન
નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તણાવ અનુભવે છે, જેથી તેમનો તણાવ અને પરીક્ષાનો ડર દૂર કરવા માટે મનોચિકિત્સકનું સેશન પણ રાખવામાં આવ્યું હતું.
હવે જીપીએસસી સહિતની પરીક્ષાઓ માટે શરૂ કરાશે
DGVCLના નિવૃત્ત એડિ. ચીફ એન્જિનિયર અને સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રદિપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાળકોને ફ્રીમાં કોચિંગ મળી રહે તે માટે નિવૃત શિક્ષક, ઈજનેર, તબીબ મિત્રો સાથે આ સેન્ટર શરૂ કર્યું. હવે જેઈઈ, જીપીએસસી સહિતની પરીક્ષાઓ માટેનું પણ આયોજન કરી રહ્યા છે

