
- અત્યાર સુધીમાં 3 સાવજને મારી નાખ્યા અને 11ને ઘાયલ કર્યા
- અમરેલીના ચાંદગઢના બે સાવજને કોઇ સાથે ભળતું નથી
અમરેલીના ચાંદગઢમા બાવળની કાટમાં બે એવા સાવજો વસે છે જે બંનેને એકબીજા સાથે તો ખુબ જામે છે પરંતુ બાકી કોઇ સાથે ભડતુ ન હોય એકલસુડા છે. પુખ્ત ઉંમરના બંને સાવજો એટલા ગુસ્સાવાળો સ્વભાવ ધરાવે છે કે જયારે મગજમાં તોર ચડયો હોય ત્યારે ખાસ ઝઘડો કરવા જ નીકળી પડે છે. આસપાસના વિસ્તારમા જે પણ સાવજો નજરે પડે તેને લોહીલુહાણ કરે છે અને ગુસ્સો શાંત થયા બાદ ફરી પોતાના વિસ્તારમા આવી જાય છે. ઝનુન અને અપાર શકિત ધરાવતા આ સાવજ બેલડી અહી ટીપુ અને સુલતાનના નામથી ઓળખાય છે. એકબીજાનો સાથ હોવાથી તેને ટેરેટરીના જાણે કોઇ બંધન નડતા નથી.
બંને સાવજો એવા કે મગજમાં તોર ચડયો હોય ત્યારે ખાસ ઝઘડો કરવા જ નીકળી પડે
થોડા થોડા સમયે જ્યારે મગજમા તોર ભરાય ત્યારે ખાસ ઝઘડો કરવા જ નીકળી પડે છે. વનવિભાગ પણ આ વાત જાણે છે એટલે તેના પર સતત નજર રાખે છે. અને જ્યારે બંને ચાંદગઢથી આગળ નીકળે ત્યારે જાણે અન્ય સાવજોનું આવી બન્યું. લડાઇનો મુડ હોય ત્યારે બંને છેક બાબાપુરથી લઇ ઇંગોરાળા, ભોરીંગડા સુધીનો ચક્કર મારે છે. જયાં પણ સાવજો હાજર હોય ત્યાં લોહીયાળ જંગ જામે છે.

આ સાવજોએ ત્રણ વર્ષમા ત્રણ સાવજને મારી નાખ્યા અને 11 સાવજને ઘાયલ કર્યા
આ સાવજ બેલડીએ ત્રણ વર્ષમા ત્રણ સાવજને મારી નાખ્યા છે અને 11 સાવજને ઘાયલ કર્યા છે. કયારેક આ સાવજો ફિફાદ અને ઘોબા સુધી પણ પહોંચી જાય છે. આમ તો આ આખી ટેરેટરી એક જ સાવજ ગૃપની છે. પરંતુ ટીપુ અને સુલતાનને પોતાના ભાઇ ભાંડુ સાથે પણ ફાવતુ નથી.

લોકોને પણ ડરાવવા સામા ચાલે છે
બંને સાવજોનો સ્વભાવ લોકોને ડરાવવાનો છે. જેથી કોઇ નજરે ચડે તો ઉભા થઇને સામા ચાલવા કરે છે. તેની માતા ભુરી સિંહણ પણ આમ જ કરતી હતી. જેથી લોકો તેની આજુબાજુ જવાનુ પણ ટાળે છે.
ઇનફાઇટમાં સુલતાનનો હોઠ તુટ્યો
ભરપુર યુવાની ધરાવતા આ બંને સાવજોએ એટલી લડાઇ કરેલી છે કે ખુદ બંનેના શરીર પર ઇજાના નિશાનો છે. એક લડાઇમા તો સુલતાનનો હોઠ પણ તુટી ગયો હતો.
ભોરીંગડા, લુવારિયા બને છે રણમેદાન
ભોરીંગડા અને લુવારીયા પંથકમા આ ગૃપ સિવાયના અન્ય સાવજોની અવરજવર હોય આ વિસ્તાર રણમેદાન બને છે. અને ટીપુ તથા સુલતાને આ વિસ્તારમા જ અત્યાર સુધીમા બે નર અને એક પાઠડા સાવજને મારી નાખ્યા છે.

