
તળ સુરતની ઓળખ સમાન કતારગામ દરવાજાથી અશક્તા આશ્રમ સુધી બનેલી ઐતિહાસિક કોટ દિવાલનું રિનોવેશન કરવા માટેના 3.31 કરોડના ટેન્ડરને ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી. ઉધના અને કતારગામ દરવાજા, લાલ દરવાજા, કમેલા દરવાજા, અઠવાગેટ અને સહારા દરવાજા જેવા વિસ્તારો તળ સુરતની પૌરાણિક હદ દર્શાવે છે.
આ વિસ્તારો એક સમયે શહેરની હદ રેખા પર હોવાથી વિવિધ દરવાજાથી અને કોટથી સુરક્ષિત રહેતાં હતાં. જે તે સમયે બનેલા દરવાજાઓને જોડતી કોટ હવે ઇતિહાસ બનીને અડીખમ છે ત્યારે પાલિકાએ વિનસ હોસ્પિટલથી કતારગામ દરવાજા સુધીની પૌરાણિક કોટ રૂપી દીવાલને રિનોવેટ કરવાનું નક્કી કર્યું હતું.
સ્ટેન્ડિંગની બેઠકમાં કામને મંજૂરી
પાલિકાએ કોટના રિનોવેશન માટે 2.73 કરોડના ખર્ચના અંદાજ સાથે ટેન્ડર મંગાવ્યાં હતાં. આ પ્રક્રિયામાં ઇજારદાર એજન્સીએ 21.49 ટકા ઊંચું એટલે 3.31 કરોડ રૂપિયાના ખર્ચે કામ કરવા માટે બિડ રજૂ કરી હતી. જેને સ્ટેન્ડિંગની બેઠકમાં ચર્ચા અંતે મંજૂરી અપાઇ હતી.
