
- એક વ્યક્તિ-એક હોદ્દાનો નિયમ તોડી જિલ્લા ભાજપ પ્રમુખને ચેરમેન બનાવાયા
- 2 દિવસ પૂર્વે કોંગ્રેસમાંથી આવેલા ક્રિપાલસિંહને ઉપપ્રમુખ બનાવ્યા, ઇનામદાર રાજીના રેડ
બરોડા ડેરીમાં ઈમાનદાર વહીવટ માટે ક્રિપાલ પર પસંદગી ઢોળાતાં અન્ય ડિરેક્ટરોના પેટમાં તેલ રેડાયું છે. ડેરીમાં દિનુમામા અને જી.બી.સોલંકીના એક હથ્થુ શાસનને પૂરું કરવા મેદાને પડેલા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે કોંગ્રેસમાંથી ક્રિપાલસિંહ મહારાઉલને ભાજપમાં પ્રવેશ કરાવી ઉપપ્રમુખ બનાવવા સુધી ઓપરેશન પૂરું પાડતાં હવે ઈમાનદાર વહીવટ થાય તેવી પશુપાલકોને આશા છે.
બીજી તરફ ભાજપના એક વ્યક્તિ-એક હોદ્દાના નિયમનાં બેવડાં કાટલાં જોવા મળ્યાં હતાં. ભાજપના મોવડી મંડળે બે મહિના માટે નિયમ તોડી જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા પાસે એક હોદ્દો હોવા છતાં ડેરીના ચેરમેનનો બીજો હોદ્દો આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘હું બે મહિના માટે જ ચેરમેન છું.’
રાજકીય ક્ષેત્રે ચર્ચા ઉઠી હતી કે, અઢી મહિના માટે ભાજપે મેન્ડેટ આપી સતીશ નિશાળિયા અને ક્રિપાલસિંહ મહારાઉલને પ્રમુખ-ઉપપ્રમુખ નિમ્યા છે. જ્યારે 5 જુલાઈ પહેલાં યોજાનારી ચૂંટણીમાં રિપીટ થીયરી અજમાવી શકે છે. ડેરીના રાજકારણમાં બે વર્ષથી પશુપાલકોને ફેટ પ્રમાણે યોગ્ય ભાવ મળે તે મુદ્દો ચગતો આવ્યો છે. ધારાસભ્ય કેતન ઈનામદારે ડેરી સામે ચઢાવેલી બાંયોના પગલે જી.બી.સોલંકીએ રાજીનામું આપી દેવું પડ્યું હતું.
બરોડા ડેરીમાં અઢી મહિના માટે ચૂંટાયા, વિધાનસભાની ચૂંટણીમાં નારાજ થયેલા નિશાળિયાને સાચવી લીધા
વડોદરા : બરોડા ડેરીમાં અઢી મહિના માટે 13 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે સતીષ પટેલ (નિશાળિયા) અને ઉપપ્રમુખ તરીકે ક્રિપાલસિંહ મહારાઉલ બિનહરીફ ચૂંટાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચનાથી 13 એપ્રિલે બપોરે 12:45 કલાકે અભિજિત મુહૂર્તમાં ગુજરાત સહકાર સેલના કન્વીનર બિપીન પટેલ (ગોતા) બંને ઉમેદવારોના મેન્ડેટ લઈ ડેરી પહોંચ્યા હતા. આખરે સર્વસંમતીથી સતીશ પટેલને પ્રમુખ અને ક્રિપાલસિંહને ઉપપ્રમુખ તરીકે સ્વીકારી લેવાયા હતા. બે દિવસ પૂર્વે ડેરીના ડિરેક્ટર ક્રિપાલસિંહ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા ત્યારથી તેમને ઉપપ્રમુખનું પદ આપવાનું પાક્કુ મનાઈ રહ્યું હતું.જ્યારે ભાજપમાં કરજણ બેઠક પરથી ટિકિટ કપાયા બાદ નારાજ સતીશ નિશાળિયાને ભાજપ પ્રદેશ પ્રમુખે સાચવી લીધા છે.
મંડળી પગભર બને તેવા નિર્ણયની આશા
નવા પ્રમુખ-ઉપપ્રમુખ અને મોવડી મંડળના નિર્ણયને આવકારું છું. તે પશુપાલકોને ભાવો અને મંડળી આર્થિક રીતે પગભર બને તેવા નિર્ણય લે તેવી આશા છે. > કેતન ઈનામદાર, ધારાસભ્ય, સાવલી
દિનુમામા-સોલંકીના શાસનની સમાપ્તિ
દિનુ મામા અને જી.બી.સોલંકીનું એકહથ્થુ શાસન પૂરું થયું છે. ભાજપ સામે બળવો કરનારા દિનુ મામાએ રાજીનામું આપ્યું હતું. ભ્રષ્ટાચારના આક્ષેપ અને ભાજપ મોવડી મંડળના ઈશારે જી.બી.સોલંકીનું રાજીનામું લેવાયું હતું.
આગામી બોર્ડ મિટિંગમાં નિર્ણયો લેવાશે
બોર્ડ મિટિંંગમાં પશુ પાલકોના હિત સહિતના નિર્ણય લેવાશે. ભાજપ તરફથી 12:45એ મેન્ડેટ આવ્યું હતું. અન્યે ફોર્મ ભર્યું નહતું.> સતીશ નિશાળિયા, પ્રમુખ, બરોડા ડેરી

