
- ગામને પાણી મળશે, પણ 100 સોસાયટીને ટેન્કરથી તરસ છીપાવવી પડશે
- જશ ખાટવા પહોંચેલા મેયર, કોર્પોરેટરો સહિતના હોદ્દેદારોને પાણી બતાવ્યું
3 વર્ષથી વડોદરામાં સમાવિષ્ટ વેમાલી ગામના લોકો વેરો ભરવા સાથે વર્ષે 2.40 કરોડ ખર્ચી ટેન્કરથી પાણી મગાવે છે. તાજેતરમાં જ લોકોએ પાણીની માગ સાથે રેલી કાઢી હતી છતાં ચૂંટાયેલા એક પણ પ્રતિનિધિ ફરક્યા ન હતા. જોકે 3 વર્ષ બાદ પાણીની લાઈન નાખવાનો જશ ખાટવા વેમાલીમાં પહોંચેલા સાંસદ, મેયર સહિતના પ્રતિનિધિનો રહીશોએ ઘેરાવો કરી ભારે ઉધડો લીધો હતો. સાંસદ રંજનબેન ભટ્ટ પહેલીવાર અને કાઉન્સિલરો 8 મહિના બાદ આવ્યા હોવાના આક્ષેપ કરી લોકોએ પાણી બતાવ્યું હતું.
જૂન-2020માં પાલિકામાં 7 ગામો સમાવિષ્ટ કરાયાં હતાં. જેમાં વેમાલીનો સમાવેશ થાય છે. જોકે 3 વર્ષનો સમય વિતવા આવ્યો છતાં પાણીની સગવડ કરાઈ નથી. વેમાલીના રહીશોએ કરોડોનો ટેક્સ ભર્યો છે, પણ પાણી માટે આયોજન ન કરાતાં તાજેતરમાં રહીશોએ રેલી કાઢી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે નારાજગી ઠાલવી હતી. નાગરિકોનું કહેવું છે કે, લોકોએ રેલી કાઢી કરેલા વિરોધ બાદ પણ એકેય ચૂંટાયેલા પ્રતિનિધિ વિસ્તારમાં જોવા સુધ્ધાં આવ્યા ન હતા.
બીજી તરફ મંગળવારે સમા ટાંકીથી કેનાલ સુધી અને ત્યાંથી વેમાલી સુધી નખાયેલી લાઈન મારફતે પાણી આપવાના કામનું લોકાર્પણ કરાયું હતું. જેનો જશ ખાટવા પહોંચેલા મેયર, સાંસદ, સ્થાયી ચેરમેન, વોર્ડ 3ના કાઉન્સિલરો, વાઘોડિયાના ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનો રહીશોએ ઉધડો લીધો હતો. લોકોએ વેમાલીને તો પાણી આપ્યું, સાથે આસપાસની 100થી વધુ સોસાયટીને પાણી ક્યારે મળશે તેવા વેધક સવાલો કરી રોષ ઠાલવ્યો હતો. સમસ્યાનો હલ ક્યારે લવાશે તેના જવાબને બદલે પ્રજાના રોષનો ભોગ બનવા ટેવાયેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લૂલો બચાવ કરતા નજરે પડ્યા હતા.
2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વેમાલીના રહીશોની નારાજગી ભાજપને પોષાય તેમ નથી. જેના પગલે સમજાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પણ રોષે ભરાયેલા લોકોએ હોદ્દેદારોની એક પણ સાંભળી ન હતી.
વાલ્વ ખોલતાં જ પ્રેશરના કારણે લાઈન ભાંગી, પાણીની રેલમછેલ
વેમાલી ગામ સુધી પાણીની લાઈનનું નેટવર્ક નાખ્યા બાદ મંગળવારે સવારે વાલ્વ ખોલી પાણી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે મેયર સહિતના હોદ્દેદારોએ વાલ્વ ખોલતાં જ કેનાલની બીજી બાજુ લાઈન પર પ્રેશર આવ્યું હતું અને તેના કારણે ભંગાણ થવાથી પાણીની રેલમછેલ જોવા મળી હતી. ગ્રામજનોને પાણી મળે તે પહેલા જ પાણીનો ફેરફાર થતો જોવા મળ્યો હતો.
પરાક્રમસિંહ સામે રહીશની હૈયાવરાળ
ફોટા પડાવવા આવી જાવ છો, પરેશાનીઓ વિશે ખબર નથી
લોકાર્પણ પૂર્વે પહોંચેલા કાઉન્સિલર પરાક્રમસિંહ સામે સ્થાનિક રહીશે બળાપો ઠાલવતાં કહ્યું કે, નેતાઓએ માત્ર ચાર ફોટા પડાવવાના, બેઝિક શું તકલીફ છે તેની લોકોને ખબર નથી. પાણીની જરૂરિયાતમાં મંજૂરી કેવી રીતે માગવાની હોય? ટાઉન પ્લાનિંગનો મતલબ શંુ, રોડ, પાણી અને રસ્તા હોય. હું અધિકારી પાસે ગયો હતો તો કહે છે કે તમને પાણી મળશે. પીવાનું મળશે, વાપરવા નહિ મળે. મિડલ ક્લાસના લોકો પાણી માટે લાખો ખર્ચે છે. મુખ્ય માર્ગ પર સ્ટ્રીટ લાઈટ નાખી છે, પરંતુ અંદરના રોડ પર કોણ નાખશે?
પાલિકાના ઇજનેરને પરખાવ્યું, એસી રૂમમાંથી નીકળો તો ખબર પડે
3 વર્ષથી પાણીની રાહ જોઈ થાકેલા નાગરિકોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સામે નારાજગી છે. પાલિકાના ઇજનેર સામે આક્રોશ ઠાલવતાં રહીશે કહ્યું કે, વિસ્તારમાં ક્યારે આવ્યા છો તે કહો. એર કન્ડિશનર રૂમમાંથી બહાર નીકળો અને વેમાલીમાં આવો, અમારા ઘરે રહો તો ખબર પડશે કે કેવી રીતે રહીએ છીએ.
જોડાણ નથી આપ્યું, પાણી ક્યાંથી આવશે
3-4 વર્ષથી વેમાલીમાં પાણીની સમસ્યા છે. ઘણી અરજી કરી છે. પાલિકાએ શું કર્યું ખબર નથી. પાણીનો વેરો લે છે. અમારે ત્યાં તો કનેક્શન જ નથી નાખ્યું છતાં પાણી મળી જશે તેવું કહી ઉલ્લુ બનાવે છે.
> હર્ષદ બ્રહ્મભટ્ટ, સ્થાનિક રહીશ
ભાજપી કાર્યકરોને જ મોરચા કાઢવા પડે છે
આજે વેમાલીને પાણી મળ્યું સારી વાત છે, પણ આસપાસ 100 સોસાયટીને ક્યારે મળશે? ભાજપના જ કાર્યકરોને મોરચા કાઢવા પડે તે શરમજનક વાત છે. આગામી ચૂંટણીમાં તેના પડઘા પડશે.
> પ્રવીણ દેસાઈ, સ્થાનિક રહીશ
અંદાજે 9 લાખ લિટર પાણી રોજ અપાશે
2.58 કરોડના ખર્ચે નેટવર્કિંગનું કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી, જેના પગલે પાણી સીધું ટાંકીમાં આવે. હવે 3 દિવસના બદલે રોજ પાણી મળી રહેશે. અંદાજિત 9 લાખ લિટર પાણીનું વિતરણ કરાશે. > નિલેશ રાઠોડ, મેયર

