
સુરતમાં પતિ દ્વારા પત્નીને અસહ્ય ત્રાસ આપવામાં આવતો હોવાનો કોલ મહિલા હેલ્પલાઈન 181 પર આવ્યો હતો. પીડિતા પત્નીએ જણાવ્યું હતું કે, પતિ મોબાઈલ ફોનમાં ખરાબ વીડિયો જોઈ શારીરિક સંબંધ બાંધવા માટે જબરદસ્તી કરે છે. આ સાથે જ ખરાબ વીડિયો સગા-સંબંધીઓને પણ મોકલે છે. જે બાદ અભયમે પતિને સમજાવી સમાધાન કરાવ્યું હતું.
પતિ 5 વર્ષથી કંઈ કામધંધો કરતા નથી
સુરત ઉધના વિસ્તારમાંથી 50 વર્ષના એક પીડિત મહિલાનો મહિલા હેલ્પલાઇન 181 નંબર પર ફોન આવ્યો હતો કે, તેમના પતિ તેમને હેરાન કરે છે. પીડિતાના ઘરે જઈ વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, તેઓ ઉત્તર પ્રદેશના વતની છે અને અહીં રોજગારી માટે આવ્યા છે. પીડિતાને 2 દીકરા છે. તેમના પતિનું એક્સિડન્ટ થયું હોવાથી પતિ 5 વર્ષથી કંઈ કામધંધો કરતા નથી.
મોબાઈલ ફોનમાં ખરાબ વીડિયો જોતો રહેતો
પીડિતા મજૂરીકામ કરે છે અને દીકરાઓને ઘર ચલાવવામાં મદદ કરે છે. પીડિતાના પતિને દીકરાએ લોકડાઉનમાં સ્માર્ટફોન લાવી આપ્યો છે. હવે પતિ તેમના મોબાઈલ ફોનમાં ખરાબ વીડિયો જોઈ છે અને તે પ્રમાણે પીડિતાને શારીરિક સંબંધ બાંધવા માટે જબરજસ્તી કરે છે. પીડિતા ના પાડે તો શારીરિક માનસિક ત્રાસ આપે છે.
પત્નીની મિત્રને પણ ફોન કરી હેરાન કરતો
પીડિતાના પતિ તેમના સગાં સંબંધીઓને પણ ખરાબ વીડિયો શેર કરે છે. પીડિતાની એક બહેનપણી છે તેમની સાથે પીડિતા ફોન પર વાતચીત કરતા હોય છે, તો પીડિતાના પતિ આ બહેનપણીને પણ ફોન કરે છે. તેથી પીડિતાના બહેનપણીએ પીડિતાના પતિનો ફોન નંબર બ્લોક કરી દિધો છે. તેથી પીડિતાના પતિ પીડિતાને માનસિક ત્રાસ આપે છે.
અભયમની સમજાવટ બાદ ફોન દીકરાને આપી દીધો
અભમયની ટીમે પીડિતાના પતિ સાથે વાતચીત કરી તેમને સમજાવ્યા હતા. ત્યારબાદ લિગલી સમજ આપી હતી. પીડિતા પતિ એ હવે પછી પત્નીને હેરાન નહીં કરે તેમ જણાવ્યું છે. આ સાથે જ તેમનો મોબાઈલ ફોન પણ દીકરાને આપી દીધો છે. અભયમની સમજાવટ બાદ પીડિતાએ પણ હાલ પતિ સાથે સમાધાન કર્યું છે.

