
- ફાયદા આ રીતે સમજો… 1. મેઇન લાઇન પર ગુડ્ઝ ટ્રેનોનું ભારણ ઘટશે 2. નવી ટ્રેનો મળશે 3. ટ્રેનોની સ્પીડ વધશે 4. શહેરમાં હેવી વ્હિકલ નહીં આવે
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) હેઠળ નિયોલ પાસે વેડછા ગામમાં રેકોર્ડબ્રેક 4 કિમી લાંબુ સ્ટેશન જમીનથી 8 મીટર ઊંચાઇ પર તૈયાર થઈ રહ્યું છે, જે ન્યૂ ઉધના ફ્રેઇટ સ્ટેશન કહેવાશે. અહીં લેન્ડ ફિલ થઈ ગઈ છે. હવે ટ્રેક બિછાવાશે. અહીં 2 પ્લેટફોર્મ-2 લૂપ લાઇન બનશે, જેની વચ્ચે અપ-ડાઉન મેઇન લાઇન હશે. લૂપ લાઇન પર માલગાડીઓ રોકાશે. પ્લેટફોર્મની લંબાઈ માલગાડીના 50 ડબ્બા જેટલી હશે.
આ ઉપરાંત નજીકમાં જ 4 કિમી લાબું યાર્ડ પણ બની રહ્યું છે, જેમાં ઇન્ડિયન રેલવેના ટ્રેકથી આવતી માલગાડીઓને જગ્યા અપાશે. સારોલી પાસે રંગઅવધુત મંદિર નજીક બની રહેલા આ ફ્રેઇટ સ્ટેશનને એપ્રોચ રોડ જોડશે, જેથી 48 ટાયરની મોટી ટ્રકો સરળતાથી આવી શકશે, જે હાલના ઉધના યાર્ડમાં શક્ય નથી. અહીં 250 ટ્રકોનું એકસાથે લોડિંગ-અનલોડિંગ કરી શકાશે. આ કામગીરી 1 વર્ષમાં પૂર્ણ કરાશે. આ સ્ટેશન સુરતને લોજિસ્ટિક હબ બનાવશે.
