
આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની પરીક્ષા છે, જ્યારે ધોરણ 12 સાયન્સમાં ઈંગ્લીશનું પેપર છે. ધોરણ 10માં ગણિત અને વિજ્ઞાન 2 મહત્ત્વના પેપર પુરા થઈ ચૂક્યા છે. હવે સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ હોવાનું વિદ્યાર્થીઓનું અનુમાન છે. જે વિદ્યાર્થીઓ સાયન્સ સિવાયની વિધાશાખામાં જવા ઈચ્છે છે તેમના માટે આ વિષય મહત્ત્વનો છે, જેથી વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાન માટે પણ તૈયારી કરી છે. અગાઉના પેપર કરતા આજે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સામાજિક વિજ્ઞાનનું પેપર છે, જેનું ટેનશન નથીઃ ક્રિમા
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ક્રિમા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, ધોરણ 10 માટે તો અમે વેકેશનથી તૈયારી શરૂ કરી છે. સામાજિક વિજ્ઞાન એવો વિષય છે, જેમાં વિચારીને લાંબા જવાબ લખી શકાય છે અને માર્ક્સ વધુ મેળવી શકાય છે. અત્યાર સુધી ગણિત અને વિજ્ઞાનનું પેપર પૂરું થઈ ગયું છે હવે સામાજિક વિજ્ઞાનનું પેપર છે, જેનું ટેનશન નથી. અપેક્ષિત અને ટેક્સ્ટબુકનું રિવિઝન પણ કર્યું છે.

આજનું પેપર પણ સારૂ જશે: અર્પિતા
વધુમાં અર્પિતા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, આજની પરીક્ષા માટે મહેનત કરી છે અને પરીક્ષા આપવા પુરી તૈયારી છે. શરૂઆતથી જ મહેનત કરી હતી. મારે કોમર્સ લેવું છે જેથી બધા વિષયને એક સરખું મહત્ત્વ આપ્યું છે. ગણિત અને વિજ્ઞાનનું પેપર ખૂબ જ સારું ગયું છે, જેથી આજનું પેપર અને બાકીના પેપર પણ સારા જાય તેવી આશા છે.


