
ગીર ગઢડા પંથકના જુના ઉગલા ગામે પ્લોટ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યાં છે.છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી
આ અંગેની મળતી વિગત મુજબ, છેવાડાના ગામડાં સુધી વિકાસ પહોંચ્યો હોવાના બણગા ફૂંકવામાં આવી રહ્યાં છે.પરંતુ હજુ એવા અનેક ગામો છે કે જ્યાં સારા રસ્તા કે શુદ્ધ પીવાનું પાણી પણ મળતું નથી ત્યારે જ વાત કરીએ ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામની તો અહીંયા 4500ની વસ્તી છે.જ્યારે પ્લોટ વિસ્તારમાં 200 મકાનો છે અને 2 હજાર જેટલા લોકો વસવાટ કરી રહ્યાં છે.

અને હર ઘર નળ યોજના પણ કાર્યરત છે પરંતુ પાણી તો મળતું નથી અને મહિલાઓ બધા કામ મૂકી ચાલીને દોઢ કીમી દૂર પાણી ભરવા માટે જાય છે એ પાણી શુદ્ધ તો મળતું જ નથી એ પણ દૂષિત પાણી ભરી લઈ આવવું પડી રહ્યું છે.જેથી આરોગ્યને પણ નુકશાન થઈ શકે છે.
દાખલામાં સહી માટે 20 કિમી જવું પડે!
વધુમાં મળતી વિગતો મુજબ, ગ્રામજનોને આવક કે અન્ય દાખલા માં સહી કરવવા માટે 20 કીમી દૂર રસુલપરા ગામે જવું પડી રહ્યું છે.લોકોની મુશ્કેલી દૂર થાય એ પણ જરૂરી છે.
રસ્તાઓ ધુળીયા અને ગંદકીના ગંજ
માત્ર પાણીની સમસ્યા જ નથી અહીંયા રસ્તા પણ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યાં છે તેમજ ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યાં છે.છતાં કોઈ જ કામગીરી થતી ન હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વહીવટદાર પણ અનિયમિત
આ ગામમાં સરપંચે દોઢ-બે વર્ષથી રાજીનામુ આપ્યું હતું બાદમાં વહીવટદારની નિમણૂક કરાઈ હતી તે પણ અનિયમિત હોવાનું લોકો જણાવી રહ્યાં છે.
પાણીનો પોકાર
1 હજાર ભર્યા પાણી ક્યાં?
આ અંગે સમજુબેને કહ્યું હતું કે 15 દિવસથી સમસ્યા વિકરાળ બની છે પાણી માટે 1 હજાર ભર્યા છે છતાં પાણી તો મળતું નથી.
રજુઆત કરીને થાક્યો
ભીખુભાઇ જાદવે જણાવ્યું,પાણી માટે સરપંચ,તંત્રને રજૂઆત કરી છે છતાં કઈ થતું નથી ચૂંટણી સમયે મત માંગવામાં આવે છે કામ થતું નથી.
દુર-દુર પાણી ભરવા જવું પડે છે
જમનાબેને કહ્યું હતું કે પાણી ની અછત છે પાણી ની વ્યવસ્થા થતી નથી દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડી રહ્યું છે.
બોર કરાવવા જરૂરી
રાહુલભાઈ એ કહ્યું હતું કે આ વિસ્તારમાં 2 બોર ની જરૂરિયાત છે 55 લાખના ખર્ચે વાસમો નું કામ થયું પણ બિન ઉપયોગી બની રહ્યું છે.

