
- ઓરિસ્સાથી ગાંજો મંગાવી પાટણમાં લઇ ગુજરાતના વિવિધ શહેરમાં સપ્લાય કરવાનો ખેલ
- ટ્રકમાં સવાર 3ની તેમજ મહેસાણા નજીક ગાંજાની રાહ જોઇ ઉભેલા 3 મળી કુલ 6 આરોપી ને દબોચી લેવાયા
તાપી જિલ્લાની સરહદે આવેલા ઉચ્છલ તાલુકાના હાઇવે પરના બેડકી નાકા પાસેથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને તાપી જિલ્લા એસઓજી સ્ટાફે બાતમીના આધારે એક ટ્રક અટકાવી તેમાંથી 573 કિલો જેટલો ગાંજાનો જથ્થા સાથે ત્રણ આરોપીને પકડી પાડયા હતા. આ ગાંજો ઓરિસ્સા રાજ્યમાંથી ભરવામાં આવ્યો હતો અને ગુજરાતના પાટણ લઈ જવામાં આવતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે મહેસાણા નજીકથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે પર મહારાષ્ટ્ર નવાપુર તરફથી આવતી એક ટ્રકમાં ગાંજાનો જથ્થો ભરેલો છે.
ટ્રક અટકાવી તેમાંથી 573 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ અંગે ઉચ્ચ અધિકારી રેન્જ આઈજી પિયુષ પટેલ, સુરત શહેર પોલીસ કમિશનર અજય સિંહ તોમર અને તાપી એસ.પી. રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને તાપી એસઓજી ના જવાનો બેડકી નાકા પાસે ગોઠવાયા હતાં. રવિવારે મોડી સાંજે બાતમી મૂજબની ટ્રક નંબર PB-02-BN-9566 નજરે પડતાં પોલીસ સ્ટાફે તેને કૉર્ડન કરી રોકી હતી. આ ટ્રકમાંથી ડ્રાઈવર સહિત ત્રણ લોકો મળી આવ્યાં હતાં, અને ટ્રકની કેબિનમાં તપાસ કરતાં જુદા જુદા ખાના અને સ્થળેથી લંબચોરસ ભૂરા કલરની કોથળી અને પેપર માં લપેટેલા ડાળી, ડાળખાં અને બી સાથેના ગાંજાના 64 જેટલાં પાર્સલ મળી આવ્યાં હતાં.

ગાંજાના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા
આ બનાવમાં ટ્રકમાંથી ચાલક અવતારસિંગ લખવિંદર સિંગ સિંધુ, ગુરજીતસિંગ મંગલસિંગ સોહતે (બંને રહે. લાપોગી અજનાળા ગામ જી. અમૃતસર) અને કિશનસિંગ દલજીત સિંગ સોનીવાલ (રહે. સતરથાના જી. તરણતારણ)ની વધુ પૂછપરછ કરતાં આ ગાંજાનો જથ્થો ટ્રક માલિક રાબેગસિંગ હરિસિંગ (રહેવાસી બહેરીવાલ જી. અમૃતસર) ના કહેવાથી દિલબાગ સિંગ ઉર્ફે બગ્ગા જશવંતસિંગ (રહે તરણતારણ) એ ભરાવી આપ્યો હતો. અને રંજન રંગનાથ નાયક (રહે.ગુલુબા જી.ગજપતિ ઓરિસ્સા રાજ્ય ) એ મોક્લ્યો હતો, તથા મૂળ ઓરિસ્સાનો અને હાલ સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતો વિજય અશોક કુલપતિએ મંગાવ્યો હતો.
ગાંજાનો વિપુલ જથ્થો ઓરિસ્સાથી ભરીને ગુજરાતમાં ઘુસાડ્યો
આ ગાંજાનો વિપુલ જથ્થો ઓરિસ્સાથી ભરીને ગુજરાતના પાટણ સુધી લઈ ગયા બાદ, આગળ જુદા જુદા સ્થળે મોકલવાના હોવાનું જણાવ્યું હતું. તાપી પોલીસે આ બનાવમાં કુલ છ આરોપીની ધરપકડ છે. કુલ 573.120 કિલો ગાંજો જેની કિંમત રૂપિયા 57,31,200, ટાટા કંપનીની ટ્રક કિંમત રૂ. 7,00,000 અને બે મોબાઈલ કિંમત રૂ. 2000
પેપરમાં લપેટેલા ગાંજાના 64 પાર્સલ ટ્રકની કેબીનની અંદર છુપાવવામાં આવ્યા હતા
- પંજાબ ની ટ્રક માંથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ ને મળેલી બાતમી ના આધારે 573 કિલો જેટલો મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો.આ ગાંજા નો જથ્થો ગુજરાત રાજ્ય માં મોકલવામાં મૂળ ઓરિસ્સા ના બે આરોપી ની સક્રિય ભૂમિકા હતી.રંજન નાયક નામના આરોપી એ આ ટ્રક માં ઓરિસ્સાથી ગાંજો ભરાવ્યો હતો .
- ગેંગનો સૂત્રધાર વિજય અશોક કુલપતિ મૂળ ઓરિસ્સાનો વતની છે અને હાલ સુરત શહેરના વેસુ વિસ્તાર ખાતે રહે છે. આરોપી વિજય કુલપતિ નામના આરોપી સામે સન 2018 માં રાજકોટ શહેર ના ભક્તિ નગર પોલીસ મથકે 350 કિલો ગાંજા સાથે અને આણંદ જિલ્લાના વિરસદ પોલીસ મથકે પણ સને 2018 માં ગુનો દાખલ થયો હતો.
મહેસાણાથી આ 3ની અટક કરાઇ
આ બનાવમાં ટ્રકમાંથી મળી આવેલા ત્રણ આરોપીની પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો ભરાવી આપનાર અને મંગાવનાર અન્ય ત્રણ આરોપી હાલ ઉત્તર ગુજરાતના મહેસાણા નજીક હોવાનું જણાવ્યું હતું. આ આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ તાબડતોબ મહેસાણા જિલ્લામાં પહોંચી ત્યાંથી ગાંજો ભરેલી ટ્રકની રાહ જોતાં આરોપી દિલબાગ, રંજન અને વિજયને દબોચી લીધા હતાં.
તમામ આરોપીઓ 14 દિવસના રિમાન્ડ પર
આ બનાવમાં ટ્રકમાંથી અને મહેસાણા શહેર નજીક થી ઝડપાયેલા કુલ છ આરોપી ને તાપી પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં.દરમિયાન આ ટ્રકમાં ક્યાં થી અને કોણે ગાંજો ભરાવ્યો હતો,આ ટ્રક ક્યાં રૂટ પર થઈ પસાર થઈ હતી,આ પ્રકરણમાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ અને આરોપીઓ સામે ભૂતકાળમાં અન્ય વધુ કોઈ ગુના નોંધાયેલા છે કે નહીં તેની તપાસ કરવાની છે. એવા મુદ્દા સાથે નામદાર કોર્ટ સમક્ષ આરોપીઓ ના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યાં હતાં અને કોર્ટ દ્વારા એ મંજૂર કરવામાં આવ્યાં હતાં.

